: ૧૪ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૮
૨૮. અજ્ઞાની બહારની ક્રિયા દેખી તેની નકલ કરવા જાય તેથી
વીતરાગ ધર્મ જરાય ન થાય. શ્રીમંત શેઠાણી ડાંગર ખાંડતી હતી, ચોખા
વજનમાં ભારે તેથી તે નીચે ઊતરતા જાય અને ઉપર ફોતરાં દેખાય. ગરીબ
બાઈ ઉપરની ચીજ દેખીને ફોતરાં લાવીને ખાંડવા લાગી, પણ તેને
ફોતરાંમાંથી ચોખા ન મળે; તેમ આત્મા ચૈતન્ય મહિમાવંત કિંમતી ચીજ છે,
અંતર નિર્વિકલ્પ દ્રષ્ટિવડે તેને પકડી તેનો અનુભવ કરે તો ધર્મ થાય. અજ્ઞાની
બાહ્ય–પુણ્યની ક્રિયામાં ધર્મ માને પણ તે સાચો ધર્મ નથી.
૨૯. જ્ઞાનીને વીતરાગી દ્રષ્ટિવડે ચૈતન્યસ્વભાવનું આલંબન તો
નિરંતર છે; પણ ચારિત્રમાં વિશેષપણે ઠરી શકતો નથી. તેથી તેને દયા, દાન,
પૂજા, ભક્તિ, વ્રતાદિનો શુભરાગ આવે છે પણ તેને તે ધર્મ માનતો નથી.
૩૦. નવતત્ત્વના ભેદ તથા ગુણ–ગુણીભેદરૂપ વ્યવહારનો પક્ષ નવો
નથી. અનાદિથી છે. જ્ઞાનીએ ભેદની દ્રષ્ટિ વ્યવહારની રુચિ છોડી એકરૂપ
અખંડાનંદની દ્રષ્ટિ કરે છે, તે અંતદ્રષ્ટિના અધ્યાત્મ–વિષયને ન જોતાં અજ્ઞાની
બાહ્યદ્રષ્ટિથી રાગની ક્રિયા જુએ છે ને તેમાં ધર્મ માની બાહ્યની વાતમાં વળગી
પડે છે. નવતત્ત્વના ભેદની દ્રષ્ટિ છોડી (વ્યવહારનો આશ્રય–રુચિ છોડી)
અખંડ ચૈતન્યમાં દ્રષ્ટિ અને એકાગ્રતા કરવાથી ચારિત્ર પ્રગટ થાય છે.
૩૧. વાંદરાને નકલ કરવાની ટેવ હોય છે. જંગલમાં ઠંડીની રાત્રે
કેટલાક લોકો ઘાસ એકઠું કરી દીવાસળીથી સળગાવી તાપતા હતા–વાંદરાએ તે
જોયું અને આગિયા નામે જીવડાંને પકડીને ઘાસ સળગાવવા ઘણી મહેનત કરી
પણ તેમાં અગ્નિ નથી તો ક્્યાંથી પ્રગટ થાય? તેમ અજ્ઞાની શરીરની અથવા
રાગની ક્રિયાને પકડી કષ્ટ કરે છે તો કરો–શુભભાવ હોય તો પુણ્ય બંધાય પણ
અપૂર્વ યથાર્થ શાન્તિરૂપ ધર્મ તેનાથી ન થાય.
૩૨. જ્ઞાનીને નીચેની ભૂમિકામાં નવતત્ત્વના વિકલ્પ સાચા દેવ, શાસ્ત્ર,
ગુરુની ઓળખ અને તે સંબંધી રાગ હોય છે પણ તેમાં અથવા તેના આશ્રયથી
તેઓ ધર્મ માનતા નથી. રાગ હોવા છતાં તેનાથી જ્ઞાનને છૂટું પાડી
અરાગીપણું સ્વભાવની દ્રષ્ટિ કરતાં નવે તત્ત્વના ભેદની દ્રષ્ટિ ટળી જાય છે.
ભેદનો આશ્રય છૂટી જાય છે. શ્રદ્ધાના વિષયમાં–શુદ્ધનયના વિષયમાં તે ભેદ
નથી.
૩૩. આ રીતે ભેદને ગૌણ કરનાર શુદ્ધનયથી નવમાંથી એક જીવને
જુદો તારવી તેનો અભેદ અનુભવ કરવો તે આત્મખ્યાતિ–આત્મ પ્રસિદ્ધિ છે.
જે આત્માએ પૂર્ણરૂપ શુદ્ધાત્માની અનુભૂતિ કરી તેને અંતરના ભગવાન
મળ્યા, તેને આત્મ સાક્ષાત્કાર થયો. વર્તમાન દશામાં નવતત્ત્વના વિકલ્પો અને
ગુણભેદ હોવા છતાં ત્રિકાળી આત્માને અંતરમાં એકરૂપે અનુભવવો તે
નિયમથી સમ્યગ્દર્શન છે. આ શુદ્ધનયથી આત્માની શુદ્ધ અનુભૂતિનો નિયમ
કહ્યો. તેને આત્માનુભૂતિ કહો, શુદ્ધનય કહો, સમ્યગ્દર્શન કહો કે આત્મા કહો–
એ બધું એક જ છે.