કારતક: ૨૪૮૯ : ૧૯ :
કરી અને ક્રોધ ન કર્યો તેમને ઉત્તમ ક્ષમા થઈ; એ પ્રમાણે ઉપસર્ગ કરવાવાળા ઉપર પણ ક્રોધ ન ઉપજે
એવો આત્મા આત્મભાવનામાં બળવાન રહે.
ભેદજ્ઞાનદ્વારા એવું ચિન્તવે કે જો કોઈ મારા દોષ કહે છે તે જો મારામાં દોષ છે તો તે શું ખોટું
કહે છે? એમ વિચારી સમભાવ રાખે. વળી જો મારામાં દોષ નથી તો જાણ્યા વિના અજ્ઞાનવંશે કહે ત્યાં
અજ્ઞાન ઉપર કોપ શું કરવો? વચન શબ્દરૂપ ભાષા વર્ગણા છે, તેનો કર્ત્તા કોઈ જીવ નથી. ક્રોધ કરનાર
જીવ તેની કષાયરૂપ પીડાનું સમાધાન કરે છે, મારૂં કાંઈ કરી શકતો નથી. હું તો જ્ઞાતા જ છું. આમ
જ્ઞાનાનંદ સ્વભાવમાં સાવધાની વડે ક્રોધ ઉત્પન્ન ન થવો તે ક્ષમાને ભગવાને સાચી ક્ષમા કહી છે.
સમયસારજીમાંથી, ૪૭ શક્તિઓમાંથી ૧૩મી શક્તિનું વર્ણન ચાલે છે.
ક્ષેત્ર કાળથી અમર્યાદિત્ એવા ચિદ્દવિલાસ સ્વરૂપ અસંકુચિત્ વિકાસત્ત્વ શક્તિ આત્મામાં છે.
એ ગુણમાં પણ અનંતગુણનું રૂપ છે; એવા અનંતગુણોનો પિંડ જ્ઞાન માત્ર આત્મામાં દ્રષ્ટિ દેવાથી, પ્રગટ
પર્યાયમાં અખંડિત પ્રતાપવંત અસંકુચિત્વ ચૈતન્ય વિકાસનો વિલાસ ઊછળે છે. સમ્યગ્દર્શન અલૌકિક,
અદભૂત, અપૂર્વ શક્તિ છે. તેની સાથે આ તેરમી શક્તિ એમ બતાવે છે કે કોઈ તને લાભ નુકશાન કરી
શકે નહીં, કેમકે એવો કોઈ ગુણ આત્મામાં નથી, પણ કોઈ ક્ષેત્ર, કાળ, કર્મ વિકારથી તારો વિકાસ
રોકાય નહીં, અને ધ્રુવ સ્વભાવ સામર્થ્યના આશ્રય વડે વિકાસ થાય એવો ગુણ આ શક્તિમાં છે. આમ
અનંતગુણ સહિત સ્વતંત્રતાથી શોભાયમાન નિત્ય સામર્થ્યપણે ટકીને બદલવું તારાથી છે, તારા આધારે
છે, પરથી નથી; માટે પર ચીજ કોઈને કે આ આત્માને બાધક સાધક થઈ શકતી નથી આમ જાણવું તેનું
નામ સાચું અનેકાન્ત છે.
૧૩મી શક્તિનું વર્ણન દોઢ લીટીમાં ટૂંકામાં ઘણું કહી નાખ્યું છે, જેમ એક મહાન વ્યાપારીએ
ખુલ્લા પોષ્ટકાર્ડમાં તેના આડતીયા ઉપર લખેલું કે અત્યારે રૂઊનો ભાવ એક ખાંડીના પ૦૦) છે, પણ
પ૪૦) સુધી બે લાખ ગાંસડી ખરીદજો, જુઓ દોઢ લીટીમાં કેટલો ગૂઢ અર્થનો વિસ્તાર ભર્યો છે તે
પોસ્ટમેન વાંચે તો ન સમજે; પણ કોઈ ચતુર વ્યાપારી તર્કદ્વારા સમજી લે કે અહો! નાની જગ્યામાં
દુકાન છતાં બેઉ પાર્ટીની મોટી પ્રતિષ્ઠા, પરસ્પર વિશ્વાસ અને નિર્ભયતા કેવી છે! તે વિના ખુલ્લા
પત્રમાં આવું લખાણ હોઈ શકે નહીં; તેમ સર્વજ્ઞ ભગવાનની સમયસરજીમાં એક એક શક્તિની ખુલ્લી
ચીઠ્ઠી આવી છે તે સમ્યગ્દ્રષ્ટિ શાહુકાર ઉપર લખી છે. લખનાર સર્વજ્ઞ વીતરાગ દેવાધિદેવ છે. અધરથી
લખીતંગ અને મફતલાલની સહી એમ નથી.
અહો! તારામાં એવી શક્તિ અર્થાત્ નિત્ય સત્તાત્મક અનંતાગુણ છે. તે શક્તિવાન ઉપર દ્રષ્ટિ દે
તો ભેદ અને પરાશ્રયની દ્રષ્ટિ છૂટી, વિકારની ઉપેક્ષા થઈ, આત્મામાં અમર્યાદિત વિકાસ શક્તિનું કાર્ય
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપે છે; સાથે જ દરેક ગુણનો વિકાસ બાધા રહિતપણે આત્માભિમુખ થઈ
વર્તે છે તેના પ્રતાપને કોઈ ક્ષેત્ર, કાળ, કર્મ કે સંયોગ વિઘ્ન કરવા સમર્થનથી એવી ચિદ્દવિલાસ શક્તિ
મારામાં છે, એમ જાણી પૂર્ણ સ્વભાવી ચૈતન્ય સન્મુખ થવું તેનું નામ સમ્યગ્દર્શન છે.
દર્શનમોહ કર્મનો ઉદય આવે તો મિથ્યાત્વ થાય; અરે ચાલ રે ચાલ, તું હોતાં તને કોણ હણી
શકે, પરવડે પરાધીનપણું બતાવે તે વાત જ્ઞાતા માને નહીં. પર્યાયમાં સંકોચરૂપે પોતાની ક્ષણિક યોગ્યતા
છે તેને દ્રવ્યદ્રષ્ટિના વિષય દ્વારા જીવનું પરિણમન માનતા નથી.
જે ભાવે તારી પર્યાયમાં સંકોચ થાય અને વિકાસ ન થાય એવો ગુણ તારામાં નથી–એમ
જાણીને ક્ષણિક વિભાવનું આલંબન છોડ અને નિર્મળ શક્તિઓનો પિંડ સ્વભાવવાન છો તેનું આલંબન
કર તો અપૂર્ણતા નહીં રહે. (ક્રમશ:)