Atmadharma magazine - Ank 228
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 31

background image
આસો : ૨૪૮૮ : ૨૧ :
પરસ્પર પર્યાયમાં નિમિત્તપણાનો વ્યવહાર છે પણ કોઈ બીજાના કાર્ય માટે કર્તા છે એમ નથી. દ્રવ્યમાં ગુણ
ત્રિકાળ છે, કોઈ ગુણ પ્રગટ થતો નથી પણ તેની પર્યાય એક સમય પૂરતી નવી નવી પ્રગટ થાય છે. દ્રવ્ય સત્
ગુણ સત્ અને તેની દરેક પર્યાયો પણ સત્ છે, તેમાં સ્વ–સ્વામી અંશનો ભેદ પાડવો તે પણ વ્યવહાર છે, પણ
તેનાથી શું સાધ્ય છે? પર અને ભેદના લક્ષે તો રાગની ઉત્પત્તિ થાય છે.
જેમ શ્રદ્ધા–દર્શન અને જ્ઞાનનું સ્વયંસિદ્ધપણું બતાવ્યું તેમ હવે ચારિત્રમાં પણ સમજવું. આત્મા
જ્ઞાનદર્શન ચારિત્રસ્વભાવથી ભરેલો અને પુણ્ય પાપ, શરીર અને શરીરની ક્રિયા–તેના અભાવ સ્વભાવપણે
છે. પર્યાયમાં રાગ દશા છે તેટલા અંશે પરદ્રવ્યના અવલંબનરૂપ રાગ આવે ખરો પણ આત્મા પરદ્રવ્ય સાથે
તન્મય થતો નથી. પરનું ગ્રહણ ત્યાગ આત્મામાં નથી, આત્માને આધીન નથી. આત્મા, રાગાદિ, પુણ્ય પાપ
તથા દેહની ક્રિયા થાય તેના અભાવ સ્વભાવપણે છે, અને અખંડ શ્રદ્ધા–જ્ઞાન–શાન્તિમય સમરસી આનંદથી
ભરેલો છે. એમ અંતરંગમાં પ્રકાશમાન સ્વભાવ તરફ જોનાર નિશ્ચય નયથી આત્મા સ્વયં અપોહન સ્વરૂપ
છે, રાગનો અને પરનો ત્યાગ કરનાર કહેવો, પરનું આચરણ કરનાર કહેવો તે તો આરોપથી (વ્યવહારથી)
કથન માત્ર છે.
“ભેદ જ્ઞાન સાબુ ભયો સમરસ નિર્મળ નીર,
ધોબી અંતર આતમા ધોવે નિજ ગુણ ચીર”
સ્વસન્મુખતારૂપ ભેદવિજ્ઞાની આત્મા વીતરાગભાવે પરિણમતો પરદ્રવ્ય અને રાગાદિના અભાવ
સ્વભાવે ઉપજે છે, તેને વ્યવહારથી ત્યાગ કરનારો કહેવાય છે. નિરાકૂળતારૂપ શાન્તિ ક્્યાંથી આવે છે?
ભેદવિજ્ઞાન પૂર્વક અંદર એકાગ્રતાથી પ્રગટે છે. બહારથી શાન્તિ નથી. કોઈ જીવ પરનું ગ્રહણ ત્યાગ તથા
શરીરની ક્રિયા વ્યવહારથી પણ કરી શકતો નથી, પણ જ્ઞેયપણે નિમિત્તરૂપ થતી દેહની ક્રિયા અને રાગની
ક્રિયાને તે રૂપે જાણવું તે વ્યવહાર છે. આત્માનો વ્યવહાર તેની પર્યાયમાં જ હોય ભિન્નવસ્તુમાં ન હોય.
પ્રશ્ન– ભગવાનની પૂજા ભક્તિ તથા નવધા ભક્તિ પૂર્વક મૂનિને આહારદાન દેવાનો શુભ ભાવ તે શું
પર દ્રવ્યના આધાર વિના બનતો હશે?
સમાધાન–નિમિત્તની મુખ્યતાથી વ્યવહારના કથન થાય તેને એ જાતનો રાગ એ ભૂમિકાવાળાને આવે
ખરો પણ નિમિત્તના લીધે જીવને રાગ થાય અને રાગના કારણે શરીરની ક્રિયા અને ધર્મ થાય એવું ત્રણ
કાળમાં નથી.
આત્મા શરીર અને વાણીનો સ્વામી નથી. ધર્મીજીવ શુભ ઈચ્છાનો પણ સ્વામી નથી અને શરીરની
ક્રિયા અસદ્ભૂત વ્યવહારનયથી પણ કરી શકતો નથી. માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવવા તેવું કથન કરવાની રીત
છે, તે ટાણે રાગને અને રાગના નિમિત્તને જ્ઞેયપણે જાણે છે એમ કહેવા જેટલો તેની સાથે વ્યવહાર સંબંધ છે.
પણ તેથી કાંઈ રાગ અને દેહની ક્રિયારૂપે આત્મા પરિણમે છે એમ નથી. રાગનો ભાગ આસ્રવ તત્ત્વ છે તે રૂપે
આત્મા થતો નથી. નગ્ન શરીરરૂપે તથા મુનિ અવસ્થામાં હોવા યોગ્ય ૨૮ મૂળ ગુણના રાગપણે આત્મા
પરિણમતો નથી અર્થાત્ તેને પોતાના નિશ્ચય ચારિત્ર સ્વભાવમાં લાવતો નથી પણ તે કાળે પોતાના જ્ઞાન
આનંદમય વીતરાગ સ્વભાવપણે ઉપજતો થકો આત્મા વ્યવહાર ત્યાગના વિકલ્પને જાણે છે એમ કહેવું તેટલો
તે ભૂમિકાનો વ્યવહાર છે, બાકી પરમાર્થે આ આત્માને રાગનો ત્યાગ કરનાર કહેવો તે નામ માત્ર છે. આમ
અસ્તિસ્વભાવથી સ્વતંત્રતા યથાર્થતા અને વીતરાગતા ગ્રહણ કરવાનું મહાવીરપ્રભુએ વીરશાસન જયંતિદિને
ફરમાવ્યું છે
કેવળજ્ઞાનના દિવ્યસંદેશા આપનાર, કેવળીના વિરહ ભૂલાવનાર સત્ દ્રષ્ટિવંત
શ્રી ગુરુદેવનો જય હો. જ્ઞાનામૃતદાતા વીરપુત્ર શ્રી સદ્ગુરુદેવનો જય હો.