: ૨૦ : આત્મધર્મ : ૨૨પ
વાળાં જીવોને જે સુખ પ્રાપ્ત થાય છે તેને ખરૂં સુખ કહેવાતું નથી. કારણ કે તે વિષય સેવન કરતા
પહેલાં, સેવન સમયે અને અંતમાં કેવળ સંતાપ જ આપે છે. વિદ્વાન પુરૂષ તો એવા સુખને ઈચ્છે છે કે
જેમાં વિષયોથી મનની નિવૃત્તિ થઈ જાય છે, ચિત્ત સંતૃષ્ટ થાય છે પરંતુ એવું સુખ એ વિષયાંધ પુરૂષોને
કેવી રીતે પ્રાપ્ત થઈ શકે કે જેનું ચિત્ત સદા વિષય પ્રાપ્ત કરવામાં જ ખેદ ખિન્ન બન્યું રહે છે.
વિષયોનો અનુભવ કરવાથી જીવોને જે સુખ થાય છે તે પરાધીન છે, બાધાઓ સહિત છે,
વ્યવધાન સહિત છે, અને કર્મબંધનું કારણ છે. એટલા માટે તે સુખ નથી પણ દુઃખ જ છે. એ વિષય
વિષ સમાન અત્યંત ભયંકર છે કે જે સેવન કરતી સમયે જ સારું લાગે છે. ખરેખર એ વિષયોથી ઉત્પન્ન
થયેલું મનુષ્યોનું સુખ ખુજલીને ખંજોળવાથી ઉત્પન્ન થયેલા સુખ સમાન છે અથવા જેમ ખુજલી
ખંજોળતી વખતે સુખ ભાસે છે પરંતુ પાછળથી બળતરા ઉત્પન્ન થવાથી ઉલટું દુઃખ થાય છે. એવી રીતે
એ વિષયોનું સેવન કરવાથી એ સમયે તો સુખની કલ્પના થાય છે પરંતુ પછી તૃષ્ણાની વૃદ્ધિ થવાથી
દુઃખ થાય છે. જેવી રીતે બળેલા ઘા ઉપર ઘસેલા ચંદનનો લેપ જરાક થોડોઆરામ ઉત્પન્ન કરે છે એવી
રીતે વિષય સેવન કરવાથી ઉત્પન્ન થયેલ મુર્છાં એ સમયે જરાક થોડો સંતોષ ઉત્પન્ન કરે છે. તેને સુખ
કેમ કહેવાય?
જ્યાંસુધી ગુમડાની અંદર બગાડ રહે ત્યાંસુધી ચંદન આદિનો લેપ લગાડવાથી સ્થાયી આરામ તો
થઈ શકતો નથી એવી રીતે જ્યાંસુધી મનમાં વિષયોની ઈચ્છા રહે છે ત્યાં સુધી વિષય સેવન કરવાથી
સંતાપ અને તૃષ્ણા તો રહે છે તેથી તેમાં સ્થાઈ સુખ કેમ કહેવાય?
સ્થાયી આરામ અને સુખ તો ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે ગુમડાની અંદરથી બગાડ અને મનની
અંદરથી વિષયોથી ઈચ્છા કાઢી નાખવામાં આવે. જેવી રીતે વિકારવાળો ઘા થવાથી તેને ક્ષાર યુક્ત
શસ્ત્રોથી કાપવાનો ઉપાય કરવામાં આવે છે તેવી રીતે વિષયોની ઈચ્છારૂપી રોગ ઉત્પન્ન થવાથી એને
દૂર કરવાને માટે વિષય સેવન કરવામાં આવે છે; અને આ રીતે જીવોનું આ વિષય સેવન કેવળ
રોગોનો ઉપાય જ ઠરે છે.
જેવી રીતે લીમડાનો કીડો લીંબડાના કડવા રસને આનંદદાયી માનીને એમાં તલ્લીન રહેતો થકો
આનંદ માને છે, અથવા જેવી રીતે વિષ્ટાનો કીડો એના દુર્ગંધયુક્ત અપવિત્ર રસને ઉત્તમ સમજી એમાં
રહેતો થકો આનંદ માને છે, એવી રીતે આ સંસારી જીવ સંભોગ જનિત દુઃખને સુખ માનીને એમાં
તલ્લીન રહે છે. વિષયોનું સેવન કરવાથી પ્રાણીઓને ફકત મુર્છાં અને પ્રેમ જ ઉત્પન્ન થાય છે જો તે
પ્રેમને જ સુખ માનવામાં આવે તો વિષ્ટા આદિ અપવિત્ર વસ્તુઓને ખાવામાં પણ સુખ માનવું જોઈએ,
કારણ કે વિષયી મનુષ્ય જેવી રીતે પ્રેમને મેળવીને પ્રસન્નતાના વિષયોને ઉપભોગ કરે છે એવી રીતે
કુતરા અને ભુંડ–સૂવરોનો સમૂહ પણ પ્રસન્નતાની સાથે વિષ્ટા આદિ અપવિત્ર વસ્તુઓ ખાય છે. અથવા
જેવી રીતે વિષ્ટાના કીડાને વિષ્ટાના રસનું પાન કરવું તેજ ઉત્કૃષ્ટ સુખ લાગે છે. એવી રીતે વિષય
સેવન કરવાની ઈચ્છાવાળા પ્રાણીઓને પણ નિંદનીક વિષયોનું સેવન કરવું ઉત્કૃષ્ટ સુખ લાગે છે–ભાસે
છે. જે પુરુષ સ્ત્રીઆદિ વિષયોનો ઉપયોગ કરે છે તેનું આખું શરીર ધ્રુજવા લાગે છે. શ્વાસ તીવ્ર રીતે
ચાલે છે અને આખું શરીર પરસેવાથી તરબોળ થઈ જાય છે. જો સંસારમાં આવો જીવ પણ સુખી
માનવામાં આવે તો તો પછી દુઃખી કોણ હશે? જેવી રીતે પોતાના દાંતોથી હાડકું ચાવતો કૂતરો પોતાને
સુખી માને છે તેવી રીતે જેનો આત્મા વિષયોથી મોહીત થઈ રહ્યો છે એવો મુર્ખ જીવ પણ વિષય સેવન
કરવાથી ઉત્પન્ન ફકત પરિશ્રમને જ સુખ માને છે. આથી નક્કી થાય છે કે કર્મોના ક્ષયથી અથવા
ઉપશમથી જે સ્વાભાવિક આનંદ ઉત્પન્ન થાય છે તે જ સુખ છે. તે સુખ અન્ય વસ્તુઓના આશ્રયથી
કદીપણ ઉત્પન્ન થતું નથી.
હવે કદાચિત્ આ પ્રમાણે કહો કે સ્વર્ગમાં રહેવાવાળા દેવોને પરિવાર તેમજ ઋધ્ધિ આદિ
સામગ્રીથી સુખ થાય છે પરંતુ અહમિન્દ્રોને તે સામગ્રી નથી એટલે એના અભાવમાં એમને સુખ ક્્યાંથી
પ્રાપ્ત થઈ શકે? તો આ પ્રશ્નના સમાધાનમાં આ બે દલીલો રજુ કરીએ છીએ.