સમ્યક્
સિદ્ધાંત
(૧) સમ્યક્ સિદ્ધાંત ‘ઉપાદાનની પ્રભુતા’ ની પ્રસિદ્ધિ કરે છે, –મિથ્યાસિદ્ધાંત ‘નિમિત્તની
આધીનતા’ ની પ્રસિદ્ધિ કરે છે.
(૨) અજ્ઞાની આત્માની તો અનાદિકાળથી પરદ્રવ્યો પાછળ પડવાની ટેવ છે કે જે ઘણી જ
દુઃખદાતા ટેવ છે, અને તેથી જ સ્વભાવવાન વસ્તુનું સામર્થ્ય તે માનતો નથી; રાગમાં અને
પરજ્ઞેયોમાં કર્તાપણાની બુદ્ધિ શું તે જાણતો જ નથી. પછી ગમે તેટલા ગ્રન્થો વાંચે,
શુભરાગની પાછળ પડે તેથી શું? આત્મા અને આસ્રવોના ભેદજ્ઞાન વિના તે અનંત
સંસારનું સાધન કરે છે.
(૩) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કોઈ અપેક્ષાએ કાંઈ કરી શકતો નથી, કેમકે એક દ્રવ્યનાં સ્વદ્રવ્ય,
સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવમાં પરદ્રવ્યનાં ચતુષ્ટયનો ત્રણેકાળ માટે અત્યંત અભાવ છે–
તેને નહિ માનનાર સંયોગમાં એકતાબુદ્ધિવડે ભલે પરથી ભલું–ભુંડું થવું માને, પરદ્રવ્યોનો
હું કર્તા, ભોક્તા અથવા સ્વામી છું એમ માને પરંતુ કોઈપણ દ્રવ્ય પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
ભાવમાંથી બહાર નીકળીને એક અંશમાત્ર પણ પરદ્રવ્યને પહોંચી વળવા સમર્થ નથી, કેમકે
પરનાં કામ માટે દરેક દ્રવ્ય તેના ગુણ અને પર્યાય અલાયક છે–અયોગ્ય છે.
(૪) જ્ઞાન પરજ્ઞેયોમાં જતું નથી અને જ્ઞેયો જ્ઞાનમાં આવતાંનથી, જ્ઞાની પરવસ્તુને અંગીકાર
કરતો નથી (પોતે પરનાં ગ્રહણ ત્યાગ કરી શકે છે એમ તે માનતો નથી.) અજ્ઞાની પરથી
એટલે પરાશ્રયથી લાભ માનવાની શ્રદ્ધાને છોડતો નથી.
(પ) દરેક દ્રવ્ય સ્વચતુષ્ટયથી સદા અખંડ છે, તેથી તેમાં સ્વરૂપથી એકત્વ અને અનંતા પરથી
અનંત અન્યત્વ છે દ્રવ્યનો કોઈ અંશ અન્યનું કાંઈપણ કરવા સમર્થ નથી. પોતાના આશ્રયે
અનંતગુણની પર્યાય દરેક સમયે થતી હોવાથી. પોતાની અનંત પર્યાયની ઉત્પાદ–વ્યયરૂપ
કાર્યધારાને છોડી પરંતુ કાર્ય કરવાની ફુરસદ એક સમય પણ લેતું નથી, તથા કોઈ દ્રવ્ય
પોતાનું કાર્ય કર્યા વિના રહેતું નથી.
(૬) વસ્તુની કોઈ શક્તિ પરની અપેક્ષા રાખતી નથી, છતાં અજ્ઞાની પરમાં કર્તાપણાનો અહંકાર
કરે છે–અને તેથી દુઃખી થાય છે.
(૭) બહિર્મોહદ્રષ્ટિ છોડી વસ્તુસ્વભાવને સ્વાશ્રયદ્રષ્ટિથી દેખે તો સ્વસન્મુખ જ્ઞાતાપણાની
ધીરજવડે જીવ સુખી થાય.