અશાડ : ૨૨પ : ૯ :
અનુભવરૂપ નિશ્ચય થયા પછી અંતરમાં એકાગ્રતાના બળથી સ્થિર થતાં રાગ છૂટતો જાય છે ત્યાં
ભૂમિકાનુસાર પરદ્રવ્યનું આલંબન મટવાની અપેક્ષાએ પરદ્રવ્યનું ગ્રહણ–ત્યાગ વ્યવહારથી કહેવામાં આવે છે
પણ ખરેખર એમ નથી. આત્મામાં નિશ્ચય અને શરીરની ક્રિયામાં તેનો વ્યવહાર એમ નથી.
આત્મહિતના માર્ગમાં પ્રથમથી જ તત્ત્વજ્ઞાનદ્વારા શુભાશુભનું સ્વામીત્વ તથા આશ્રય છોડી ધુ્રવ
જ્ઞાતાસ્વભાવનું સ્વામીત્વ અને આશ્રય કરવાની વિધિ છે પછી તેમાં વિશેષ સ્થિરતા કરે તે અપેક્ષાએ (પરનું
આલંબન છૂટવાની અપેક્ષાએ) શરીરની ક્રિયા વ્રત, શીલ, સંયમાદિકને ઉપચાર–વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો
ત્યાં તેને જ મોક્ષમાર્ગ માની ન લેવો, કારણ કે જો પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ આત્માને હોય તો આત્મા
પરદ્રવ્યની ક્રિયાનો કર્તાહર્તા થઈ જાય. પણ કોઈદ્રવ્ય કોઈને આધીન છે જ નહીં. આત્મા તો પોતાના
રાગાદિભાવને છોડી વીતરાગ થાય છે તેથી નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. નીચલી દશામાં અંશે
વીતરાગતા અને અમુક પ્રકારની સરાગતા એક સાથે હોય છે તેથી તે વીતરાગભાવોને અને વ્રતાદિકોને
કદાચિત્ત નિમિત્ત–નૈમિત્તિકપણે મેળ હોય છે કે આવો આટલો વીતરાગભાવ જ્યાં હોય ત્યાં આ જાતનો
શુભરાગ નિમિત્તરૂપે હોય છે (પણ તેનાથી વિરૂદ્ધ એવા ગમે તેવા નિમિત્ત–વ્યવહાર ન હોય) એમ બતાવવા
ઉપચારથી વ્રતાદિક શુભાસ્રવને મોક્ષમાર્ગ કહ્યો પણ તે કહેવા માત્ર જ છે. પરમાર્થથી તે મોક્ષમાર્ગ નથી એવું
જ શ્રદ્ધાન કરવું. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહારનયની કથન પદ્ધતિ જાણવી તેનું નામ
વ્યવહારનયનું ગ્રહણ છે. પણ વ્યવહારનયનો આશ્રય કરવાથી મોક્ષમાર્ગ થશે એ માન્યતા મિથ્યાત્વ છે.
મિથ્યાજ્ઞાનમાં નિશ્ચય–વ્યવહારનય હોતા જ નથી.
નિશ્ચય એટલે ખરેખર વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. પણ નીચલી ભૂમિકામાં અમુક રાગ હોય છે. તે
હોય છે માટે મોક્ષમાર્ગ છે એમ નથી. વ્રતાદિનો રાગ શુભ છે, અવ્રતનો રાગ અશુભ છે, બેઉ આસ્રવતત્ત્વ છે,
મલીન છે, બંધના જ કારણ છે, દુઃખદાતા છે, વીતરાગતાથી વિરુદ્ધ જ છે એમ અકષાય સ્વભાવની દ્રષ્ટિવાન
માને છે, છતાં ચારિત્રમાં રાગ સર્વથા છૂટતો નથી એમ જાણી અશુભમાં–પાપમાં ન જવા માટે અમુક અંશે
શુભરાગમાં જોડાય છે. પણ તે શુભરાગવડે, વ્યવહાર રત્નત્રયવડે, અથવા શરીરની ક્રિયાથી વીતરાગભાવ છે
એમ માનતો નથી.
લૂગડાંં છોડયાં, ઘર છોડયું એનો અર્થ તેનું મમત્વ છોડી વૈરાગ્ય ધારણ કર્યો. બાહ્યવસ્તુમાં, શરીરની
ક્રિયામાં શુભઅશુભ નથી છતાં વ્યવહારથી કથન આવે કે અશુભ દ્રવ્યનું આલંબન છોડી સાચા દેવ, શાસ્ત્ર
ગુરુનું આલંબન લેવું, એવો શુભભાવ આવે છે ત્યાં અમુક સંયોગ તથા રાગનો ત્યાગ આ આત્માએ કર્યો
એમ ઉપચારથી કથન આવે છે. પણ તેનો અર્થ એમ નથી. ખરેખર તો જ્ઞાન સ્વભાવનું શ્રદ્ધા જ્ઞાન અને
ચારિત્રમાં ગ્રહણ થતાં તે જાતનો રાગ તે ભૂમિકાનુસાર ઉત્પન્ન થતો જ નથી પણ વીતરાગતા ઉત્પન્ન કરી ત્યાં
તેટલો રાગ મટયો, નિમિત્તનું આલંબન મટયું એમ બતાવવા નિમિત્તકર્તાનું કથન કરવાની પદ્ધતિ છે–તે
વ્યવહાર છે.
“ ઉપાદાનવિધિ નિર્વચન, હૈ નિમિત્ત ઉપદેશ” ઉપદેશમાં શું આવે? જિનમંદિરમાં નિત્ય દર્શન કરવા
જવું. ચંપલ છોડી, પગ ધોઈને જવું, આમ મસ્તક નમાવી અષ્ટાંગ નમસ્કાર કરવા. તો શું આત્મા પરદ્રવ્યની
ક્રિયા કરી શકતો હશે? ના. પણ એ જાતનો શુભરાગ ભક્તિવાનને આવે છે. ભગવાન વીતરાગ છે તેની
ઓળખ થતાં તેમના પ્રત્યે બહુમાન–વિનયનો એવો શુભરાગ હોય છે.
મંદિરમાં ચામડું, લાકડી, તલવાર આદિ લઈને ન જવું એનો અર્થ–એ ટાણે એવો રાગ ન હોય.
વ્યવહારનયના કથનનો અર્થ આત્માને શુભરાગવડે ભલું થાય અથવા પરનું ગ્રહણ ત્યાગ કરી શકાય છે એમ
ન સમજવો.
શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક કથનના પાંચ પ્રકારે અર્થ સમજવા જોઈએ. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ,
આગમાર્થ, અને ભાવાર્થ.
(૧) શબ્દાર્થ–પ્રકરણાનુસાર શબ્દનો અર્થ.
(૨) નયાર્થ–નિશ્ચયનય અથવા વ્યવહારનય એમાંથી કઈ દ્રષ્ટિથી નિરૂપણ છે?