Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 25

background image
: ૨૦ : આત્મધર્મ: ૨૨૦
ફળ પણ સંસાર જ છે, તો તેને સુશીલ કેમ કહેવાય? રાગમાત્ર કુશીલ છે–પછી તે અશુભ હો કે શુભ
હો; અશુભ અને શુભ એ બંને ભાવો ચૈતન્યસ્વભાવથી બાહ્ય પ્રવૃત્તિરૂપ છે, ને ચૈતન્યસ્વભાવથી જે
બાહ્ય છે તે કુશીલ છે. એવા શુભાશુભને પોતાનું કર્તવ્ય માનવું કે તેનાથી લાભ માનવો તે મોટું
મિથ્યાત્વરૂપી કુશીલ છે.
ખરેખર અજ્ઞાન તે કુશીલ છે, ને સમ્યગ્જ્ઞાન તે સુશીલ છે. અનંત સંસારના કારણરૂપ જે
ક્રોધાદિભાવો તેનો જે જ્ઞાનમાંથી અભાવ ન થાય તે જ્ઞાન કુશીલ છે. એકલો ક્ષયોપશમ થાય તે જ્ઞાનને
ખરેખર જ્ઞાન કહેતા નથી; જે જ્ઞાન અંતરમાં વળીને પોતાના ચૈતન્યસ્વભાવ સાથે કેલિ કરે ને
પરભાવમાં જરાપણ તન્મય ન થાય તેને જ જ્ઞાન કહેવાય છે ને તે જ સુશીલ છે. જ્યાં આવું સમ્યગ્જ્ઞાન
છે ત્યાં જ શીલ હોય છે, અને અકષાય ભાવરૂપ શીલ જ્ઞાન વગર હોતું નથી. ભલે ૧૧ અંગ ભણ્યો હોય
પણ જો રાગાદિ પરભાવમાં તન્મયપણું ન છોડે તો તે કુશીલ જ છે. શીલ એટલે પ્રકૃતિ, અથવા
સ્વભાવ; અજ્ઞાનની પ્રકૃતિ શું?–કે જીવને સંસારમાં રખડાવવો તે; તેથી અજ્ઞાન તે કુશીલ છે. અને
સમ્યગ્જ્ઞાનની પ્રકૃતિ શું?–કે જીવને કષાયોથી છોડાવીને મોક્ષ પમાડવો તે; આવું જ્ઞાન તે સુશીલ છે.
અજ્ઞાન તે સંસારપ્રકૃતિવાળું છે ને સમ્યગ્જ્ઞાન તે મોક્ષપ્રકૃતિવાળું છે.
જ્યાં સમ્યગ્જ્ઞાન થયું ત્યાં ચૈતન્યથી બાહ્ય સમસ્ત વિષયોમાંથી સુખબુદ્ધિ છૂટી ગઈ, તે વિષયોને
પોતાથી ભિન્ન જાણીને જ્ઞાન તેનાથી જુદું પડ્યું, ને પોતાના અકષાયસ્વભાવ તરફ વળ્‌યું. આનું નામ સુશીલ
છે. જો આવું સુશીલપણું ન હોય ને બાહ્ય વિષયોને જ ધ્યેય બનાવીને જ્ઞાન પ્રવર્તે તો તો બાહ્ય વિષયોની
મીઠાસથી જ્ઞાનનો નાશ થાય છે; સમ્યગ્દ્રષ્ટિને અસ્થિરતાના રાગથી જે ઈન્દ્રિયવિષયો છે તેટલી ચારિત્રદશા
રોકાય છે, પણ અંતરમાં ભાન છે કે આ રાગ તે મારા સ્વભાવની પ્રકૃતિ નથી, તે તો વિભાવ છે; એટલે તે
સમ્યગ્દ્રષ્ટિના શ્રદ્ધા–જ્ઞાનમાં તો સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનનો નાશ થતો નથી. પરદ્રવ્યનો સંસર્ગ છોડીને બ્રહ્મસ્વરૂપ
આત્મામાં લીન થવું તે પરમ બ્રહ્મચર્ય છે, તેને પણ શીલ કહેવાય છે, અને વ્યવહારમાં સ્ત્રી આદિના સંગને
છોડવો, વિષયો છોડવા તે બ્રહ્મચર્યને પણ શીલ કહેવાય છે. તે પણ આમાં સમાઈ જાય છે; કેમ કે ચૈતન્યને
જાણીને પછી જ્યાં તેની ભાવનામાં રત થાય ત્યાં બાહ્ય વિષયો તરફનું વલણ સહેજે છૂટી જાય છે. ઉપયોગની
પ્રવૃત્તિ જ્યાં નિજસ્વભાવમાં થઈ ત્યાં પરભાવથી ને પરવિષયોથી ઉપયોગ છૂટી ગયો, તેનું નામ જ સુશીલ
છે.
આચાર્યદેવ કહે છે કે ભાઈ, પ્રથમ તો સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ જગતમાં બહુ દુર્લભ છે. અને જ્ઞાન પામ્યા
પછી પણ તેની વારંવાર ભાવના અને અનુભવ કરવો તથા વિષયો છોડીને ચૈતન્યમાં ઠરવું–તે બહુ દુર્લભ છે.
અતીન્દ્રિય ચૈતન્યસ્વભાવની રુચિ ઈન્દ્રિયવિષયોની રુચિ છૂટયા વગર થતી નથી, અને પછી પણ તે
ઈન્દ્રિયવિષયોનો અનુરાગ છૂટયા વગર ચૈતન્યના અતીન્દ્રિય આનંદમાં લીનતા થતી નથી. બાહ્ય વિષયો
તરફનું વલણ ચૈતન્યની સ્થિરતાને બગાડે છે; અને જો બાહ્ય વિષયોમાં રુચિ કે સુખબુદ્ધિ થઈ જાય તો
ચૈતન્યની શ્રદ્ધા પણ બગડી જાય છે. માટે ચૈતન્યને સ્વધ્યેય બનાવીને તેમાં એકાગ્રતા વડે વિષયો તરફના
વલણનો ત્યાગ તે સુશીલ છે.
જ્યાં સુધી જીવ સ્વવિષયને ભૂલીને બાહ્યવિષયોને જ વશીભૂત વર્તે છે ત્યાંસુધી તે પોતાના વાસ્તવિક
જ્ઞાનને જાણતો નથી. અને જ્ઞાન વગર માત્ર બાહ્ય વિષયોની વિરક્તિથી પણ કર્મનો ક્ષય થતો નથી.
દ્રવ્યલિંગી મુનિ થઈને બાહ્ય વિષયો તો છોડયા પણ અંદરમાં રાગની રુચિ ન છોડી–તો તેણે ખરેખર
વિષયોને છોડયા જ નથી, ને તેને કર્મોની નિર્જરા થતી નથી.
નિર્જરા અધિકારમાં આચાર્યદેવકહે છે કે, જ્ઞાની નિયમથી જ્ઞાન–વૈરાગ્યની શક્તિવાળો હોય છે–