આત્મધર્મઃ૩૪:
મંગલ જન્મોત્સવ અંક
૧૦ પ્રશ્ન........ ૧૦ ઉત્તર
૧. પંડિત કોણ છે?
જેઓ ચૈતન્યવિદ્યામાં પ્રવીણ છે તેઓ જ ખરા પંડિત છે.
૨. મોક્ષનું કારણ શું છે?
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તે મોક્ષનું કારણ છે.
૩. તે મોક્ષમાર્ગ કેવો છે?
સમ્યક્ત્વાદિરૂપ મોક્ષમાર્ગ છે તે જ્ઞાનમય છે.
૪. કર્મ કેવું છે?
શુભ કે અશુભ જે કોઈ કર્મ છે તે બધુંય મોક્ષમાર્ગથી વિપરીત છે.
પ. મોક્ષમાર્ગમાં શેનો વિષેધ છે?
સમસ્ત કર્મોનો એટલે કે સમસ્ત બંધભાવોનો મોક્ષમાર્ગમાં નિષેધ છે.
૬. શુભરાગના આશ્રયે મોક્ષમાર્ગ કેમ ન થાય?
શુભરાગ પોતે બંધસ્વરૂપ છે ને મોક્ષમાર્ગથી પ્રતિકૂળ છે, તો તે બંધભાવના આશ્રયે મોક્ષમાર્ગ
કેમ હોય? શુભરાગના આશ્રયે લાભ માનીને જે અટક્યો તેને તે રાગનો નિષેધ કરનાર તો કોઈ
રહ્યું નહિ, રાગથી જુદું જ્ઞાન તો તેને રહ્યું નહિ, રાગમાં જ તન્મયતાથી તેને મિથ્યાત્વ થયું. અને
મિથ્યાત્વ હોય ત્યાં મોક્ષમાર્ગ ક્્યાંથી હોય? મિથ્યાત્વ તો મોક્ષમાર્ગનું ધાતક છે.
૭. મિથ્યાદ્રષ્ટિ જીવ કેવો છે?
મિથ્યાદ્રષ્ટિ જીવ ઊંધા અભિપ્રાયથી ચૈતન્યને હણી નાખનારો છે.
૮. સાચું જીવન કોણ જીવે છે?
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ચૈતન્યનો આશ્રયે જ્ઞાન–આનંદમય સાચું જીવન જીવે છે. જ્ઞાન તે આત્માનું
જીવન છે. તે જ્ઞાનમય પરિણમનાર જ સાચું જીવન જીવે છે. અહા, આવું જીવન અનંત કાળમાં
જીવ કદી જીવ્યો નથી. અજ્ઞાનથી ભાવમરણે મર્યો છે. ભેદજ્ઞાન કરે તો જ સાચું જીવન પ્રગટે.
૯. મોક્ષાર્થીએ એટલે કે ચૈતન્યની શીતળતાના અભિલાષીએ શું કરવા યોગ્ય છે?
મોક્ષાર્થીએ સઘળુંય કર્મ ત્યાગવા યોગ્ય છે, અને એક જ્ઞાનસ્વભાવનો જ આશ્રય કરીને, અંતરમાં
ઊંડા ઊતરીને, જ્ઞાનમય ભાવે પરિણમવું યોગ્ય છે; તે જ્ઞાનમય પરિણમનમાં ચૈતન્યની પરમ
શીતળતા અનુભવાય છે.
૧૦. એવા જ્ઞાનમય પરિણમનની શરૂઆત ક્્યારે થાય?
ગૃહસ્થદશામાં રહેલા સમ્યગ્દ્રષ્ટિને પણ અંતર્મુખ પ્રયત્ન વડે ચૈતન્યના અવલંબને જ્ઞાનમય
પરિણમન શરૂ થઈ ગયું છે. સમ્યગ્દર્શન તે પણ જ્ઞાનમય પરિણમન છે, તેમાં રાગનો કિંચિત્
આશ્રય નથી. આવું જ્ઞાનમય પરિણમન તે નિષ્કર્મ છે, અને તે જ મોક્ષનું સાધન છે.