જાણે, અને સામા જીવનો પણ નિર્ણય કરી શકાય છે કે આ જીવ રત્નત્રયરૂપે પરિણમેલો છે માટે
જરૂર ભવ્ય જ છે. ધવલામાં પણ આ દ્રષ્ટાંત આપ્યું છે. મતિજ્ઞાનની નિર્મળતાની પણ અચિંત્ય
તાકાત છે. પોતાની કે પરની ખબર પડી શકે નહિ–એમ માને તે તો મૂઢતા છે. જુઓને, જ્ઞાનીને
જાતિસ્મરણ થાય ત્યાં ખ્યાલ આવી જાય કે અત્યારે આ શરીરમાં રહેલો જીવ પૂર્વે મારો સંબંધી
હતો.–કઈ રીતે તે ખબર પડી? પૂર્વનું શરીર અને અત્યારનું શરીર તો એકદમ બદલી ગયું છે, છતાં
મતિજ્ઞાનની નિર્મળતામાં સામા જીવનો નિર્ણય થઈ જાય છે કે આ જીવ પૂર્વે અમુક–ભવમાં અમુક
ઠેકાણે મારો સંબંધી હતો. જુઓ તો ખરા, જ્ઞાનની નિર્મળતાની તાકાત!! જાતિસ્મરણની પણ
આટલી તાકાત, તો પછી અંદરના સ્વસંવેદનથી આત્માનો જે અનુભવ થયો તેની નિઃશંકતાની શી
વાત!! તેની તો પોતાને ખબર પડે....પડે....ને પડે; તેમજ બીજાને પણ પરીક્ષાથી ઓળખી લ્યે.
તેના જ્ઞાનપરિણામને એકવસ્તુપણું હોવાથી કર્તાકર્મપણું છે, પરંતુ ચૈતન્યસ્વભાવી આત્માને રાગ
સાથે એકવસ્તુપણું નથી પણ ભિન્નતા છે, તેથી તેમને કર્તાકર્મપણું નથી. રાગાદિને ખરેખર
શુદ્ધદ્રષ્ટિથી આત્મા સાથે વ્યાપ્ય–વ્યાપકપણું નથી પણ પુદ્ગલ સાથે વ્યાપ્ય–વ્યાપકપણું છે. વિકારમાં
કોણ વ્યાપે? વિકારપણે કોણ વિસ્તરે? શુદ્ધઆત્મા કદી વિકારમાં વ્યાપતો નથી, શુદ્ધઆત્મા વિસ્તાર
પામીને–ફેલાઈને વિકારમાં જાય–એમ બનતું નથી. શુદ્ધઆત્મા ફેલાઈને–વિસ્તરીને પોતાની
નિર્મળપર્યાયમાં જ વ્યાપે છે. વિકારમાં શુદ્ધઆત્મા વ્યાપક નથી માટે શુદ્ધઆત્માની દ્રષ્ટિમાં તો
પુદ્ગલ જ તેમાં વ્યાપક છે. શુભરાગ–જેને અજ્ઞાની વ્યવહાર કહે છે ને મોક્ષનું સાધન કહે છે, તે
શુભરાગમાં શુદ્ધઆત્માનું અસ્તિત્વ જ નથી, તેમાં આત્મા વ્યાપ્યો જ નથી, તો તે મોક્ષનું સાધન કેમ
થાય? અહીં તો કહે છે કે તે શુભરાગ આત્માનું કાર્ય છે જ નહિ; જે શુભરાગને આત્માનું કાર્ય માને
તે અજ્ઞાની છે. તે રાગ પર્યાયદ્રષ્ટિએ તો આત્માની પર્યાયમાં થાય છે, પણ તેની સાથે
ચૈતન્યસ્વભાવની એકતા નથી એટલે ચૈતન્યસ્વભાવનું કાર્ય તે નથી. અહો, આવો ચૈતન્યસ્વભાવ
જ્યાં દ્રષ્ટિમાં લીધો ત્યાં જીવ મુક્ત થયો.
આત્મા ઉલ્લાસથી ઊછળીને જાગે છે. લૌકિકમાં માતા હાલરડાવડે પોતાના બાળકના ગુણગાન કરીને
તેને સૂવડાવે છે, અહીં લોકોત્તર શ્રુતિમાતા ચૈતન્યના શાંતરસના હાલરડાં ગાઈને તેને જગાડે છે.
જાગ રે જાગ! વિભાવમાં અનાદિનો સૂતો છો, તે વિભાવ તારું સ્વરૂપ નથી, તારું સ્વરૂપ નિર્વિકાર–
ચૈતન્યમય છે. આવા આત્માના ગાણાં સાંભળીને કોણ ન જાગે?–કોણ ચૈતન્ય તરફ ન વળે? સર્વજ્ઞ
ભગવંતો અને સંતો સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવીને વિકારથી જુદો શુદ્ધઆત્મા દેખાડે છે. વિકારમાં તો
પુદ્ગલ જ છે, વિકારમાં આત્મા નથી,–કઈ દ્રષ્ટિએ? શુદ્ધઆત્માની દ્રષ્ટિએ. શુદ્ધઆત્મા તરફ જે
વળ્યો તેને વિકારનું કર્તૃત્વ છૂટી ગયું, જે પર્યાય શુદ્ધસ્વભાવ તરફ વળી તે પર્યાયમાંથી પણ
વિકારનું કર્તૃત્વ છૂટી ગયું છે. આવી જ્ઞાનપર્યાય તે જ જ્ઞાનીનું કાર્ય છે ને એવા કાર્યવડે જ જ્ઞાની
ઓળખાય છે. આ જ જ્ઞાનીને ઓળખવાનું ખરું ચિહ્ન છે. આ સિવાય એકલા બાહ્ય ચિહ્નોથી જ્ઞાની
ઓળખાતા નથી.