Atmadharma magazine - Ank 238
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
શ્રાવણ: ૨૪૮૯ : ૧૩ :
આત્મ પ્રાપ્તિની પ્રેરણા
(સમયસાર કળશ ૩૪ ઉપરના પ્રવચનમાંથી)
હે ભાઈ, તું છ મહિના આત્માની લગની લગાડીને તેનો અભ્યાસ કર તો જરૂર તને અંતરમાં
આત્માનો અનુભવ થશે. જગતનો કોલાહલ છોડીને સ્વરૂપનો અભ્યાસ કરવો તે જ સ્વરૂપની પ્રાપ્તિનો
ઉપાય છે. રાગાદિથી ભિન્નપણે ચૈતન્યસ્વરૂપના નિરંતર અભ્યાસથી છ મહિનાની અંદર જરૂર તેની
પ્રાપ્તિ થાય છે.
જુઓ, રાગની મંદતાના અભ્યાસથી, કે શુભ કરતાં કરતાં આત્માની પ્રાપ્તિ થાય એમ
સંતોએ નથી કહયું. રાગમાં તો આકુળતાનો કોલાહલ છે, તેનાથી તો વિરક્ત થવાનું કહ્યું છે.
પરભાવથી વિરક્ત થઈને અને ચૈતન્યસ્વભાવમાં અનુરક્ત થઈને એકાગ્રતાનો અભ્યાસ કરતાં
જરૂર અંતરમં પોતાને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે, અહા, જેને એકલી આત્માની લગની
લાગી ને બીજી લગની વચ્ચે આવવા ન દે તેને સમ્યગ્દર્શન અને આનંદ પ્રગટ્યા વગર રહે જ
નહિ. સ્વાનુભવના આવા અભ્યાસ વડે અનંતા જીવો અનાદિ મિથ્યાદ્રષ્ટિમાંથી સમ્યગ્દર્શન પ્રગટ
કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી ગયા છે. તો પછી તેના જ અભ્યાસમાં જે લાગે તેને
સમ્યગ્દર્શન થવું તો સુગમ છે.
કોઈ કહે કે સમ્યગ્દર્શન તો અંતર્મુહૂર્તમાં થઈ જાય છે, એટલે તે તો ગમે ત્યારે કરી લેશું?
અત્યારે બીજા કામ કરી લઈએ! તો આચાર્યદેવ કહે છે કે અરે ઊંધા! તને આત્માની લગની જ
નથી, જો આત્માની લગની અને પ્રેમ લાગ્યો હોય તો તેને માટે વર્તમાનમાં જ ઉદ્યમ કરે.....
“અત્યારે બીજું કરીએ ને પછી આત્માનું કરશું” એનો અર્થ એ થયો કે તને આત્મા એટલો
વહાલો નથી કે જેટલા બીજા કામ વહાલા છે! પરભાવ તને ગોઠે છે એટલે તેનો હજી તને થાક
નથી લાગ્યો. જેને પરભાવનો થાક લાગે કે અરે, આ રાગાદિ પરભાવમાં ક્યાંય મારી શાંતિ
નથી, મારી શાંતિ મારા ચૈતન્યમાં જ છે–એમ ઊંડેથી જિજ્ઞાસુ થઈને, રાગાદિથી ભિન્ન ચૈતન્યના
અનુભવનો જેને ઉત્સાહ જાગ્યો તેનો ઉલ્લાસ વર્તમાનમાં જ તે તરફ વળે, વર્તમાનમાં જ તેના
વીર્યના વેગની દિશા પલટી જાય, એટલે કે પરભાવમાંથી વીર્યનો ઉલ્લાસ પાછો વળીને સ્વભાવ
તરફ તેનો ઉલ્લાસ વળે.
જે જીવ દેહાદિને જ આત્મા માનતો હતો, જે પરભાવોને જ આત્મા માનતો હતો, તેની
કુયુક્તિનું ખંડન કરીને આચાર્યદેવે આગમ–યુક્તિ ને સ્વાનુભવથી સમજાવ્યું કે હે ભાઈ,
રાગાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ જીવ ભેદજ્ઞાન વડે અંતરમાં સ્વયમેવ અનુભવાય છે માટે એવા
અનુભવનો તું ઉદ્યમ કર. બાપુ! આવો અવસર મળ્‌યો, આવો મનુષ્યઅવતાર ને આવો સંત્
સમાગમ મળ્‌યો, તો હવે જગતનો બીજો બધો કોલાહલ છોડીને તારા અંતરમાં આવા આત્માના
સ્વાનુભવ માટે ઉદ્યમ કર.... કટિબદ્ધ થઈને છ મહિના તો તેની પાછળ એવો લાગ કે જરૂર
સ્વાનુભવ થાય જ.