Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 29

background image
: : આત્મધર્મ: ૨૩૧
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ પ્રવચનસારમાં જ્ઞેય અધિકાર શરૂ કરતાં કહે છે કે આત્માના આશ્રયે
જાણવાનો ઈચ્છક મુમુક્ષુ સર્વ પદાર્થને દ્રવ્ય–ગુણ–પર્યાય સહિત જાણે છે કે જેથી મોહાંકુરની બિલકુલ
ઉત્પત્તિ ન થાય.
‘જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ,
લક્ષ થવાને તેહનો, કહ્યાં, શાસ્ત્ર સુખદાઈ.’
સત્ય–ભૂતાર્થના સ્વિકારવડે જ અસત્યનો નાશ થાય છે. તેના માટે સત્ય સાંભળવા સાવધાન
થયો છે તો સત્યના લક્ષે અસત્યને અસત્યપણે હેયપણે જાણવું પડશે. સત્યને હિતરૂપ જાણ્યા વિના
અસત્યનો આદર છૂટતો નથી. જેનાથી યથાર્થતા, વીતરાગતા, સ્વતંત્રતા બતાવનાર જિનવચનો મળે
એવો ઉપદેશ સાંભળવા યોગ્ય છે. હું સિદ્ધ અને તું પણ સિદ્ધ–એમ પૂર્ણતાનું લક્ષ ઘૂંટતા ઘૂંટતા
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની પ્રાપ્તિ અને પૂર્ણતા થઈ જશે.
ધર્મ જોઈએ છે, સુખી થાવું છે પણ અમે લાયક નથી તે તો પોતાને ઠગે છે. અત્યારે અલ્પજ્ઞાન
છે છતાં તેમાં અનંતા સિદ્ધને સમાડવાની તારામાં તાકાત છે. પ્રથમ ધડાકે અનંતા સિદ્ધને પોતામાં
સ્થાપન કરીને પૂર્ણ સાધ્યનો આદર કરવા જાગ્યો તે અસ્તિ તેમાં વિરોધભાવની નાસ્તિ જ છે. આવું ન
માનનારને અહીં લક્ષમાં લીધા નથી.
સમયસાર શાસ્ત્રમાં તો કોઈ સિદ્ધ પરમાત્માની વાત હશે એવી સ્થાપના અત્યારે આપણા
આત્મામાં થાય! અમે તો પામર છીએ, પરાશ્રય, વ્યવહાર, નિમિત્ત જોઈએ–એમ કરતાં કરતાં હળવે
હળવે ધર્મ થશે–એમ માનનારા અનંતા જ્ઞાની અને સર્વ આચાર્ય સંતોનો વિરોધ કરે છે.
જે અલ્પજ્ઞાન પરને જાણવામાં કામ કરે છે તેને, સર્વજ્ઞની સત્તાનો નિશ્ચય કરવા માટે પ્રથમ
ત્રિકાળી શક્તિવાન હું સર્વજ્ઞ સ્વભાવી આત્મા છું એનું લક્ષ અને આદર કરવાનું કામ સોંપવામાં આવે
છે, કે જે એના અધિકારની વાત છે.
સ્વભાવ અપૂર્ણ ન હોય; અલ્પજ્ઞાનમાં અનંતા સિદ્ધનો આદર થતાં જ અલ્પજ્ઞતા અને
રાગનો આદર છૂટી જાય છે. પ્રથમથી જ પરમાત્મ સ્વભાવનો આદર નિત્યના લક્ષે થયો ત્યાં સાદિ
અનંત અંદરમાં એકત્વ નિશ્ચયની પ્રાપ્તિ કરનાર છું, વિરુદ્ધતાનો આદર કરનાર નથી–એમ એકરૂપ
વીતરાગ સ્વભાવની અપેક્ષા અને સર્વ વિભાવની ઉપેક્ષા કરનારો થઈ જાય છે એનું નામ ધર્મની
શરૂઆત છે.
જ્ઞાનની મહિમા તો જુઓ! વર્તમાન રાગ મિશ્રિત દશામાં, ઈન્દ્રિયાધીન થવા છતાં, ક્ષણમાં
ચૈતન્ય વસ્તુનો બેહદ સ્વભાવ પકડી શકે છે. બેહદ અનંત જ્ઞાનના ધારક અનંતા સિદ્ધ થઈ ગયા
તેને અલ્પજ્ઞ પણ માપી લે છે, તો સર્વ રાગદ્વેષ અને આવરણ રહિત થયેલ પૂર્ણ જ્ઞાનની એક
સમયની એક અવસ્થામાં ત્રણકાળ ત્રણલોકના સર્વ પદાર્થસમૂહને સર્વપ્રકારે એક સાથે જાણવાનું
પ્રગટ સામર્થ્ય કેમ ન હોય? હોય જ. તેમાં સ્વભાવની રુચિવંતને શંકા પડતી નથી. સર્વજ્ઞ
વીતરાગ પરમાત્માને કબૂલનારો, પોતે જ અત્યારે શક્તિપણે એવડો મોટો હોય તો જ તે
અલ્પજ્ઞતા કાળે પૂર્ણને ઓળખી શકે છે. અધુરા જ્ઞાનમાં પણ જ્ઞાનનું જાણપણું વ્યવસ્થિત છે.
પક્ષપાત છોડી પરીક્ષા કરવાનો ઉદ્યમ કરે તો જ્ઞાનમાં સત્યનો સ્વિકાર થાય જ અને અસત્યનો
આદર ન થાય એવો નિયમ છે.
***