આસો : ૨૪૮૮ : પ :
અરે! આત્મા તારી તો અગાધગતિ છે. દયા, દાનાદિરૂપ પુણ્યભાવથી મોક્ષમાર્ગરૂપ ધર્મ માને–મનાવે
તેઓ આત્મધર્મને લૂંટનારા છે. ધર્મી જીવને નીચલી દશામાં પુણ્ય–પાપના ભાવ આવે ખરા પણ તે રાગની
ક્રિયાને ધર્મ ન માને. ધન કમાવાનો ભાવ પાપ છે, પૈસા મળે છે તે ડહાપણથી મળતા નથી, પણ પૂર્વનાં
પુણ્યરૂપની લોન હતી તે બળીને વર્તમાન સામગ્રી દેખાય છે, તેમાં રાજી થઈને પાપ બાંધે છે.
અનંત કાળ વીત્યો, એક ક્ષણ પણ આત્મહિત જાણ્યું નથી. શરીરની ક્રિયા હું કરી શકું છું એમ માન્યું
હોય છે, પણ મરતી વેળા બોલવાની ઈચ્છા હોવા છતાં બોલાય નહિ, કેમકે ઈચ્છાને આધીન વાણી નથી,
સ્વતંત્ર ભાષાવર્ગણાથી વાણી ઊપજે છે. મેં કુંટુંબનું કર્યું, ધંધો કર્યો, નાત જાતનું કર્યું, મેં પાંચ લાખ ભેગા
કર્યા, એમ માનનાર મિથ્યા અભિમાની છે. કહ્યું છે કે–
“હુન્નર કરો હજાર, ભાગ્ય વિન મળે ન કૌડી”
સમય આવ્યા પહેલાં ધન મળતું નથી તથા કિસ્મતથી અધિક મળતું નથી. સંયોગ એના કાળે આવે ને
જાય. જીવને ખરેખર ધન મળ્યું નથી, પણ મમતાવાનને મમતા મળે છે. ભેદજ્ઞાનપૂર્વક સ્વસન્મુખ
જ્ઞાતાપણાની ધીરજ રાખનારને સ્થાયી સમતા મળે છે. જ્ઞાની પુણ્ય–પાપ અને તેના ફળનો કર્તા–ભોકતા કે
સ્વામી થતો જ નથી. અજ્ઞાની ને પૂર્વેનાં પુણ્યથી વર્તમાન સોગઠી ગોઠવાઈ જાય, ત્યાં મોહથી માને કે મારા
પુરુષાર્થથી મેં આ બધું મેળવ્યું છે પણ તે ભ્રમ છે. અજ્ઞાનીને સંયોગ ઉપર જ દ્રષ્ટિ છે તેથી વિષય વિકારની
જાતિ સાથે મોક્ષસુખની સરખામણી કરે છે અને કહે છે કે મોક્ષનું સુખ સ્વર્ગાદિના ઈન્દ્રોના સુખથી અનંતગણું
છે, તેને અનુપમ મોક્ષસુખની ખબર નથી.
શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવત્ ૧૯૨૪ માં થયો હતો, ૧૯૩૧ ની સાલમાં ૭ વર્ષની વયે
પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, ૧૬ વર્ષની ઉંમરમાં મોક્ષમાળા નામે પુસ્તક બનાવ્યું, તેમાં ૧૦૮ પાઠ
લખ્યા છે, તેમાં એક કાવ્ય છે કે–
“બહુ પુણ્ય કેરા પુંજથી,
શુભદેહ માનવનો મળ્યો
તોયે અરે! ભવચક્રનો,
આંટો નહીં એકે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે,
લેશ એ લક્ષે લહો,
ક્ષણક્ષણ ભયંકર ભાવ મરણે,
કાં અહો! રાચી રહો”
જે જીવ પુણ્ય–પાપને કરવા જેવા માને છે, શુભરાગથી આત્મકલ્યાણરૂપ ધર્મ માને છે તે નિર્વિકાર
જ્ઞાતાસ્વભાવનો પૂરેપૂરો તિરસ્કાર કરે છે અને પોતે જ અજ્ઞાનવશે પોતાનો શત્રુ થાય છે.
“જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.”
આત્મસિદ્ધિ દોહામાં પ્રથમથી જ પૂર્ણતાના લક્ષે સાધકભાવ ઉપાડયો છે. પોતે અસલી સ્વરૂપ સમજ્યો.
સુખનો ઉપાય અંદરમાં છે એમ સમજ્યો ત્યારે જાણ્યું કે અહો! આવું મારું પરમપદ સ્વાધીન છે, અને તેને
ભૂલ્યો તેથી જ અનંતકાળ પરિભ્રમણ કર્યું છે, એક સેકન્ડ માત્ર પણ ધર્મ કર્યો નથી.
જેમ પર્વતમાં વિજળી પડે ને ટુકડા થાય તે રેણે ભેગા ન થાય–તેમ ભગવાન આત્મા પુણ્યપાપ અને
સમસ્ત પ્રકારના રાગથી પાર, બેહદ જ્ઞાનસ્વભાવથી પરિપૂર્ણ છે એ નિર્વિકલ્પ પ્રતીતિ થતાં સંસારમાં લાંબો
કાળ પરિભ્રમણ કરવું પડે નહિ.
‘યમ નિયમ સંયમ આપ કિ્્યો,
પુનિ ત્યાગ વિરાગ અથાગ લિયો,
જપ ભેદ જપે તપ ત્યોંહી તપૈ,
ઉરસેંહી ઉદાસી લહી સબપૈ;
વહ સાધન વાર અનંત કિ્્યો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યોં;
અબ કયોં ન બિચારત હૈંં મનસેં,
કછુ ઔર રહા ઉન સાધનસેં.”