: ૧૮ : આત્મધર્મ : ૨૨૦
આત્માનો સર્વજ્ઞસ્વભાવ આદરણીય છે
સમસ્ત બંધભાવો નિષેધયોગ્ય છે.
(સમયસાર ગા. ૧પ૯–૧૬૦ ઉપરના પ્રવચનોમાંથી)
જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનનું સમ્યક્ત્વ અને જ્ઞાનનું ચારિત્ર તે તો સ્વભાવરૂપ છે એટલે મોક્ષના કારણરૂપ
છે; પણ શુભ કે અશુભ પરભાવરૂપ કષાય વડે તે ઢંકાઈ જાય છે. મોક્ષના કારણને જે ઢાંકે તે ભાવ
મોક્ષમાર્ગમાં કેમ આદરણીય હોય? ન જ હોય; માટે શુભ કે અશુભ કર્મને નિષેધવામાં આવ્યું છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે જે મોક્ષનું કારણ છે તે તો જ્ઞાનનું જ પરિણમન છે, તે કોઈ રાગનું પરિણમન
નથી. સમ્યગ્દર્શનાદિનું એકાકારપણું જ્ઞાનસ્વભાવ સાથે છે, રાગ સાથે તેનું એકાકારપણું નથી. રાગ–પછી તે
અશુભ હો કે શુભ–પણ તે મોક્ષમાર્ગને રોકનાર છે. ‘સ્વતત્ત્વ’ તેને કહેવાય કે જે સ્વભાવ સાથે સદાય
એકમેક હોય. પોતાનું સત્ત્વ (સત્પણું – હોવાપણું) કઈ રીતે છે તે જાણ્યા વગર મોક્ષમાર્ગ સાધી શકાય નહીં.
સ્વતત્ત્વ શું છે–તેની જ જેને ખબર નથી તે કોની શ્રદ્ધા કરશે? કોનું જ્ઞાન કરશે? ને કોનામાં ઠરશે? રાગને જે
મોક્ષનું કારણ માને છે તે તો રાગને જ સ્વતત્ત્વ માનીને, તેની જ શ્રદ્ધા, તેનું જ્ઞાન ને તેમાં જ લીનતા કરે છે
એટલે કે મિથ્યાત્વરૂપી સંસારમાર્ગને જ તે સેવે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે તે તો
આત્માના જ આશ્રયે છે, રાગનો કિંચિત્ પણ આશ્રય તેમાં નથી. રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ રાગથી અત્યંત
નિરપેક્ષ છે. જેમ પરદ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ નથી, તેમ રાગના આશ્રયે પણ મોક્ષમાર્ગ નથી.
અહા, આવો સરલ માર્ગ!! અંતરમાં જરાક વિચાર કરે તો ખ્યાલ આવી જાય કે માર્ગ તો આવો જ
હોય. જેમ મેલા રંગથી રંગાતા વસ્ત્રનો શ્વેતસ્વભાવ ઢંકાઈ જાય છે, તેમ રાગની રુચિથી રંગાયેલા જીવને
મોક્ષમાર્ગ ઢંકાઈ જાય છે. રાગની રુચિ તે મિથ્યાત્વરૂપી મેલ છે, તેના વડે સમ્યક્ત્વનો ઘાત થાય છે.
સમ્યક્ત્વ છે તો જીવનો સ્વભાવ, પણ પરભાવની રુચિ વડે તે ઢંકાઈ જાય છે, એટલે કે મિથ્યાત્વ થાય છે.
ચિદાનંદસ્વભાવની રુચિ કરીને, ઉપયોગને અંતરમાં વાળીને સ્વજ્ઞેય કરે ને તેમાં ઠરે તો તો મોક્ષનો માર્ગ
ખૂલો થાય છે, પણ રાગના આશ્રયે લાભ માનતાં મોક્ષમાર્ગ ઢંકાઈ જાય છે. આ રીતે પાપ–પુણ્ય બંને ભાવો
મોક્ષમાર્ગથી વિરુદ્ધ હોવાથી તેમને નિષેધવામાં આવ્યા છે.
જેણે મોક્ષ કરવો હોય તેણે સમસ્ત કર્મબંધ છોડવા યોગ્ય છે. પણ, અશુભ છોડવા યોગ્ય ને શુભ
રાખવા યોગ્ય–એવા ભેદને તેમાં અવકાશ નથી. જરાક પણ બંધભાવને રાખવા જેવો જે માને તે જીવને
ખરેખર મોક્ષનો અર્થી કેમ કહેવાય? મોક્ષનો અર્થી હોય તે બંધને કેમ ઈચ્છે? ભાઈ, એકવાર તું તારા
જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને જો ખરો, કે તેમાં શું રાગની ઉત્પત્તિ થાય છે? જ્ઞાનના આશ્રયે કદી રાગની
ઉત્પત્તિ થતી નથી; અને રાગની સન્મુખતાથી કદી સમ્યગ્દર્શનાદિની ઉત્પત્તિ થતી નથી.–આ રીતે જ્ઞાનને અને
રાગને ભિન્નસ્વભાવપણું છે. જ્ઞાનના પરિણમનમાં રાગનો નિષેધ છે–––અભાવ છે; જ્ઞાનના આશ્રયે જે
સમ્યગ્દર્શનાદિનું પરિણમન થયું તેમાં પણ રાગનો અભાવ જ છે. જેને રાગનો અભાવ ન ભાસે ને રાગનો
જરાપણ આશ્રય ભાસે તેને સમ્યક્ત્વાદિનું પરિણમન થયું જ નથી. તે મિથ્યાદ્રષ્ટિ છે.
જુઓ, હવે ગાથા ૧૬૦માં આત્માનો સર્વજ્ઞસ્વભાવ બતાવીને આચાર્યદેવ સમજાવે છે કે ભાઈ, તારો
આત્મા તો સર્વજ્ઞતાના સામર્થ્યવાળો છે પણ તારા અપરાધથી તારો તે સ્વભાવ ઢંકાઈ ગયો છે.
તે સર્વજ્ઞાની – દર્શી પણ
નિજ કર્મરજ –આચ્છાદને,
સંસારપ્રાપ્ત ન જાણતો
તે સર્વ રીતે સર્વને. (૧૬૦)
(અનુસંધાન પૃ. ૨૩)