: ૧૮ : આત્મધર્મ: ૨૩૭
અહો, પહેલાં ચૈતન્યના અનુભવની આ રીત બરાબર લક્ષમાં લઈને દ્રઢ નિર્ણય કરવો જોઈએ.
માર્ગનો સાચો નિર્ણય કરવો જોઈએ. માર્ગનો સાચો નિર્ણય પણ ન કરે તેને અનુભવ ક્્યાંથી થાય?
લક્ષ કરીને પ્રયોગ કરતાં પરિણમન થાય; આ એક જ અનુભવની રીત છે, બીજી કોઈ રીત નથી.
અનાદિથી ન પામેલો હોય તે આ રીતથી જ સમ્યગ્દર્શન પામે છે. આ રીતથી નરકમાં પણ જીવ
સમ્યગ્દર્શન પામે છે, સ્વર્ગમાં, મનુષ્યમાં કે તીર્યંચમાં પણ આ જ રીતથી સમ્યગ્દર્શન અને
આત્મઅનુભવ પમાય છે. નરક–સ્વર્ગ વગેરેમાં જાતિસ્મરણ વગેરેને સમ્યક્ત્વપ્રાપ્તિના કારણો કહ્યાં છે
તે ઉપચારથી છે, પણ તે નિયમથી કારણ નથી. અરે, વિકલ્પ પણ સાધન નથી, તો પછી બહારના કયા
સાધન લેવા છે? “હું શુદ્ધ પરમાત્મા સચ્ચિદાનંદ છું”–એવો વિકલ્પ પણ ખરેખર પરલક્ષી–પરાશ્રયી
ભાવ છે, તે પણ અનુભવનું સાધન નથી. શ્રુતજ્ઞાનને સ્વસન્મુખ કરવું તે જ એક અનુભવનું સાધન છે.
વિકલ્પાતીત થઈને ચૈતન્યનું સ્વસંવેદન કરે ત્યારે શ્રુતજ્ઞાની પણ કેવળી ભગવાનની જેમ પક્ષાતીત–
વિકલ્પાતીત છે, તે પણ વીતરાગ જેવો જ છે.
* જે જીવ એકાન્ત એક નયને પકડીને નયપક્ષના વિકલ્પમાં જ અટકે છે પણ વિકલ્પથી જુદો
પડીને જ્ઞાનને સ્વસન્મુખ કરતો નથી તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
* વિકલ્પથી ભિન્ન પડીને, સ્વસન્મુખપણે જેણે ચૈતન્યનો અનુભવ કર્યો છે, પ્રજ્ઞાછીણી વડે જ્ઞાન
અને વિકલ્પને જુદા પાડી નાંખ્યા છે, તે જ્ઞાનીને નિર્વિકલ્પ અનુભવનો કાળ જ્યારે ન હોય ત્યારે
નયપક્ષના જે વિકલ્પો ઊઠે તો ચારિત્રમોહ પૂરતો રાગ છે, પણ ધર્મીને તે વિકલ્પના ગ્રહણનો ઉત્સાહ
નથી, તે વિકલ્પને સાધન માનતા નથી, ને તેના તે કર્તા થતા નથી; તેનું જ્ઞાન વિકલ્પથી જુદું ને જુદું
પરિણમે છે.
* અને જ્યારે નયપક્ષસંબંધી સમસ્ત વિકલ્પોથી પાર થઈને સ્વસંવેદનવડે ધ્યાનમાં હોય ત્યારે
તો શ્રુતજ્ઞાની પણ વીતરાગ જેવો જ છે, અબુદ્ધિપૂર્વકના વિકલ્પો ભલે પડ્યા હોય, પણ તેના
ઉપયોગમાં કોઈ વિકલ્પનું ગ્રહણ નથી; નિર્વિકલ્પ અનુભવમાં એકલા પરમઆનંદને જ અનુભવે છે.
જુઓ ભાઈ, આત્માના અનુભવનો આ માર્ગ અનાદિ અનંત એકજ પ્રકારનો છે. અહો, અનંત
સર્વજ્ઞીએ કહેલો, સંતોએ સેવેલો, તીર્થંકરભગવંતો અને કુંદકુંદાચાર્યદેવ જેવા સંતોની વાણીમાં આવેલો
આ માર્ગ છે.
બાર વૈરાગ્ય ભાવનામાં કહે છે: ભાઈ, બહારના પદાર્થો તો શરણ નથી પણ અંદરના વિકલ્પો
પણ શરણરૂપ નથી. આ દેહ તો ક્ષણમાં વીંખાઈ જશે, તે તો તને અશરણ છે, તેનાથી તારું અન્યત્વ છે.
અને અંદરના વિકલ્પો પણ અશરણ–અધ્રુવ ને અનિત્ય છે, તેનાથી તારા ચૈતન્યનું અન્યત્વ છે. –એમ
જાણીને તારા ચૈતન્યની જ ભાવના ભાવ. તારા ચૈતન્યધામમાં અનંતી કેવળજ્ઞાન ને પૂર્ણાનંદની
પર્યાયો પ્રગટવાની તાકથત છે, તેથી પરમાર્થે ચૈતન્યધામ તે જ શાશ્વત તીર્થ છે; અંતર્મુખ થઈને તેની
યાત્રા કરતાં ભવસાગરથી તરાય છે.
ધર્મી કહે છે કે: સમસ્ત વિકલ્પોરૂપ બંધપદ્ધત્તિને છોડીને, અપાર ચૈતન્યતત્ત્વને હું અનુભવું છું;
મારા ઉત્પાદ–વ્યય–ધ્રુવ ચૈતન્યભાવવડે જ ભવાય છે–શ્રુતજ્ઞાનને અંતર્મુખ કરીને આવો અનુભવ થાય
તે સમ્યગ્દર્શન છે. તેને માટે વિકલ્પનો આધાર નથી. અરે, નિર્વિકલ્પ ચૈતન્યની શાંતિમાં વિકલ્પનો ટેકો
માનવો તે તો કલંક છે. નિર્વિકલ્પ શાંતિમાં વિકલ્પનો ટેકો નથી. અનુભૂતિ વખતે વિકલ્પનો અભાવ
છે. “હું સાધક છું ને સિદ્ધ થવાનો છું” એવા વિકલ્પો શ્રુતજ્ઞાનીને અનુભવ વખતે નથી. નિર્વિકલ્પ
અનુભવમાં મુનિને મુનિપણાના વિકલ્પો નથી ને શ્રાવકને પણ શ્રાવકપણાના વિકલ્પો નથી,
નિર્વિકલ્પપણામાં બંને સરખા છે. મુનિને વિશેષ આનંદ ને વિશેષ સ્થિરતા છે ને ગૃહસ્થને ઓછા છે, –
તે વાત પણ અહીં ગૌણ છે, કેમકે ‘મને ઓછો આનંદ છે ને મુનિને વધારે છે’ –એવા વિકલ્પ પણ
અનુભવમાં નથી. આ રીતે અનુભવમાં શ્રુતજ્ઞાનીને કેવળજ્ઞાનીની જેમ પક્ષાતિક્રાન્ત કહ્યા છે. આ રીતે,
અનુભવ માટેના મંગળ–ઉમંગથી શિષ્યનો જે પ્રશ્ન હતો તેનો ઉત્તર આચાર્યદેવે કહ્યો.