: ૧૬ : વૈશાખ : ૨૪૮૮
૩૯. જો વર્તમાન રાગાદિ વિકારનું અસ્તિત્વ જડ કર્મને કારણે હોય તો
તે ટળે નહિ. અને જીવની વર્તમાન પર્યાયમાં અશુદ્ધ ઉપાદાનની યોગ્યતા જ
વિકારી થવા યોગ્ય ન હોય તો સંસાર સાબિત થાય નહિ. જીવની દશામાં
વિકારી થવાની યોગ્યતા છે, ને તેમાં જૂના કર્મના ઉદયનું નિમિત્તપણું છે–
એટલે કે તેને નિમિત્ત બનાવે તો વિકાર થાય છે. એકલા દ્રવ્યસ્વભાવને કારણ
બનાવે તો રાગાદિ વિકાર ન થાય.
૪૦. પુણ્યપાપના પરિણામરૂપે થવાની જીવની યોગ્યતા છે પણ તે
જીવનો સ્વભાવ નથી. ત્રિકાળી સ્વભાવમાં રાગાદિપણે થવાની યોગ્યતા નથી,
તેનો તો તેમાં ત્રણેકાળે અભાવ છે. જીવની પર્યાયમાં ભૂલની યોગ્યતા છે તે
કાંઈ જડ કર્મને લીધે નથી. કર્મ બિચારા જડ છે તેને સ્વ–પરની ખબર નથી તે
તને શું કરે?
૪૧. જીવ જે ભાવ કરે છે તેને તે કરનાર ન કહેતાં તે ભાવને જીવ
યોગ્ય છે અને એ પ્રકારની જીવની પર્યાયની યોગ્યતા કહી છે. પુણ્યપાપના
ભાવમાં અજીવકર્મનો ઉદય નિમિત્ત કારણ છે તેને વિકારક ગણીને તેને
દ્રવ્યપુણ્ય, દ્રવ્યપાપ કહેવામાં આવે છે. અહીં યોગ્યતા એકલા જીવમાં બતાવવી
છે, અજીવકર્મને કારણ કરવાથી રાગાદિ થાય છે, તે યોગ્યતા જડ કર્મને લીધે
છે એમ માને તો જીવ અને અજીવ બે દ્રવ્ય એક થઈ જાય.
૪૨. પાણી સ્વભાવે શીતળતા રાખીને પોતાની યોગ્યતાથી ઉષ્ણ થાય
છે, તેમાં અગ્નિ નિમિત્ત કારણ છે પાણી અગ્નિને લીધે ગરમ થયું એમ કહેવું તે
નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારનું કથન છે. જો ખરેખર અગ્નિવડે પાણી ઉષ્ણ
થયું હોય તો ત્યાં રહેલું આકાશ પણ ઉષ્ણ થવું જોઈએ. પણ એમ તો થતું
નથી. પાણીમાં ઉષ્ણપર્યાયની યોગ્યતા પ્રગટ થવા કાળે અગ્નિ નિમિત્ત છે. તેનું
જ્ઞાન કરાવવા માટે અગ્નિને કારણ કહેવાય છે. તેમ જીવ વિકારભાવે પરિણમે
અને કર્મોના ઉદયમાં જોડાય તો કર્મને નિમિત્તકારણ કહેવાય છે. તેમાં ન
જોડાય અને જ્ઞાનાનંદસ્વરૂપમાં સાવધાન રહે તો કર્મને અભાવરૂપ નિમિત્ત
કહેવાય છે.
૪૩. જીવની વર્તમાન અશુદ્ધદશા તે પુણ્યપાપ થવા યોગ્ય છે તેમાં
શુભરાગને ભાવપુણ્ય કહ્યું છે તેમાં નિમિત્તમાત્ર મોહકર્મ છે, જોકે તે પાપકર્મ
છે છતાં તે જ નિમિત્તને દ્રવ્ય પુણ્ય કહ્યું–વિકારક કહ્યું. બેઉની સ્વતંત્રતા
કબૂલીને નિમિત્ત–નૈમિત્તિક સંબંધમાં સાત પ્રકારે જીવની યોગ્યતા અને તેમાં
સદ્ભાવરૂપ અથવા અભાવરૂપ જૂના કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. એ
રીતે વ્યવહારનયના વિષયમાં પુણ્યપાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને
મોક્ષ એ સાત ભેદ કેમ થયા એ જાણવું જોઈએ. પણ એ સર્વ ભેદને ગૌણ
કરનાર અંદર ધ્રુવ એકરૂપ–ચૈતન્ય જ્ઞાયક વસ્તુ હું ભૂતાર્થ છું એમ નિર્ણય
કરી અંદરમાં અભેદ ચૈતન્યને વિષય બનાવી, તેની નિર્વિકલ્પ શ્રદ્ધા કરે તેને
સમ્યગ્દર્શન કહે છે.