: ૪ : આત્મધર્મ: ૨૩૧
જેણે સિદ્ધ પરમાત્માને ઓળખીને પોતાના અસંખ્ય પ્રદેશમાં પૂર્ણ વિજ્ઞાનઘન ભગવાનની
સ્થાપના કરી છે તેને સંયોગ, સંસાર, વિભાવ, પરાશ્રય–વ્યવહારનો અંશમાત્ર પણ આદર અને પ્રવેશ
ન રહ્યો. જેમ તપેલામાં તેના માપ જેટલું લાકડાનું મજબુત ચોસલું નાખતા અંદરનું પાણી બહાર
નીકળી જાય અને બીજી ચીજનો પ્રવેશ ન થાય તેમ સિદ્ધ પરમાત્માને જાણી તેનો આદર કર્યો તે જ
નિશ્ચયથી સાદિ અનંત નિજ શુદ્ધ આત્માની ભક્તિ અને વંદના છે; તેમાં વિરુદ્ધનો આદર અને પ્રવેશ
કદિ થતો જ નથી.
અહો! “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો, અપૂર્વ
અવસર એવો નિશ્ચય આવશે.”
સિદ્ધ ભગવાન અનંતા થયા–ને છ મહીના આઠ સમયમાં ૬૦૮ જીવ સિદ્ધપરમાત્મદશાને પામે
જ છે. ૬૦૮ જીવ તેટલા કાળમાં નિત્યનિગોદ એકેન્દ્રિય શરીર છોડી, અન્ય એકેન્દ્રિય અથવા વસપણું
(બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિયપણું) પામે છે.
સિદ્ધોની (–સંસારથી મુક્ત અને પરમાત્મદશાને પ્રાપ્તની) સંખ્યા કેટલી કે–આંગળના અસંખ્યમાં
ભાગમાં અસંખ્યાત નિગોદશરીર છે–તેમાંથી એક શરીરના અનંતમાં ભાગે અનંત સિદ્ધ છે, અને એવા
એક શરીરમાં જે અનંતાઅનંત જીવ રાશિ છે તેના અનંતમાં ભાગે જીવ સિદ્ધપરમાત્મપદને પામ્યા છે, તે
બધા ભેદવિજ્ઞાનરૂપ નિશ્ચય સિદ્ધ ભક્તિથી પામ્યા છે. જેવો વસ્તુનો સ્વભાવ છે તેવો જાણી નિર્ણય કરે તો
જ પોતાના શુદ્ધ સ્વરૂપમાં દ્રષ્ટિ દઈ શકે અને સ્વસત્તાના આલંબનવડે મોક્ષમાર્ગને સાધી જાણે.
સમ્યગ્દર્શન તે નાનામાં નાની સિદ્ધપરમાત્માની ભક્તિ છે. અહો! એક સમયમાં બેહદ
જ્ઞાનાનંદથી પરિપૂર્ણ સ્વભાવ, જેવા સિદ્ધ તેવો હું, તેમનામાં શક્તિપણે અને પ્રગટપણે બેહદ જ્ઞાન સુખ
છે, મારામાં શક્તિપણે પરિપૂર્ણ છે–ભેદને ગૌણ કરી તેનો આશ્રય છોડી, અંદર પૂર્ણ સિદ્ધપદનો
આદરઅને આશ્રય કરવા સાવધાન થયો તે જ અનંતા સિદ્ધને નમસ્કાર છે. વધે ન સિદ્ધ અનંતતા, ઘટે
ન રાશ નિગોદ, જૈસે કે તૈસે રહે, યહ જિન વચન વિનોદ.
સિદ્ધની સંખ્યા અનંત છે. સંસારી જીવ અનંતા અનંત છે; તેમાં છ મહિના ને આઠ સમયમાં ૬૦૮
જીવ મોક્ષ જાય છે, અને ત્રણ રાશિમાં અસંખ્ય જીવ છે તે સંખ્યા અનંત સંખ્યા સામે બહુજ અલ્પ છે.
દરેક દ્રવ્યનો દ્રવ્યસ્વભાવ, ગુણસ્વાભાવ, પર્યાય સ્વભાવ સત્ છે, સ્વતંત્ર છે, સ્વથી છે, પરથી
નથી. કાળ અને ક્ષેત્ર પણ અનંત છે. આકાશદ્રવ્ય ક્ષેત્રે અનંત છે. તેના અનંતક્ષેત્રને કોઈ દિશામાં કોઈ
પ્રકારે હદ નથી. કાળને હદ નથી. દ્રવ્યો બધાય અનાદિ અનંત સત્ છે. તેની પર્યાયો પણ નિરંતર નવી નવી
થયા કરે છે તેને પણ હદ નથી. જ્ઞાનનો સ્વભાવ એક સમયમાં સર્વથા સર્વને જાણે. વસ્તુની પર્યાય શક્તિ
પણ કોઈ કાળે પરની અપેક્ષા રાખતી નથી. આવો વસ્તુનો સ્વભાવ છે. છે તેને કરે કોણ?
એમ સ્વતંત્રતા, યથાર્થતા. અને વીતરાગતાનું સ્વરૂપ જાણી, અનંતા સિદ્ધપરમાત્માનો આદર
કરીને ચારિત્ર વૈભવવંત આચાર્યદેવ અત્યારથી જ અનંતા સિદ્ધોને સ્વ–પરના આત્મામાં સ્થાપીને કથન
કરે છે. સ્વસન્મુખ જ્ઞાયકપણાનું ઘોલન કરતાં કરતાં સમયસારજી વ્યાખ્યા પૂર્ણ થઈ ગઈ છે, તેમાં ધર્મ
જિજ્ઞાસુ બધાયને આમંત્રણ આપ્યું છે. એવા શ્રોતા લક્ષમાં લીધાછે કે સર્વજ્ઞની સત્તા અને સિદ્ધપણાનો
આદર કરે, તેનાથી વિરૂદ્ધનો (પરાશ્રયનો) આદર ન કરે.
પાંચમી ગાથામાં કહ્યું કે હું એકત્વ વિભક્ત એવા શુદ્ધાત્માને દર્શાવું છું; જે સ્વરૂપ મારા
આત્માના સર્વ વૈભવથી બતાવું છું તેને તમે સ્વાનુભવથી પ્રમાણ કરજો. પ્રમાણ ન કરે એવાને યાદ
કર્યા નથી. અહીં નિઃસંદેહ સ્વાનુભવ પ્રમાણ આદિ સર્વ વૈભવથી આત્મા બતાવું છું તો તેને પ્રમાણ કરે,
એમાં જ રુચિવંત રહે એવા લાયક શ્રોતાનો મેળ બતાવ્યો છે.