અતીન્દ્રિય સુખ છે– એમ જાણતાં આત્માને તેનું પ્રોત્સાહન મળે છે. કેવું છે
શુદ્ધોપયોગનું સુખ? તે ૧૩મી ગાથામાં કહે છે–
વિચ્છેદહીન છે સુખ અહો! શુદ્ધોપયોગપ્રસિદ્ધને. ૧૩.
અહા, અતીન્દ્રિય પરમ આહ્લાદ જેનો સ્વાદ જીવે પૂર્વે અનાદિ સંસારમાં કદી
ચાખ્યો નથી એવો પરમ આહ્લાદ શુદ્ધોપયોગીને સ્વાદમાં આવે છે. પોતાના
આત્માથી જ તે સુખની ઉત્પત્તિ થાય છે, બહારના કોઈ વિષયોના અવલંબન
વિના, આત્મામાં જે પરમ સહજ સુખનો સમુદ્ર ભર્યો છે તેમાંથી જ શુદ્ધોપયોગવડે
તે અતીન્દ્રિય સુખ પ્રગટે છે. જેમાં કોઈ પરના આશ્રયની અપેક્ષા નથી, જેમાં
ઈન્દ્રિયોનું કે ઈન્દ્રિયવિષયોનું અવલંબન નથી, ચૈતન્યના અંતરમાં જ ઉપયોગ
મુકીને આત્મા પોતે પોતાના આશ્રયથી પરમ આનંદરૂપ પરિણમે છે. આહા!
આત્માના જ આશ્રયે આત્માનો મોક્ષ થાય છે. મોક્ષ કહો કે પૂર્ણાનંદની પ્રાપ્તિ કહો,
તેની ઉત્પત્તિ આત્માના જ આશ્રયે થાય છે. શુદ્ધોપયોગ વડે આવો પરમ આનંદ
અનુભવાય છે. જુઓ તો ખરા, આ શુદ્ધોપયોગનું ફળ! આવું અતીન્દ્રિય સુખ
પરમ પ્રશંસનીય છે–એમ બતાવીને આચાર્યદેવ આત્માને તેનું પ્રોત્સાહન આપે છે.
અહા, જે સુખમાં કોઈ સંકલ્પ–વિકલ્પ નથી, આત્મા સિવાય બીજા કોઈની જેમાં
અપેક્ષા નથી એવું પરમ સુખ શુદ્ધોપયોગીને હોય છે.
માટે તે સુખ અનુપમ છે. આવા શુદ્ધોપયોગના ફળને જાણીને હે જીવ! તું તેમાં
પ્રોત્સાહિત થા! સ્વભાવના આશ્રયે જે સુખ પ્રગટ્યું તે સદા ટકી રહે છે,
અનંતકાળ ટકી રહે છે; અને વચ્ચે તેમાં ભંગ પડતો નથી. વિચ્છેદ થતો નથી.
બહારમાં ગમે તેવી પ્રતિકૂળતાના ગંજ હો–પણ શુદ્ધોપયોગમાં લીન સન્તોનું સુખ
વિચ્છિન્ન થતું નથી. આવું પરમ સુખ... તે કેમ પ્રગટે? કે શુદ્ધોપયોગ વડે પ્રગટે.
અહા, ચૈતન્યનું આવું સુખ!! આવો આહ્લાદ!! આવો નિરપેક્ષ આનંદ!! –તે
સર્વથા પ્રાર્થનીય છે, પરમ ઉપાદેય છે. આવું સુખ શુદ્ધોપયોગવડે પમાય છે–માટે
તે શુદ્ધોપયોગમાં મોક્ષાર્થી જીવ પોતાના આત્માને પ્રોત્સાહિત કરે છે. જુઓ,
મોક્ષાર્થીને ઉત્સાહ શુભનો નથી, મોક્ષાર્થીને તો શુદ્ધોપયોગનો જ ઉત્સાહ છે...
આવા શુદ્ધોપયોગ વડે પ્રાપ્ત થતું જે પરમ સુખ તે પ્રાર્થનીય છે.