પુદ્ગલપરિણામને જાણે છે ખરો પણ તે પુદ્ગલપરિણામમાં વ્યાપતો નથી. વ્યાપ્ય–વ્યાપકપણું સજાતમાં
હોય, વિજાતમાં ન હોય; ભગવાન જ્ઞાતાનું વ્યાપક જ્ઞાનમય હોય, અજ્ઞાનમય ન હોય. કર્તાનું જે કાર્ય છે
તે જ તેનું વ્યાપ્ય છે, જ્ઞાતાનું જે કાર્ય છે તે જ તેનું વ્યાપ્ય છે. જ્ઞાતાનું કાર્ય શું છે? જ્ઞાનમય
વીતરાગીપરિણામ તે જ જ્ઞાતાનું કાર્ય છે; જે રાગાદિ છે તે તો વિરુદ્ધભાવ છે, તે જ્ઞાતાનું કાર્ય નથી.
વિકલ્પના કર્તાપણે જ્ઞાનીને દેખે તો તે ખરેખર જ્ઞાનીને ઓળખતો જ નથી. ભગવાન અમૃતચંદ્રાચાર્યદેવ
કે ભગવાન કુંદકુંદાચાર્યદેવ આ શાસ્ત્ર રચે છે તેમાં શબ્દોની ક્રિયાના કર્તાપણે કે વિકલ્પના કર્તાપણે
તેમનો આત્મા નથી પરિણમતો, તેમનો આત્મા ભિન્ન જ્ઞાનભાવપણે જ પરિણમે છે, નિર્મળ
જ્ઞાતાભાવમાં તન્મયપણે જ તેમનો આત્મા પરિણમે છે.–આવા કાર્યવડે ઓળખે તો જ જ્ઞાનીધર્માત્માની
ઓળખાણ થાય અજ્ઞાનીને એમ જ લાગે છે કે જ્ઞાની રાગ કરે છે; પણ ભેદજ્ઞાની તો એમ જાણે છે કે
જ્ઞાનીનો આત્મા રાગથી ભિન્ન જ્ઞાનભાવને જ કરે છે. જ્ઞાનથી ભિન્ન કર્મ–નોકર્મને કે રાગને અંશમાત્ર
પણ તે કરતો નથી. જ્ઞાન અને રાગ એક સાથે દેખાય છે ત્યાં અજ્ઞાનીને તેમનામાં કર્તાકર્મપણાનો ભ્રમ
થઈ જાય છે, પણ જ્ઞાન તો જ્ઞાતા છે ને રાગ તો જ્ઞેયપણે જ છે–તે કાંઈ જ્ઞાનના કાર્યપણે નથી,–એવી
ભિન્નતાને અજ્ઞાની જાણતો નથી, તેથી રાગ વખતે જ્ઞાની ખરેખર શું કરે છે તેને પણ તે જાણતો નથી.
અહા, રાગ વખતે જ્ઞાનીનું જ્ઞાન રાગથી અધિકપણે પરિણમી રહ્યું છે, એને ઓળખે તો ભેદજ્ઞાન થઈ
જાય. જ્ઞાની રાગને જાણતી વખતે પણ તે રાગને પોતાના જ્ઞાનપરિણામથી બહાર ને બહાર જ રાખે છે,
જ્ઞાનને તેનાથી જુદું ને જુદું રાખે છે. જ્ઞાનની એકતા તો અંદરના ચૈતન્યસ્વભાવ સાથે જ કરી છે, તે
સ્વભાવ સાથેની એકતાનું પરિણામ જ્ઞાનીને કદી છૂટતું નથી, ને રાગાદિભાવો સાથે એકપણું કદી થતું
નથી. અહો, આ ભેદજ્ઞાનનો મહિમા છે; ભેદજ્ઞાનના બળે આ જ્ઞાનીઆત્મા જ્ઞાનપ્રકાશથી ઝળહળતો
અને રાગના અકર્તાપણે શોભે છે. તેનો વિસ્તાર જ્ઞાનમાં જ ફેલાય છે, એ સિવાય બીજે ક્્યાંય તેનો
વિસ્તાર ફેલાતો નથી. જગતથી છૂટાપણું જાણીને જ્ઞાન ઢળ્યું છે અંતરમાં; જ્ઞાનસ્વભાવમાં વળેલો તે
જીવ પર્યાયમાં પણ રાગના અકર્તાપણે શોભે છે, જ્ઞાનપ્રકાશ એવો ખીલ્યો છે કે અજ્ઞાનઅંધકારને ભેદી
નાંખ્યો છે, તેમાં હવે વિકાર સાથે કર્તાકર્મની પ્રવૃત્તિનો સંભવ જ નથી.
આત્મા સાથે જેની એકતા ન હોય તેને આત્માના પરિણામ કેમ કહેવાય? ધર્મી પોતાના ધર્મપરિણામનો જ
કર્તા છે; રાગાદિ તો અધર્મ પરિણામ છે, તેનો કર્તા ધર્મી કેમ હોય? ન જ હોય.
આત્મા છે–એ રીતે આત્માને પોતાના જ્ઞાનપરિણામ સાથે તત્પણું છે તેથી જ્ઞાની પોતાના જ્ઞાનપરિણામનો જ
કર્તા છે, ને જ્ઞાનપરિણામ જ તેનું કર્મ છે. આ રીતે જ્ઞાનપરિણામ સાથે જ કર્તાકર્મપણાનું હોવું–તે જ્ઞાનીનું
ચિહ્ન છે, ને તેના વડે જ્ઞાની ઓળખાય છે. અને જે જીવ એ રીતે જ્ઞાનીને ઓળખે તે પોતે પણ જ્ઞાન અને
રાગનું ભેદજ્ઞાન કરીને જ્ઞાની થાય છે.