: ૧૪ : આત્મધર્મ: ૨૩૮
અહો, તારા પંથ અંતરમાં છે.... તારા સાધ્ય ને સાધન બધુંય તારા અંતરમાં જ સમાય છે....
બીજે ક્યાંય તારે જોવાનું નથી. તારો સ્વભાવ નિરાલંબી ને તેનો પંથ પણ નિરાલંબી; શુભ રાગનુંય
અવલંબન તારા અનુભવમાં નથી.
અરે, આ સંસારની સ્થિતિને..... ને આ સંસારનો કોલાહલ તારા સ્વરૂપથી બહાર છે.... તારા
સ્વરૂપના અનુભવમાં છે જ નહીં. સન્તો આવો સ્વાનુભવ કરીને કહે છે કે હે ભાઈ! હવે તો તું આ
જગતના દુઃખમય કોલાહલથી વિરક્ત થા.... અનેક પ્રકારની વિપરીત માન્યતાના કોલાહલને તું છોડ ને
સર્વજ્ઞ ભગવાને કહેલા ચૈતન્યસ્વરૂપમાં તારા ઉપયોગને તું જોડ.... આવા પ્રયત્નથી છ મહિનામાં તો
જરૂર તને સમ્યગ્દર્શન થશે.
અરે, તારા ચૈતન્યક્ષેત્રમાં જ્ઞાન–આનંદના જ પાક પાકે એવું તારું ખેતર છે, તારું ચૈતન્યક્ષેત્ર
એવું નથી કે તેમાં વિકારનો પાક ઊગે. જેવો સિદ્ધનો આનંદ છે એવો આનંદ તારા અંતરમાં ભર્યો છે....
આત્મા તો આનંદનું જ નિવાસધામ છે, તેમાં તું જો એટલી જ વાર છે. એ જ તારો ખરો ભેખ છે.
આકુળતા તે તારો ભેખ નથી. તારો ભેખ તો તે છે કે જેમાં તારા સ્વભાવનું રહસ્ય તને અનુભવમાં
આવે. રહસ્યઅનુભૂતિ એટલે કે ગુપ્ત સ્વરૂપનો પ્રગટ અનુભવ થાય તેમાં તને તારા આનંદનો સ્વાદ
આવે છે. પરભાવમાં તારા આનંદનો સ્વાદ નથી, એમાં તો દુઃખ છે. સ્વભાવને ભૂલીને ભાઈ, તું
પરભાવની ભૂલવણીમાં ભૂલો પડી ગયો; હવે એમાંથી તારે બહાર નીકળવું હોય તો કોઈ જાણકાર
સંતને માર્ગ પૂછીને તે રસ્તે જા. જેમ વડોદરાના મોટા બાગમાં ભૂલભૂલામણી છે, તેમાં એકવાર ભૂલા
પડેલા (ગુરુદેવ), અને બહાર નીકળવાનો માર્ગ મળતો ન હતો, ત્યારે જાણકાર માણસને માર્ગ પૂછીને
બહાર નીકળી ગયા.... તેમ હે ભાઈ! જો તને ભવચક્રના ચકરાવાની ભૂલભૂલામણીમાંથી બહાર
નીકળવાની ધગશ જાગતી હોય, ને તેમાંથી બહાર નીકળીને સ્વભાવનો અનુભવ કરવાની લગની
લાગી હોય, તો સંતો પાસેથી સ્વાનુભવનો માર્ગ જાણીને છ મહિના અભ્યાસ કર.... સંતો માર્ગનો
પોકાર કરીને કહે છે કે સાંભળ! જો તું રાગમાં ધર્મ માનતો હો તો તે માર્ગે કદી તારો ભવચક્રમાંથી
છૂટકારો નહિ થાય; ભવચક્રથી છૂટકારાનો માર્ગ એક જ છે કે અંતર્મુખ થઈને રાગથી જુદા ચૈતન્યને
લક્ષમાં લઈને તેના અનુભવના ઉદ્યમમાં લાગ.
સંસારની સ્થિતિ જ એવી છે કે તેમાં અનુકૂળતા ને
પ્રતિકૂળતા દ્વિવિધ પ્રસંગો સદાય વર્ત્યા જ કરે છે; એ
બંનેથી ઉપક્ષિત થઈને તું તારા જ્ઞાનસ્વભાવમાં આવ.
સ્પષ્ટ દેખાય છે કે સંસારમાં સુખ નથી, સંયોગમાં
સુખ નથી, છતાં જીવ કેમ તેમાં મશગુલ રહે છે?
સ્પષ્ટ વેદાય છે કે આત્મસ્વરૂપના ચિંતન–મનનમાં
શાંતિ છે, છતાં જીવ પોતાના ઉપયોગને તેમાં કેમ જોડતો
નથી?
હે જીવ! તારા આત્માને મોક્ષપંથે સ્થાપવા માટે
તારા ઉપયોગને નિજસ્વરૂપમાં જોડ.... ને પરનો સંબંધ
તોડ.