Atmadharma magazine - Ank 220
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
: ૨૨ : આત્મધર્મ : ૨૨૦
કષાયનો અભાવ થયો ને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ્યું, તો તેનું ફળ પણ એવું મહાન છે કે અનંત સંસારને
છેદીને અલ્પકાળે જીવને મુક્તિ પમાડે. જ્ઞાનને અંતર્મુખ કરીને જ્યાં સ્વજ્ઞેયને જાણ્યું ત્યાં બીજા જાણપણાનો
ઉઘાડ ભલે થોડો હો, અને તપ પણ ભલે થોડું હો, છતાં અલ્પ આચરણવડે પણ તે મહાન ફળને પામે છે.
શુદ્ધતાની કળા સમકિતીને ખીલતી જ જાય છે કોઈ જીવ અજ્ઞાનપૂર્વકના આચરણથી નવમી ગ્રૈવેયક સુધી
જાય, ને કોઈ ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાની પહેલા સ્વર્ગે જાય, છતાં જ્ઞાનીને ક્ષણે ક્ષણે અંદર ચૈતન્યની કળા અને
ચૈતન્યની શુદ્ધતા ખીલતી જ જાય છે. અરે, શ્રેણીક રાજા ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ તે અત્યારે નરકમાં હોવા છતાં
સમ્યક્ત્વના પ્રતાપે ક્ષણે ક્ષણે ચૈતન્યની શુદ્ધતા પામે છે. મિથ્યાદ્રષ્ટિ મુનિ કરતાં નિર્મોહી ગૃહસ્થ (સમ્યગ્દ્રષ્ટિ)
પણ શ્રેષ્ઠ છે. મિથ્યાદ્રષ્ટિ મુનિ થયો હોય તો પણ તેને “ચલશબ” કહ્યો છે; ને સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને
“નાનકડા સિદ્ધ” (ઈષત્ સિદ્ધ) કહ્યા છે.
અહો, આત્મજ્ઞાન શું ચીજ છે તેની જગતને ખબર નથી, બહારનાં આચરણ દેખે ત્યાં મહિમા આવી
જાય છે. પણ એવા આચરણરૂપી ઘાસના પૂળા તો અજ્ઞાનરૂપી પાડો અનંતવાર ખાઈ ગયો. અનંતવાર શુભ
આચરણ કરવા છતાં સંસારથી જરાય નીવેડો ન આવ્યો; અને જો આત્માનું ભાન કરીને એકવાર પણ
સમ્યગ્દર્શન પ્રગટ કરે તો એક ક્ષણમાં અનંત સંસાર કટ થઈ જાય છે, ને અલ્પકાળમાં મોક્ષપદની પ્રાપ્તિ થાય.
–આવું સમ્યગ્દર્શનનું મહાન ફળ છે.
જે જીવ વિષયોથી વિરક્ત થતો નથી ને ચૈતન્યની ભાવના ભાવતો નથી તે જીવ મોહથી ચારગતિરૂપ
સંસારમાં રખડે છે. અને જે જીવ અંતર્મુખ થઈને, વિષયોથી વિરક્ત થઈને ચૈતન્યના વારંવાર અનુભવરૂપ
ભાવના ભાવે છે તે જીવ ચાર ગતિને છેદીને મુક્તિ પામે છે. અતીન્દ્રિય ચૈતન્યની ભાવનાથી ઉત્તમ શીલના
સર્વે ગુણો પરિપૂર્ણ થાય છે ને ભવનો ભેદ થઈ જાય છે. જેમ સુવર્ણને ધોઈને ગેરૂથી ઘસતાં ઊજળું ચકચકિત
બને છે, તેમ નિર્મળ સમ્યગ્જ્ઞાનરૂપી જળવડે આત્માને ધોઈને, વિષયોથી વૈરાગ્યરૂપ ગેરૂવડે ઘસતાં શુદ્ધતા
થાય છે ને અનંતચતુષ્ટય વડે આત્મા ઝળહળી ઊઠે છે.
જે જીવ શાસ્ત્રજ્ઞાન વગેરેથી ગર્વિત થઈને વિષયોમાં જ રંજિત વર્તે છે ને વૈરાગ્ય પામતો નથી તે
જીવ કુપુરુષ છે, કાયર છે; ત્યાં કાંઈ જ્ઞાનનો દોષ નથી પણ તે જીવની ઊંધી દ્રષ્ટિનો દોષ છે. અરે, મૂઢ
જીવો શાસ્ત્રજ્ઞાન પામવા છતાં ઉપશમને પામતા નથી, તે મંદબુદ્ધિ જીવો વિષયોમાં જ વર્તે છે. ભલે
જ્ઞાનનો ઉઘાડ ઝાઝો હોય તો પણ તેને મંદબુદ્ધિ જ કહ્યો છે. ચૈતન્યસન્મુખનું સમ્યગ્જ્ઞાન તો તેને છે
નહિ, ને બહારના જાણપણારૂપ જ્ઞાનથી તે ગર્વિત થઈને વર્તે છે, ને સ્વછંદે વિષયકષાયોમાં જ વર્તે છે
પણ ચૈતન્ય તરફ વળતો નથી, તો તે જીવની ઊંધી પરિણતિનો જ અપરાધ છે, જ્ઞાનનો કાંઈ દોષ નથી.
ભાઈ, ચારે કોરથી ચિંતાને હઠાવીને સ્વભાવસન્મુખ તારા ઉપયોગને જોડ; એ રીતે ચૈતન્યના ધ્યેયે
પૂર્ણાનંદ પ્રગટ થશે.
“જ્ઞાની જે કામ કરે છે તે અદ્ભુત છે. સત્પુરુષનાં વચન વગર વિચાર આવતો નથી.
વિચાર વિના વૈરાગ્ય આવે નહીં. આ કારણથી સત્પુરુષનાં વચનો વારંવાર વિચારવા.”
“જ્ઞાન તો એક જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરથી પ્રીતિ ઘટે છે.
સાચાને સાચું જાણે છે, જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.”
– શ્રીમદ્ રાજચંદ્ર