: ૨૨: આત્મધર્મ: ૨૩૭
આધ્યામિક સન્દેશ
અધ્યાત્મવિદ્યા તે સર્વશ્રેષ્ઠ વિદ્યા છે.
ભોપાલ શહેરમાં અધ્યાત્મ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે અધ્યાત્મવિદ્યાનો સંદેશ આપતાં ગુરુદેવે
કહ્યું કે– જગતની સર્વ વિદ્યામાં ચૈતન્યની અધ્યાત્મવિદ્યા સર્વશ્રેષ્ઠ છે. અધ્યાત્મવિદ્યા વિના બીજા કોઈ
ક્રિયાકાંડમાં જન્મમરણનો નાશ કરવાની તાકાત નથી. सा विद्या या विमुक्तये– વિદ્યા તેનું નામ કે
જેનાથી મુક્તિનું કારણ થાય. જેનાથી ૮૪ના અવતારનું પરિભ્રમણ થાય તે કુવિદ્યા છે. સ્વાનુભુતિ વડે
આત્માને જાણવો તે અધ્યાત્મવિદ્યા છે. ને તે વિદ્યા મોક્ષનું કારણ છે. સંસારસંબંધી અનેક વિદ્યાઓ જીવ
અનંતવાર શીખ્યો છે, શાસ્ત્રો પણ ભણ્યો છે, પરંતુ જન્મમરણનો જેનાથી અંત આવે એવી
સ્વાનુભૂતિરૂપ અધ્યાત્મવિદ્યા જીવ ક્ષણમાત્ર શીખ્યો નથી. અંતર્મુખ થઈને રાગથી ભિન્ન
ચૈતન્યસ્વાનુભૂતિ વડે આત્મામાં અધ્યાત્મવિદ્યાનું ઉદ્ઘાટન થાય છે. આત્મામાં જ્યાં સમ્યક્
મતિશ્રુતજ્ઞાન પ્રગટ્યા ત્યાં અપૂર્વ અધ્યાત્મવિદ્યા ઊઘડી જ્યાં આવી અધ્યાત્મવિદ્યાનું ઉદ્ઘાટન થયું ત્યાં
અલ્પકાળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ જરૂર થાય છે. માટે આવી અધ્યાત્મવિદ્યા શીખવા જેવી છે.
અધ્યાત્મવિદ્યા તે ભારતની મૂળ વસ્તુ છે. અંતરમાં દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ છે તેના ધ્યાન
વડે શાંતિ મળે છે. શાંતિ પોતાના સ્વરૂપમાં છે પણ જગત બહારના સાધનમાં તે ઢુંઢે છે. નિજસ્વરૂપની
ઓળખાણ વડે આત્મપ્રસિદ્ધિ જીવે કદી કરી નથી. પરની પ્રસિદ્ધિ, દુનિયાની પ્રસિદ્ધિ અનંતવાર મળી,
પણ સ્વાનુભવ વડે પોતાના આત્માની પ્રસિદ્ધિ કર્યા વગર જન્મમરણના ફેરા ટળે નહિ ને શાંતિ મળે
નહિ. જીવનનું શોધન અને શાંતિની પ્રાપ્તિ અધ્યાત્મવિદ્યા વડે થાય છે. સ્વાનુભવથી આત્માને ઓળખે
તો આવી અધ્યાત્મવિદ્યા ખૂલે છે, ને તે જ અધ્યાત્મ સંમેલનનું ખરૂં ઉદ્ઘાટન છે. જ્યાં આવી
અધ્યાત્મવિદ્યા ઊઘડી ત્યાં આત્મામાં શાંતિના સ્ત્રોત વહે છે, સુખ પ્રગટે છે ને મુક્તિ થાય છે.
ગુરુદેવની શાંતરસઝરતી વાણીમાં અધ્યાત્મવિદ્યાનો સર્વોત્કૃષ્ટ મહિમા સાંભળતાં દસ હજાર
માણસોની સભા ખૂબ પ્રસન્ન થઈ હતી. સમ્મેલનના પ્રમુખસ્થાનેથી બોલતાં મધ્યભારતના વિત્તમંત્રી
શ્રી મિશ્રિલાલજી જૈને કહ્યું હતું કે–
આજે આપણા સૌભાગ્યનો દિવસ છે કે આપણા દેશના મહાન સંત પૂ. શ્રી કાનજીસ્વામી
આપણી વચ્ચે બિરાજમાન છે; તેઓ આ અધ્યાત્મ સંમેલનમાં તથા ધાર્મિક મહોત્સવમાં આશીર્વાદ
દઈને મોક્ષનો પરમ શ્રેષ્ઠ રસ્તો બતાવશે. આ ભૌતિક સાધનના બનાવટી જીવનમાં અટવાયેલા જીવોને
શાંતિનો સાચો રસ્તો બતાવવા માટે સન્તો પૃથ્વી પર વિચરે છે. તે રીતે પૂ. સ્વામીજી સૌરાષ્ટ્રથી અહીં
પધાર્યા છે. તેઓ અધ્યાત્મસન્દેશ સંભળાવવા આવ્યા છે, મને વિશ્વાસ છે કે અહીંની જનતા આવા
આધ્યાત્મિક–સંમેલનનો લાભ ઉઠાવશે ને સ્વામીજીનો સન્દેશ ઝીલીને આધ્યાત્મિક શક્તિની બઢવારી
દ્વારા આપણા મહાન દેશની શક્તિ વધારશે.
અધ્યાત્મસંમેલનના ઉદ્ઘાટન પ્રવચનમાં રાજ્યપાલ શ્રી પાટસ્કરજીએ કહ્યું હતું કે–
અધ્યાત્મવિદ્યા એ ભારતની એક વિશિષ્ટ પરંપરા છે. આત્મા શું છે, તે ક્્યાંથી આવ્યો, ક્્યાં જશે– એ
એક મહત્વનો સવાલ છે. રશિયા કે અમેરિકાએ અવકાશમાં રોકેટ છોડયું તેમાં ભૌતિક પ્રગતિ ભલે હો
પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રગતિ નથી. એ આધ્યાત્મિક વિષય તરફ ધ્યાન ન જાય તો શાંતિ નથી
મળતી ને સંઘર્ષ તથા હિંસા થાય છે. હું પ્રસન્નતા અનુભવું છું કે આજે અહીં મહાન આધ્યાત્મિક
સમ્મેલનનો પ્રારંભ થાય છે, ને અધ્યાત્મનો સન્દેશ દેનારા આવા અચ્છા સંત મહાત્મા અહીં પધાર્યા છે;
તે આપણી બધાની પુણ્યાઈ છે. આવા આધ્યાત્મિક સંમેલનમાં સંમિલિત થવાનું હું મારું કર્તવ્ય સમજું
છે. મને વિશ્વાસ છે કે અહીં જે પવિત્ર કાર્ય થઈ રહ્યું છે તેનો બધા લોકો લાભ ઉઠાવશે.