: ૬ : આત્મધર્મ : ૨૨૮
અરે આત્મા! તું કોણ છો, કેવા સ્વરૂપે છો, તારા અધિકારમાં શું છે, શું થઈ રહ્યું છે ને શું માની રહ્યો
છે! તેં એક પણ વાતનો સત્ય નિર્ધાર કર્યો જ નથી. અજ્ઞાની ગુરુઓએ બાહ્યમાં તથા વ્રતાદિ પુણ્યબંધનની
ક્રિયામાં ધર્મ મનાવ્યો છે. જગત્ને જન્મમરણરહિત નિત્યજ્ઞાનઘન આત્મા શું છે તેની ખબર નથી–તેથી તેનું
સત્ય ચારિત્ર શું છે તેની ખબર પડે ક્્યાંથી? ક્ષણિક વિભાવ અને ત્રિકાળી એકરૂપ ચૈતન્ય સ્વભાવ વચ્ચે
ભેદ વિજ્ઞાન કરી અંતરમાં ઢળીને અતીન્દ્રિય આનંદામૃતમાં લીનતા કરવી તે આત્માનું ચારિત્ર છે. વચ્ચે
નીચલી દશામાં શુભરાગ આવે તે આસ્રવ તત્ત્વ છે, તે આત્માનું સંવર–નિર્જરારૂપ ચારિત્ર નથી. આ વાત ન
સમજ્યો તેથી દુઃખના ઉપાયને જ સુખનો ઉપાય માની દુઃખના કારણોમાં જ પ્રવર્તે છે, તેથી અનાદિ કાળથી
અત્યાર સુધી દરેક સમયે અનંત દુઃખને પામ્યો છે. દુઃખને દુઃખ તરીકે ક્્યારે માની શકે કે ભેદજ્ઞાનપૂર્વક
અંદરમાં એકલો જ્ઞાનાનંદ છું તેમાં નિર્વિકલ્પ શાન્તિરસનો અનુભવ કરે ત્યારે. આવો અનુભવ ગૃહસ્થદશામાં
પણ થઈ શકે છે. ઢોર, દેવ અને નરકદશામાં પણ થઈ શકે છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત” એમ કહ્યું છે પણ અમુક ન કર્યું,
દયા દાનાદિ પુણ્ય ન કર્યાં, માટે દુઃખ પામ્યો એમ કહ્યું નથી. આત્મા અનાદિથી છે, છે તે કદી ન હોય એમ
બને નહીં, જે નથી તે કદી નવું થતું નથી, છે તે જ ટકીને પોતાની અવસ્થાથી પોતામાં જ પોતાની શક્તિથી
બદલે છે.
પૈસા, શરીર હાથપગ જડ છે. જડ–ચેતન અનાદિથી જુદા છે. જીવ પોતાના અસલી સ્વરૂપને ભૂલી,
પરને પોતાનું માની ચાર ગતિમાં ભ્રમણ કરે છે, તે પુણ્યપાપનું ફળ છે.
“વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ,
તેહ શુભાશુભ છેદતાં ઉપજે મોક્ષ સ્વભાવ.”
શુભાશુભભાવનું સ્વામીત્વ તે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ તે સંસાર છે. અજ્ઞાની પુણ્યથી સુખ માને છે તેથી
સિદ્ધભગવાનના સુખની જાતિ સંસારી જીવના વિષય સંબંધી સુખ જેવી માને છે પણ સંસાર–સુખ તો ઝેર છે.
ઈચ્છા–આકુળતાનો અભાવ અને અતીન્દ્રિયજ્ઞાનમાં લીન રહેવું તે સુખ છે. શુભ રાગ અને તેના
ફળમાં જરાય સુખ નથી, મોટરવાળાને સુખી ન માનશો. વિચાર કરો તે મોટરમાં બેઠો છે કે મોટર તેની છાતિ
ઉપર બેઠી છે? તેના માનેલા વૈભવને નિભાવવાની, આબરૂની તુષ્ણાથી તે નિરન્તર દુઃખી છે. પુણ્ય પાપ
બેઉને મલિન અને દુઃખરૂપ કહ્યાં છે.
જેમ ભૂંડને વિષ્ટાનો ખોરાક રુચે છે ને હોંશે તે ખાય છે–મનુષ્યો અનાજ ખાઈ, પચાવી વિષ્ટાને કાઢી
નાખે છે તેને ભૂંડ ખાય છે, તેમ જ્ઞાનીઓએ વીતરાગતા પચાવીને, પુણ્યપાપને વિષ્ટાની જેમ છોડી દીધા છે.
વિકારીભાવને જેઓ ભલા માને છે તેને ભૂંડની ઉપમા છે. અનંતવાર અબજપતિ થયો, અનંતવાર જૈન
મતમાં દ્રવ્યલિંગધારી સાધુ થયો, પણ અંતરમાં રાગાદિ વિકલ્પથી પાર મોક્ષસ્વભાવી આત્મા શું અને મોક્ષનો
ઉપાય શું, મલિનભાવરૂપ આસ્રવ શું તે જાણ્યું નહી. નવતત્ત્વનાં નામ જાણે, પણ તેના સ્વરૂપનો નિર્ણય કરી,
તેના પ્રયોજનને ન જાણે ત્યાં સુધી આત્મહિત ન થાય.
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી પરિપૂર્ણ છે. સંયોગ અને વિકારની દ્રષ્ટિ છોડ. પરાશ્રયની શ્રદ્ધા
છોડી, સ્વાશ્રયની દ્રષ્ટિથી તારા પરમ સ્વભાવને દેખ. એકરૂપ પૂર્ણાનંદ જ્ઞાયક તે હું છું એમ અનુભવ, અને
પુણ્યપાપ બેઉ દુઃખ છે, બંધન છે–એમ નિર્ણય કર. વીતરાગી દ્રષ્ટિ થતાં જ શુભાશુભ બેઉનો પ્રથમ શ્રદ્ધામાંથી
એકદમ ત્યાગ થઈ જાય છે. શુભ રાગને હિતકર માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યા અભિપ્રાય રહિત નિર્મળ
જ્ઞાનાનંદની શ્રદ્ધા પૂર્વે કદી કરી નથી. તેથી રાગ અને તેના ફળમાં જ તેને ઉત્સાહ વર્તે છે.
જેમ સન્નિપાતનો રોગી, વાત, પિત્ત અને કફનો પ્રકોપ થવાથી ખડખડ હસે છે. છતાં તે સુખી નથી,
બીજાઓ તેને દુઃખી જ માને છે, બેભાનમાં તે હસે છે પણ થોડીવારમાં તે મરી જશે; તેમ પુણ્ય અને તેના
ફળમાં જેઓ હર્ષ માને છે તેઓ બેભાન બનેલા મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ત્રિદોષનાં પ્રકોપવડે અસાધ્ય
રોગી જેવા છે.