: ૧૨ : આત્મધર્મ : ૨૨૬
ઉત્તર:– કાર્ય તો પોતાની શક્તિની યોગ્યતાથી થાય છે. પણ વિનયમાં વ્યવહારની ભાષાનો એવો જ
મેળ હોય. “હે ગુરુ! આપે આત્મા આપ્યો” એમ વ્યવહારમાં વિનયમય ભાષા આવે પણ શું આત્મા આપી
શકાય છે? નહિ જ. માટે ઉપરોક્ત કથનમાં જરા પણ કપટ નથી.
દરેક દ્રવ્યની પર્યાય પોતાના કારણે પલટે છે. બીજા કોઈ નિમિત્તના કારણે નહિ. પરદ્રવ્યની પર્યાયના
ફેરફારનાં કારણે મારામાં અને મારા કારણે પરમાં ફેરફાર થઈ શકે છે, એમ માનતાં બે દ્રવ્યની એકતા
માનવારૂપ મિથ્યાત્વ થાય છે. એ મિથ્યા અભિપ્રાય છોડાવવા માટે કહ્યું છે કે “હે જ્ઞાની! પરદ્રવ્યને ભોગવ,
તેનાથી બંધ થતો નથી.” પુન્યપાપના ઉદયકાળે સંયોગ આવે અને જાય પણ તેના કારણે જીવને રાગદ્વેષ કે
અજ્ઞાન થઈ જાય એમ બનતું નથી. આ સિદ્ધાંતને સિદ્ધ કરવા પૂજ્ય આચાર્યદેવ દ્રષ્ટાંત આપી સમજાવે છે કે
શંખસચિત–અચિત કે મિશ્ર પર દ્રવ્યને ભોગવે છતાં તેના કારણે તે કાળો થઈ જતો નથી, વળી તે જ શંખ
કાદવ વગેરે ન ખાતો હોય છતાં પોતાની શ્વેતદશાને છોડી સ્વયંમેવ કાળારૂપે પરિણમે છે ત્યારે તે શંખ
પોતાની યોગ્યતાથી તે રૂપે થાય છે. તેમ આત્મા શુદ્ધ સત્યાર્થદ્રષ્ટિ કરે તો પણ પોતાની શક્તિથી જ કરે છે.
અને મિથ્યાદ્રષ્ટિ કરે તો પણ પોતાથી જ કરે છે. બાહ્ય સંયોગોથી નથી કરતો. જ્ઞાની બાહ્ય સંયોગોને
ભોગવતો અથવા નહિ ભોગવતો અંતરમાં પોતે જ સમ્યગ્જ્ઞાન ધ્યેયને ચુકીને અર્થાત્ જ્ઞાયક જ છું એવી દ્રષ્ટિ
છોડીને સ્વયંમેવ અજ્ઞાનભાવે પરિણમે છે. સંયોગોને કારણે નહિ જ.
સર્વત્ર નિજ શક્તિરૂપ ઉપાદાન કારણથી જ કાર્ય થાય છે. અન્ય તો ઉપચાર માત્ર છે. એ વસ્તુ
સ્વભાવનો વિરોધ કરનારા કહે છે કે જડકર્મને જ સર્વત્ર અંતરંગ કારણ લેવું જોઈએ. પણ એમ કહેનારે
સ્વાધીન પણે ઉપાદાનની દ્રષ્ટિ છોડી છે અને નિમિત્તાધીન માનવારૂપ મિથ્યાદ્રષ્ટિ ગ્રહણ કરી છે તેથી તે સર્વત્ર
પરાધીન વસ્તુ માનવા લાગે છે. અંતરંગકારણરૂપ જડકર્મ આત્માને રખડાવે છે એમ માનનાર સ્વયંકૃત
અપરાધથી–અશુદ્ધ ઉપાદાનથી આત્મા પોતે જ રખડે છે એમ નથી માનતો તેથી તેને અનાદિની જે ભૂલ છે તે
ચાલુ રહે છે.
ભૈયા ભગવતિદાસજી કૃત નિમિત્ત ઉપાદાનના સંવાદમાં સ્પષ્ટ સિદ્ધ કર્યું છે કે સર્વત્ર ઉપાદાનથી જ
કાર્ય થાય છે. નિમિત્ત તો માત્ર ઉપસ્થિત હોય છે.
“કેવલી અરુ મુનિરાજ કે પાસ રહે બહુ લોય,
પૈ જાકૌ સુલટયો ધની, ક્ષાયિક તાકો હોય.”
અનંતવાર સાક્ષાત્ કેવળી કે શ્રુત કેવળી પાસે જીવ ગયો પરંતુ પોતાનો ઉપાદાન સુલટયો નહિ તેથી
સંસાર જ ફળ્યો, પરંતુ જેણે સવળો પુરુષાર્થ કર્યો તે જીવે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું.
સર્વજ્ઞ ભગવાનનાં સમોસરણમાં મિથ્યાદ્રષ્ટિ જીવ પણ હોય છે. વાણી કાને પડે છે છતાં અંતરમાં એવો
ખોટો અભિપ્રાય ઘૂંટે છે કે જડ કર્મ કે બાહ્ય સંયોગોને કારણે આત્મા રખડે છે. આવી તેની માન્યતા છે. તેથી
એ માન્યતા પોષાય એવા અભિપ્રાય બાંધે છે; તે જ જીવ જ્યારે ભેદ વિજ્ઞાન વડે સ્વયંજ્ઞાની થાય છે ત્યારે
એમ માને છે કે પોતાનો સ્વભાવ તો રાગાદિ રહિત નિર્મળ જ્ઞાયક પણે પરિણમવાનો છે. જીવ જ્ઞાની કે
અજ્ઞાની સ્વયં થાય છે. કોઈ પર વડે થતો નથી. જીવ જ્યારે અજ્ઞાનભાવે પરિણમે છે ત્યારે તેને પોતાના
અપરાધથી બંધ થાય છે પરના કારણે (–નિમિત્તના કારણે) નહિ જ.
અજ્ઞાની માને છે કે “જીવ જડ કર્મને બાંધે છે. અને જેવા બાંધ્યા હોય તેવો ઉદય આવે છે અને જેવો
ઉદય આવે એવો વિકાર કરવો પડે.” પરંતુ આ માન્યતા ખોટી છે. આવી પરાધીનતા ત્રણ કાળમાં છે જ
નહિ. જીવને વિકાર થાય ત્યારે કર્મ પોતાની શક્તિથી પોતાના કારણે બંધાય એટલું ખરું, પરંતુ ઉદય આવે
ત્યારે વિકાર કરવો પડે એમ બનતું નથી. ભેદજ્ઞાનવડે આત્મામાં શુદ્ધતા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે તો
કર્મનો ઉદય નિમિત્ત ન થાતાં, તે જ્ઞાનમાં જ્ઞેય પણે જણાય છે. માટે એમ સિદ્ધ થયું કે ઉદય આવે તે ઉદયનાં
કારણે છે. અજ્ઞાની આત્મા તે સમયે તે પોતાની યોગ્યતાના–પ્રમાણમાં વિકાર કરે છે. પણ ઉદય હોય તે મુજબ
વિકાર કરવો પડે એમ નથી.
જીવ સ્વયં પોતાની ભુલથી અપરાધી અને ભૂલ ભાંગે તો નિરપરાધી થાય છે પરંતુ કર્મનાં ઉદયથી
અપ–