Atmadharma magazine - Ank 224
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 25

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૨૪
ઉપયોગ તે આત્માનું લક્ષણ છે. બહારના પદાર્થના આલંબનથી વર્તે તેને આત્માનો ઉપયોગ ન
કહીએ. લક્ષણના ત્રણ દોષ છે. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ લક્ષ્યના એક અંશમાં (કોઈ કાળે) વ્યાપે તે
લક્ષણને અવ્યાપ્તિ દોષવાળું કહે છે જેમકે જીવનું લક્ષણ રાગાદિ અથવા કેવળજ્ઞાન અતિવ્યાપ્તિ–લક્ષ્ય તેમ જ
બીજામાં પણ વ્યાપે. જેમકે જીવને અમૂર્તિક માનતાં આકાશાદિ અજીવદ્રવ્યમાં તે લક્ષણ ચાલ્યું જાય છે.
અસંભવદોષ, જેમકે દેહને આત્મા માનવો, આત્મા પરનું કાંઈ કરી શકે એ અસંભવ લક્ષણ છે. તેના વડે
આત્મા ઓળખાય નહિ. આત્માનો ઉપયોગ જાણવા–દેખાવરૂપે છે.
પરનિમિત્તને અવલંબીને જાણવાનું કામ કરે તેને આત્માનું ઉપયોગ લક્ષણ કહેતા નથી. પરલક્ષી
જ્ઞાનને આત્માનો–ઉપયોગ ગણ્યો નથી. ભગવાન આત્મા એક સમયમાં પરિપૂર્ણ આનંદકંદ છે. પરશ્રયથી
કામ કરે તે આત્માનું લક્ષણ નથી. ઈન્દ્રિયો, દેવ, શાસ્ત્ર, ગુરુ, સમ્મેદશિખર વગેરે બધાં પરજ્ઞેય છે, તેને
અવલંબે એવા જ્ઞાનને આત્માનો ઉપયોગ કહેતા નથી, કેમકે તે વડે આત્મા ઓળખાતો નથી. જ્ઞાનીને પણ
રાગ હોય ત્યાં સુધી સાચા દેવ–ગુરુ–શાસ્ત્રાદિ પ્રત્યે રાગ હોય પણ તેને પોતાનું સ્વરૂપ માનતા નથી, હિતકર
માને નહીં.
આત્માનું સત્ય સ્વરૂપ સમજ્યા વિના અનંતવાર અનંતા અવતાર એળે ગયા, ગલૂડિયાં અને કીડા
મરે તેમ મયોેર્. બહારમાં દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રતાદિમાં આત્માનો ધર્મ માની ક્રિયાકાંડની ધમાલમાં
આત્માનું ભગવાનપણું ભૂલી ગયો. ૧૧ અંગ, નવ પૂર્વનું જ્ઞાન પણ પરાવલંબી છે તેનાથી અંતર ઉપયોગ
પ્રગટ થતો નથી. ચૈતન્યની જાગૃતિ રોકે તેને આત્મસંપદા–આત્માનો ઉપયોગ કહેતા નથી.
દેહાદિ, સ્ત્રીધનાદિ તથા દેવાદિ પરપદાર્થમાં ઉપયોગને રમાડે, તેને ઠીક માને તેને આત્માની અને તેના
લક્ષણની ખબર નથી. આ સમજ્યા વિના આરો નથી. આરો અહીં જ છે. બીજે ક્્યાંય નથી. તારા અંતર
ઘરમાં જાણવાની ક્રિયા છે, પરને અવલંબવારૂપ જ્ઞાનને આત્માનો ઉપયોગ કહેતા નથી. પરાશ્રયથી ખસી
સ્વસન્મુખ થાય તેને ઉપયોગ કહીએ.
ઉપયોગ તારા આત્માનો એને અવલંબન લે પરનું–તેને ઉપયોગ કહેવાય નહિ, કેમકે તેણે પરસાથે
સંધી કરી અને સ્વની સંધી તોડી. અંતરમાં વળીને (ઢળીને) સ્વસન્મુખતાનું કામ કરે તેને ઉપયોગ કહીએ.
