માહ: ૨૪૮૮ : ૧પ :
અહો....ધન્ય છે! સમ્યગ્દર્શન પામ્યો ત્યાં કહે છે કે ધન્ય છે....ધન્ય છે! તું શૂરવીર છો. તું વીર છો, તું
મનુષ્ય છો, તું પંડિત છો–એમ સ્વામીકાર્તિકમાં આવે છે. તું પંડિત છો, તું મનુષ્ય છો, તું શૂરવીર છો. તું પંડિત
મોટામાં મોટો છો, તું બાર અંગનો ભણનાર છો, બધું આવી ગયું તારામાં.–આમ અંદરથી પ્રમોદ આવે....
આહા!!
વિકલ્પ તો આવે, ન જ આવે એમ નહિ છતાં તે વિકલ્પ અંદરમાં લઈ જાય એવી તેનામાં તાકાત
નથી. વિકલ્પની ભૂમિકાથી ખસીને ભગવાનને ભાળે. મહિમાવંત પ્રભુ આત્મા છે, વિકલ્પની મહિમા જ નથી.
પરમાત્મા પોતે, પરમ–આત્મા એટલે પરમસ્વરૂપ કાયમી સ્વરૂપ, ચિદાનંદ આદિ–અંત વિનાનું ધ્રુવસ્વરૂપ,
એને પકડયું ને એનો અનુભવ થયો એનાથી ઊંચી ચીજ જગતમાં બીજી કોઈ નથી. ભલે બીજી હોશિયારી
હોય, બોલતાં આવડે. પાંચ પાંચ હજારની સભામાં ભાષણ કરો બે કલાક ઊભા ઊભા બોલે, કંઠ દુઃખે નહિ,
–પણ તેમાં શું છે? તે બધો જડનો સંસાર છે, જડ જડપણે ખીલ્યું તેમાં આત્મા નથી. અમને બહુ આવડે–
બોલતાં આવડે, સમજાવતાં આવડે, સભારંજન કરતાં આવડે;–પણ ભાઈ! એ તો બધું જડનો વિસ્તાર છે.
ભાઈ, જડ વિસ્તાર પામે, સંસાર વિસ્તાર પામે તેમાં તું ક્્યાં છો? અહીં તો મૂળ વાત છે....ભાઈ! બીજે જ્યાં
ત્યાં માખણ ચોપડનારા તો ઘણા મળે છે.
(એક શ્રોતા:) ભગવાન થવું હોય તો આવું સાંભળવું જોઈએ.
ભાઈ, આવું સમજવું જોઈએ....રાંકો તો અનાદિનો છો, ને ચોરાશીના અવતારમાં રખડી તો રહ્યો છે.
તેમાંથી છૂટવાની આ વાત છે.
ઓ....હો! સમયસારાદ્ ઉત્તર કિચિત્ ન અસ્તિ....
‘न खलु समयसारादुत्तरं किंचिदस्ति’
કોઈપણ ઊંચામાં ઊંચું જગતમાં કહેવાતું હોય, પણ ભગવાન આત્માના શ્રદ્ધા–જ્ઞાન ને રમણતા
સિવાય જગતમાં કાંઈ ઊંચું છે નહિ, ત્રણકાળ ત્રણલોકમાં કોઈ ઊંચું છે નહિ; તીર્થંકરો પણ એમ કહે છે,
કેવળીઓ પણ એમ કહે છે. ચારિત્રવંત મુનિઓ એમ અનુભવી રહ્યા છે, ને સમકિતીના ભાનમાં પણ એવું
વેદન હોય છે. આ જ પરમાર્થ વસ્તુ છે, બીજી વસ્તુ પરમાર્થ નથી.
એક ભાઈ કહેતા હતા કે ક્રમબદ્ધની વાત સાંભળીને લોકો સ્વચ્છંદી થાય છે કે થવાનું હશે તે થશે.
અને વ્યવહારની કુણપ હતી તે પણ ચાલી જાય છે. બધા ક્રમબદ્ધ–ક્રમબદ્ધ મંડયા છે પણ કુણપ અને કષાયની
મંદતાની વાત ભૂલાઈ જાય છે.
શું કરીએ ભાઈ! લોકો ભૂલે....કે.....ન ભૂલે.....સત્ય તો આ છે, થવું હશે તેમ થશે–એમ માનીને
ધીઠાઈ આવી જાય, ક્રમબદ્ધને નામે સ્વચ્છંદ થઈ ગયો!–શું થાય? હતી તે વાત બહાર આવી ગઈ. ન
સમજે તો શું થાય? સ્વચ્છંદ સેવે કે ન સેવે એ તો એનો સ્વતંત્ર અધિકાર છે. ક્રમબદ્ધ સમજનારની તો
કેટલી શૈલી હોય....બાપુ! દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે કેટલો વિનય હોય! કેટલું બહુમાન હોય! અંદર એટલા
ગલગલીયાં ને મીઠાસ આવે કે દેવ–ગુરુ–શાસ્ત્રને માટે માન ને માથાં મુકી દ્યે. પ્રાણ જાય તો પણ દેવ–
ગુરુ–શાસ્ત્રનો વિનય તે ન છોડે.–એટલો તો જેનો વિનય વ્યવહારમાં હોય.–સમજાય છે? ક્રમબદ્ધના
નામે આ બધા બોલ લોકો ભૂલી જાય છે. શું કરીએ બાપા! વસ્તુ તો જે હતી તે બહાર આવી.
“અમારે શું વિકાર કરવાનો ભાવ છે? એ તો ક્રમબદ્ધ છે, વિકાર ક્રમે આવવાનો હતો તે
આવ્યો....કર્મનું નિમિત્ત ને અમારો સ્વકાળ તેથી પાપભાવ આવ્યો”–એમ કહીને સ્વચ્છંદે વર્તે, પણ અરે
બાપુ! તું શું કહે છે? આ તો તારી અંતર હૃદયની જે કુણપ હતી કે હું રાગની મંદતા કરું,–એવી કુણપ
પણ ચાલી ગઈ! તું સમજ્યો જ નથી એકકેય વાતને! અરે ભગવાન! મરી જઈશ હો....એમ તારા
આરા આવે એવા નથી.