: ૧૮ : આત્મધર્મ: ૨૩૮
ભૂત ભાવિને જરાપણ અસ્પષ્ટ જાણે એવું નથી. ત્રિકાળને એક સાથે અક્રમે–સ્પષ્ટપણે જાણી લે છે.
જ્ઞાનની એવી દિવ્ય શક્તિ ખીલી ગઈ કે બધાય જ્ઞેયોને પોતાના પ્રતિ નિયત કરે છે. દિવ્ય જ્ઞાન કહેવું
ને તે જ્ઞાન કોઈને પણ ન જાણે એમ કહેવું– તો તે જ્ઞાનની દિવ્યતા શી? અમુકને જાણે ને અમુકને ન
જાણે તો જ્ઞાનનો મહિમા ખંડિત થઈ જાય છે.
અંત વગરનું જે આકાશ–તેની પરાકાષ્ટાને પણ પહોંચી વળનારું જ્ઞાન–તેના અગાધ મહિમાની
શી વાત!! અનંત અલોક કરતાંય જેની ગહનતા વધુ તે જ્ઞાનના ગહન મહિમાની શી વાત!!
* જ્ઞાન અલોકને નથી જાણતું–એમ નથી.
* જ્ઞાન અલોકનો છેડો જાણે છે–એમ પણ નથી.
* અલોકની અનંતતાને જેમ છે તેમ જ્ઞાન જાણે છે, તેમાં જ્ઞાનની મહિમાની અનંતતા છે.
* જ્ઞાનના મહિમાની અનંતતા જાણ્યા વગર આ વાત બેસવી મુશ્કેલ છે.
* અલોકની અનંતતા કહે પણ તેના કરતાંય જ્ઞાનસામર્થ્યની અનંતતા મોટી છે–તે ન ભાસે તો,
સર્વજ્ઞ અલોકને જાણે તે વાત બેસે નહિ.
જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે તે કોને ન જાણે? જેમ અલોકનો ક્ષેત્રસ્વભાવ છે, તો તેની
ક્યાંય કોઈ ક્ષેત્રમાં નાસ્તિ નથી, તેમ જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે, તેમાં ક્યાંય કોઈ જ્ઞેયને
જાણવાની નાસ્તિ નથી, બધાય જ્ઞેયોને જાણે છે; જો ન જાણે તો તે જ્ઞાન પૂરું નથી.
જેમ દ્રવ્ય પલટીને બીજું ન થાય,
ક્ષેત્રપ્રદેશ પલટીને બીજો ન થાય,
તેમ પર્યાય પણ તે કાળની પલટીને બીજા કાળની ન થાય, ને ગુણનો ભાવ પલટીને બીજા
ગુણરૂપ ન થાય.
–આવો વસ્તુનો સ્વભાવ છે. તેને જેમ છે તેમ જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે.
આ લોકની ચારે તરફ અનંત... અનંત... અનંત અલોક પથરાયેલો છે–જેનો ક્યાંયા છેડો નથી.
છતાં જ્ઞાન તેની અનંતતાને પ્રત્યક્ષ જાણી લ્યે છે. તેને લક્ષમાં લેનાર જ્ઞાનપર્યાયનું દિવ્ય સામર્થ્ય
કેટલું? વિકલ્પવડે એ જ્ઞાનસામર્થ્યનો પાર પામી ન શકાય.
આ લોક ૩૪૩ રાજુ પ્રમાણ, તે પૂરો થયા પછી અલોક.... પછી શું? –કે અલોક પછી?
અલોક.... સર્વત્ર આકાશ પથરાયેલું છે– ક્યાંય નાસ્તિ નથી આવતી.... ક્યાંય છેડો નથી આવતો.
આવા અનંત અલોકને પણ જ્ઞાન પહોંચી વળે–તો તે જ્ઞાનની તાકાત કેટલી? – તેમાં ન જાણે એવું
ક્યાંય ન આવે.... જાણે, જાણે.... ને જાણે! આવું અતીન્દ્રિય જ્ઞાનસામર્થ્ય વિચારધારામાં લ્યે તો
સ્વભાવ ઉપર લક્ષ જઈને સમ્યક્ત્વ થાય.
અતીન્દ્રિય જ્ઞાન ઉપાદેય છે તેના નિર્ણયમાં સમ્યક્ત્વ થાય છે. ટીકામાં જ્ઞાનની દિવ્યતા કહેવામાં
આચાર્યદેવને જ્ઞાનમહિમાનો કોઈ અચિંત્ય ઉલ્લાસ આવ્યો છે.
અરે, દિવ્ય જ્ઞાન ને દિવ્ય આનંદ જેમને ખીલી ગયા છે એવા અરિહંતના આત્માને ઓળખે તો
જ્ઞાનના અચિંત્ય સામર્થ્યની ખબર પડે, તેને જ્ઞાનનો અનુભવ થાય, સમ્યગ્દર્શન થાય ને
કેવળીભગવાનના જ્ઞાન ને આનંદનો નમુનો લેતો લેતો તે મોક્ષના પંથે જાય....