Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૧૧ :
(આરાધના પ્રત્યેનો ઉત્સાહ)
धण्णा ते भयवंता दंसणणाणग्गपवरहत्थेहिं।
विषयमयरहरपडिया भविया उत्तारिया जेहिं।। १५७।।

અહો, જગતમાં ધન્ય હોય તો તે આવા ધર્માત્મા છે કે જેઓ દર્શન–જ્ઞાનરૂપી બે બળવાન
હાથની પ્રધાનતા વડે ભવસમુદ્રને તરી જાય છે, ને વિષયોરૂપી મગરથી ભરેલો જે સંસાર તેમાં
પડેલા ભવ્યજીવોને પણ પાર ઉતારે છે. આવા ભગવંતો જગતમાં ધન્ય છે. આચાર્યદેવ પ્રમોદથી
કહે છે કે અહો, જેઓ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સહિત છે, તે ઉપરાંત ચિદાનંદસ્વરૂપમાં લીન
થયા છે, એ રીતે ઉત્તમ આરાધના વડે સંસારને તરે છે–તેમનો અવતાર સફળ છે, અને બીજા
જીવોને પણ તેઓ આરાધનામાં જોડીને સંસારથી પાર ઉતારે છે–આવા ભગવંતો ધન્ય છે.
હે સત્પુરુષ જ્ઞાનીધર્માત્મા! આપ તો રત્નત્રયની આરાધનાવડે સંસારસમુદ્રથી પાર ઊતર્યા,
ને એવી આરાધનાનો ઉપદેશ આપીને બીજા જીવોને પણ સંસારસમુદ્રથી પાર ઉતાર્યા. ઘોર
સંસારસમુદ્રમાં પડેલા જીવોને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપી બે હાથના અવલંબન વડે પાર
ઉતાર્યા. હે ભગવાન! આપ ધન્ય છો... પોતાને તરતાં આવડે તે જ બીજાને તારવાનું નિમિત્ત
થાય. આ જગતના પ્રાણીઓ ચૈતન્યને ચૂકીને વિષયકષાયથી ભરેલા ભવસમુદ્રમાં ડુબી રહ્યા છે,
ત્યાં મહાઆરાધક સંતો પોતે તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધનાથી તર્યા ને બીજા ભવ્ય
જીવોને તેનો માર્ગ દર્શાવીને ભવથી પાર ઉતાર્યા. કુંદકુંદાચાર્યદેવ કહે છે કે અહો! ધન્યા તે
ભગવંતા!
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન તો તેમના બે મુખ્ય હાથ છે, તેના બળે ભવ્યજીવોને તારે
છે. આવા સંતધર્માત્મા કે ઈન્દ્રોવડે પણ પૂજ્ય છે, જગતમાં તે જ ખરેખર ધન્ય છે. એ સિવાય
બીજા વૈભાવવાળાને કે રાજા–મહારાજાઓને પણ ખરેખર ધન્ય કહેતા નથી. આમ જાણીને તું
આરાધક જીવો પ્રત્યે ભક્તિથી આરાધનાનો ઉત્સાહ કર, –એમ ઉપદેશ છે.
આરાધક જીવોને ધન્ય છે.
તેમને ભક્તિથી નમસ્કાર હો.