: ૮: આત્મધર્મ: ૨૩૭
આત્માનું અવલોકન કર. દેવાધિદેવ તીર્થંકર સર્વજ્ઞભગવંતોએ જેવો આત્મા અનુભવ્યો, ને જેવો
વાણીમાં કહ્યો, તેવો જ સંતોએ અનુભવ્યો, ને તેવો જ અહીં બતાવ્યો છે. તેવો જ અનુભવ પોતાના
જ્ઞાનમાં કરે ત્યારે સમ્યગ્દર્શન થાય. અરે જીવ! અંર્તલક્ષ કરીને એકવાર ઉલ્લાસથી હા તો પાડ.
*જેમ દૂધ અને પાણીને એકતા નથી, તેમ આત્માને વર્ણાદિ સાથે કે રાગાદિ સાથે એકતા નથી.
*જેમ અગ્નિને અને ઉષ્ણતાને એકતા છે, તેમ આત્માને અને ઉપયોગને એકતા છે.
*જેમ દૂધ અને પાણીને ભિન્નસ્વભાવપણું છે, તેમ ઉપયોગસ્વરૂપ આત્માને અને
અનુપયોગસ્વરૂપ વર્ણાદિ તથા રાગાદિને ભિન્નસ્વભાવપણું છે.
*જેમ અગ્નિને અને ઉષ્ણતાને ભિન્નસ્વભાવપણું નથી, તેમ ઉપયોગને અને આત્માને ભિન્ન
સ્વભાવપણું નથી. અહો, અન્વય અને વ્યતિરેક બંને પ્રકારના દ્રષ્ટાંતથી આચાર્યદેવે સ્પષ્ટ ભેદજ્ઞાન
કરાવીને, રાગથી ને જડથી જુદો ઉપયોગસ્વરૂપ આત્મા બતાવ્યો છે. – આવા આત્માને અનુભવવો તે
ધર્મ છે. એના સિવાય બીજા કોઈ પ્રકારે ધર્મ થતો નથી.
આત્માની સમ્યગ્દર્શનાદિ પર્યાય પોતાના નિરૂપાધિ સ્વભાવના આશ્રયથી જ ઉત્પન્ન થાય છે. તે
જડના કે વિકારના આશ્રયથી થતી નથી; પર્યાયના કે ભેદના આશ્રયે પણ સમ્યગ્દર્શનાદિની ઉત્પત્તિ
થતી નથી. ઉપયોગસ્વરૂપ આત્મામાં પર્યાય અભેદપણે લીન થાય ત્યારે જ સમ્યગ્દર્શનાદિ થાય છે.
ગુણસ્થાનોના ભેદનો વિચાર કરવાથી પણ આત્મા અનુભવમાં આવતો નથી. સર્વે પરદ્રવ્યોથી ને સર્વે
પરભાવોથી અધિક એવા આત્મામાં પર્યાયને અંતર્મુખ કરતાં દ્રવ્ય– પર્યાયનો ભેદ પણ ભાસતો નથી,
એ રીતે અંતર્મુખદ્રષ્ટિવડે આત્મસ્વભાવને પ્રતીતમાં લેવો તે સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શનનું પરિણમન
રાગથી ને વર્ણાદિથી જુદું છે. જેવો સ્વભાવ હતો તેવું જ પર્યાયમાં પણ પરિણમન થઈ ગયું, તેનું નામ
ધર્મ છે.
*
અદ્ભુત ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થઈ... પછી કોનો ભય?
શ્રી ગુરુપ્રસાદથી પોતાના ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થતાં ધર્માત્મા ત્રણ લોકમાં નિર્ભય અને નિષ્કાંક્ષ
છે; સુરેન્દ્ર, નરેન્દ્ર કે નાગેન્દ્ર કોઈનો ભય તેને રહેતો નથી. શ્રી પદ્મનંદીસ્વામી સદ્બોધચંદ્રોદય
અધિકારમાં કહે છે કે–
त्रैलोक्ये किमिहास्ति कोपि स सुरः किंवा नरः किं फणी
यस्माद्वीर्मम यामि कातरतया यस्याश्रयं चापदि।
उक्तं यत्परमेश्वरेण गुरुणा निश्शेषवाञ्छाभय–
भ्रान्तिक्लेशहरं हृदि स्फुरति चेत्चितत्त्वमत्यद्भुतम्।।४९।।
શ્રી પરમેશ્વર ગુરુદ્વારા કહેલું ચૈતન્યતત્ત્વ, – કે જે સમસ્ત પ્રકારની અભિલાષા, ભય, ભ્રમ
તથા દુઃખોને દૂર કરનાર છે તથા અત્યંત અદ્ભુત આશ્ચર્યકારી છે– તે ચૈતન્યતત્ત્વ જો મારા
હૃદયમાં સ્ફુરાયમાન છે– મોજૂદ છે તો ત્રણલોકમાં એવો કોઈ દેવ–મનુષ્ય કે નાગ નથી કે જેનાથી
હું ડરું, ને આપત્તિથી કાયર થઈને કોઈના શરણે જાઉં! મારું ચૈતન્યતત્ત્વ નિર્ભય છે તેનો જ મને
આશ્રય છે.