આત્માને છોડી, શાસ્ત્રમાં જતી બુદ્ધિને વ્યભિચારિણી કહેલ છે. શુભ વિકલ્પ ઊઠે છે ત્યાં પરજ્ઞેયનું આલંબન
આવે છે.
પ્રશ્ન:– શાસ્ત્રો ન વાંચે, તેમાં ઉપયોગ ન લગાવે તો જ્ઞાન ક્યાંથી થાય? સમાધાન–જિજ્ઞાસા અને
રાગમાં એ અવલંબન હોય પણ તેને સ્વાલંબી જ્ઞાન ન કહેવાય. સ્વરૂપ સમજવા માટે કે વિશેષ જ્ઞાનની
નિર્મળતા માટે શાસ્ત્ર ભણવાનો વિકલ્પ ઊઠે એ જુદી વાત છે, પણ જેઓ તેમાં સંતોષ માની લે તેને
સમજવાનું છે. સાચું શ્રવણ છોડી પાપનું અવલંબન કરવાની વાત નથી પણ શાસ્ત્રાદિ પરજ્ઞેય સન્મુખ
જ્ઞાનથી અંતર્મુખ થવાતું નથી.
જેણે પરનિમિત્તના લક્ષમાં જ્ઞાનને ગોઠવી દીધું છે. અને માને છે કે આ દ્વારા હળવે–હળવે ધર્મ થશે, તે
ઊંધી માન્યતામાં બેઠો છે. તે આત્મહિત શું છે તે જાણતો નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે શાસ્ત્રમાં
બુદ્ધિને ભમાવ્યા કરે છે તેને અંતરમાં આત્માનો અનુભવ કરાવવા માટે તેનો નિષેધ કર્યો છે, ત્યાં બિલકુલ
નિષેધ કરીયે તો મહા અવિવેક છે, પાપના પરિણામ થાય. શુભનો નિષેધ કરવાનો હેતુ સ્વમાં લીનતા
કરવાનો છે. સમ્યગ્દર્શનનો મૂળ વિષય સમજાવવો છે, અશુભથી બચવા માટે શુભ આવે છે, છતાં શ્રદ્ધામાં
પ્રથમથી જ પુણ્યનો નિષેધ છે. તેનું આલંબન છોડી સ્વરૂપમાં ઢળવા માટે એ ઉપદેશ છે. કહ્યું છે કે પંડિતોનો
સંસાર શાસ્ત્ર છે. મન–ઈન્દ્રિઓના અવલંબનવાળું જ્ઞાન આત્માને નથી પણ અખંડ સ્વભાવી આત્મામાં
જોડાય તે આત્માનો ઉપયોગ છે.
ભગવાન મહાવીરે આવો પુરુષાર્થ કર્યો તેથી તેમનાં મંગળમય કલ્યાણક ઉજવાય છે. જે દશા પૂર્ણ
સ્વભાવના અવલંબનથી પ્રગટી તે ચાલુ રહેશે, તેનો હવે કદી અંત નહિ આવે, પરના લક્ષે વિકારમાં અટકતો
હતો તેનો નિત્યસ્વભાવના લક્ષે અંત આવે છે. અંતર્મુખદ્રષ્ટિ, લક્ષ અને સ્થિરતા અખંડ થયાં તેમાં
મલિનતાનો પ્રવેશ કદીપણ થશે નહિ. દેવ, શાસ્ત્ર, ગુરુ, છ દ્રવ્ય નવ તત્ત્વ આદિ તરફનો ઉપયોગ તે વ્યવહાર
છે, તેઓ નિશ્ચયથી આદરણીય નથી. શ્રદ્ધામાં કે ચારિત્રમાં તેનો આશ્રય કરે તો લાભ થાય એમ જ્ઞાની કદી
માનતો નથી. એકલા સ્વદ્રવ્યસ્વભાવના અવલંબને કામ કરે તેને આત્માનો ઉપયોગ કહેવામાં આવ્યો છે.