Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 29

background image
વર્ષ વીસમું : અંક : ૩જો સંપાદક : જગજીવન બાવચંદ દોશી પોષ : ૨૪૮૯
શુદ્ધદ્રષ્ટિ અને અનુભવ માટે શું જોઈએ?
શ્રદ્ધાના એકરૂપ વિષયમાં સંસાર, મોક્ષ અને મોક્ષમાર્ગના કોઈ ભેદનો સ્વિકાર
નથી. નિરપેક્ષ અખંડ પૂર્ણ સ્વભાવભાવનું લક્ષ કરવું તે શુદ્ધ દ્રષ્ટિનો અને શ્રદ્ધાનો વિષય
છે. પ્રમાણજ્ઞાનમાં ત્રિકાળસ્વભાવ, વર્તમાન અવસ્થા તથા નિમિત્તને જાણે છે પણ શ્રદ્ધામાં
કોઈ પડખાનો ભેદ નથી. પરિપૂર્ણ એકરૂપ ધ્રુવસ્વભાવનો મહિમા લાવી સ્વરૂપમાં એકાગ્ર
થતાં અપૂર્વ શાન્તિનો અનુભવ થાય છે. તે વખતે પ્રમાણ, નય વગેરેના કોઈ વિચાર હોતા
નથી. અને તે કાળે હું શાન્તિને વેદું છું એમ પર્યાય ઉપર લક્ષ હોતું નથી. આવું સાંભળીને
કોઈ માને કે આમ ધ્યાનમાં બેસી ઠરી જઈએ, પણ ભાઈ રે! હઠથી ધ્યાન હોતું નથી. તે
જાતની પાત્રતા અને સત્સમાગમે તે માટેનો અભ્યાસ કરવો જો્રઈએ, રાગદ્વેષ મોટું પાપ
નથી પણ તત્ત્વાર્થ સંબંધી મિથ્યા અભિપ્રાય જ મોટું પાપ છે તે પાપ અન્ય ઉપાયથી ટળે
નહીં પણ વિપરિત અભિપ્રાય રહિત સર્વજ્ઞ કથિત તત્ત્વાર્થોની દ્રઢ શ્રદ્ધા કરવી જોઈએ, મારે
માટે હિત અહિત રૂપ શું છે તે ભાવોને ઓળખી ઉપાદેયનો આદર કરી તે હિતસ્વરૂપમાં
ઢળવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. પર વડે મારું ભલું ભૂંડું થઈ શકે; હું પરનું,
શરીરનું, વાણીનું કાંઈ કરી શકું છું; પરાશ્રયથી લાભ માને, શુભરાગથી ધર્મ માને એ
મિથ્યા માન્યતા છે તે અનાદિની ભૂલ ટાળવા માટે જાત ઉપર આવવું પડશે.
મારૂં હિત અહિત મારા વડે જ થાય છે. એ વાતનો અનુભવ જાતની દરકાર કરે તો
થાય છે. તે માટે તત્ત્વનિર્ણયનો પુરૂષાર્થપૂર્વક ઉદ્યમ કરવો જોઈએ. કોઈ કર્મ મારગ આપે,
અમૂક કાળ આવે ત્યારે અંદરમાં જ્ઞાનનો ઉદ્યમ થાય એમ પરાધિનપણું નથી. અપૂર્વ
તૈયારીથી કેવળ પોતાના પરમાર્થ માટે રાત દિવસ ઝુર્યા વિના તેના બારણાખુલતા નથી.
પુણ્યથી પૈસા, બંગલા, આબરૂ વગેરે ધૂળ મળી તેમાં આત્માને શો લાભ? પરના
અભિમાનવડે જ્ઞાતાસ્વભાવની દ્રઢતાનો નાશ થઈ રહ્યો છે. પોતાનો અસલી સ્વભાવ
સંયોગ અને વિકારના સ્પર્શ વિનાનો, પરના કર્તા–ભોક્તા વિનાનો સ્વાશ્રિત છે, તેનો મૂઢ
જીવ પુણ્યની રુચિ વડે તિરસ્કાર કરે છે. લોકો પુણ્યને ભલું માને છે પણ બંધન અને
દુઃખદાતાને ભલું કેમ મનાય? બહારની પ્રવૃત્તિ, દેહની ક્રિયા આત્માનેઆધિન નથી.
પણઅંદર જડ કર્મને નિમિત્ત બનાવીને નિમિત્તાધિન કરવામાં આવતા શુભભાવ પણ
આત્મહિત માટે ભલા નથી. આત્માના અનુભવ માટે મનના સંબંધે વિચાર કરવામાં આવે
છે તે પણ રાગમિશ્રિત ભાવ હોવાથી અભૂતાર્થ છે. શ્રદ્ધાના અનુભવમાં તેનોઅભાવ થાય
છે, ગુણ ગુણી ભેદનો રાગ અંદર ઠરવા માટે મદદગાર નથી તો પછી બાહ્યમાં ક્યું સાધન
મદદગાર હોય?