Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 29

background image
: ૨૦ : આત્મધર્મ: ૨૩૧
મુનિરાજોના ચરણો પર પડી રહ્યાં હતાં જેથી તે એવા માલુમ પડતા હતા કે જાણે અશ્રુજળથી એમના
ચરણોનું પ્રક્ષાલન જ કરી રહ્યાં હોય. પોતાની પત્ની સહિત પ્રણામ કરતાં આર્ય વજ્રજંઘને તે બન્ને
મુનિઓ આશિર્વાદ દ્વારા આશ્વાસન આપીને મુનિઓના યોગ્ય સ્થાન પર ક્રમસર બેસી ગયા.
ત્યાર પછી સુખપૂર્વક બિરાજેલ બન્ને ચારણ મુનિઓને વજ્રજંઘ નીચે પ્રમાણે પૂછવા લાગ્યા
પૂછતી વખતે એમના મુખમાંથી દાંતના કિરણોનો સમૂહ નીકળી રહ્યો હતો, જેથી એવું માલુમ પડતું હતું
કે જાણે તે પુષ્પાંજલી પાથરી રહ્યા હોય! તે બોલ્યા–હે ભગવાન! આપ ક્યાંના રહેવાવાળા છો? આપ
ક્યાંથી અહીં પધાર્યા છો? અને આપને અહીં પધારવાનું શું પ્રયોજન છે? આ બધું મને કહો.
હે પ્રભો, આપના દર્શનથી મારા હૃદયમાં મિત્રતાનો ભાવ ઉમટી રહ્યો છે, ચિત્ત અત્યંત પ્રસન્ન
થઈ રહ્યું છે, અને આપ મારા પરિચિત બંધુ હો એવું મને લાગે છે. આ પ્રકારે વજ્રજંઘનો પ્રશ્ન સમાપ્ત
થતાં જ વડીલ મુનિ પોતાના દાંતોના કિરણરૂપી જળના સમૂહથી એના શરીરનું પ્રક્ષાલન કરતા થકા
નીચે પ્રમાણે જવાબ દેવા લાગ્યા.
હે આર્ય, તું મને સ્વયંબુદ્ધ મંત્રીનો જીવ જાણ, કે જેના દ્વારા તેં મહાબળ રાજાના ભવમાં
સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મક્ષય કરવાવાળા જૈનધર્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એ ભવમાં તારા વિયોગ
પછી વિશેષ સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરીને મેં દીક્ષા ધારણ કરી હતી, અને આયુષ્યના અંતમાં સંન્યાસપૂર્વક
શરીરને છોડીને સૌધર્મસ્વર્ગના સ્વયંપ્રભ વિમાનમાં મણિચૂલ નામનો દેવ થયો હતો. ત્યાં મારૂં આયુષ્ય
એક સાગરથી કાંઈક અધિક હતું. ત્યાર પછી ત્યાંથી ચ્યુત થઈને ભૂલોકમાં ઉત્પન્ન થયો છું. જંબુદ્વીપના
પૂર્વ વિદેહ ક્ષેત્રમાં રહેલા પુષ્કલાવતી દેશ સંબંધી પુંડરીકિણી નગરીમાં પ્રિયસેન રાજા અને એની
પટરાણી સુંદરીદેવીને ત્યાં પ્રીતિંકર નામનો મોટો પુત્ર થયો છું, અને આ મહાતપસ્વી પ્રીતિદેવ મારા
નાના ભાઈ છે. અમે બંને ભાઈઓએ પણ સ્વયંપ્રભ નામના તીર્થંકર જિનેન્દ્ર ભગવાન પાસે દીક્ષા
અંગીકાર કરી, તપ બળથી અવધિજ્ઞાન અને આકાશગામીની ચારણઋદ્ધિ પ્રાપ્ત થઈ છે.
હે આર્ય, અમે બંનેએ અવધિજ્ઞાનરૂપીનેત્રથી જાણ્યું કે આપ અહીં ઉત્પન્ન થયા છો. આપ
અમારા પરમ મિત્ર છો, તેથી આપને સમજાવવા અર્થે અમે આવ્યા છીએ, હે આર્ય, તું નિર્મલ
સમ્યગ્દર્શન વિના કેવલ પાત્રદાનની વિશેષતાથી અહીં ઉત્પન્ન થયો છે–એ ચોક્કસ માન. મહાબલના
ભવમાં તેં અમારાથી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરીને, શરીર છોડ્યું હતું. પરંતુએ સમયે ભોગોની આકાંક્ષાના
વશે તું સમ્યગ્દર્શનની વિશુદ્ધિને પ્રાપ્ત કરી શક્યો ન હતો. હવે અમે બંને, જે સર્વશ્રેષ્ઠ તથા સ્વર્ગ અને
મોક્ષસુખનું મૂખ્ય કારણ છે એવા સમ્યગ્દર્શનને આપવાની ઈચ્છાથી અહીં આવ્યા છીએ તેથી હે આર્ય,
આ અત્યારે જ સમ્યગ્દર્શન ગ્રહણ કર. એને ગ્રહણ કરવાનો આ સમય છે. કારણ કે કાળલબ્ધિ વિના
આ સંસારમાં જીવોને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. જ્યારે × દેશનાલબ્ધિ અને * કાલલબ્ધિ આદિ
બહિરંગ કારણ તથા કરણલબ્ધિરૂપ અંતરંગ કારણરૂપ સામગ્રીની પ્રાપ્તિ થાય છે ત્યારે આ ભવ્ય પ્રાણી
વિશુદ્ધ સમ્યગ્દર્શનનો ધારક થઈ શકે છે. જે જીવનો આત્મા અનાદિકાળથી લાગેલા મિથ્યાત્વરૂપી
× સર્વજ્ઞ વીતરાગ કથિત છ દ્રવ્ય, નવ તત્ત્વ તથા મોક્ષ ઉપાયના જ્ઞાતા આત્માનુભવી પુરુષ પાસેથી શુદ્ધાત્મ
તત્ત્વનું શ્રવણ, ગ્રહણ અને ધારણારૂપ પરિણામોની પ્રાપ્તિને દેશના લબ્ધિ કહે છે.
ધારણા= પદાર્થના બોધનું કાળાન્તરમાં પણ સંશય, વિસ્મરણ ન થવું એવા મજબુત જ્ઞાનને ધારણા કહે છે.
* કાળ લબ્ધિ=ધર્મ લબ્ધિકાળ, નિજ શુદ્ધાત્મ સન્મુખ પરિણામ (નિજ પરિણામ) ની પ્રાપ્તિ.