: ૧૬ : આત્મધર્મ: ૨૩૯
(૯)
આકિંચન્યધર્મની આરાધના
ભેદજ્ઞાનના બળે સર્વત્ર મમત્વ છોડીને ચૈતન્યભાવનામાં રત થયેલા મુનિઓ, શાસ્ત્રના ઊંડા
રહસ્યનું જ્ઞાન બીજા મુનિઓને પણ વિના સંકોચે
આપે છે. સિંહ આવીને શરીરને ખાઈ જાય તો પણ
દેહનું મમત્વ કરતા નથી. ભરતચક્રવર્તી જેવા ક્ષણમાં
છખંડનો વૈભવ છોડીને, ‘જ્ઞાતાસ્વભાવ સિવાય કાંઈ
પણ મારું નથી’ એવી અકિંચનભાવનારૂપે પરિણમ્યા.
‘શુદ્ધ જ્ઞાનદર્શનમય એક આત્મા જ મારો છે,
એ સિવાય અન્ય કાંઈ પણ મારું નથી’ –એવા
ભેદજ્ઞાનના બળે દેહાદિ સમસ્ત પર દ્રવ્યોમાં ને
રાગાદિ સમસ્ત પરભાવોમાં મમત્વ પરિત્યાગીને
જેઓ અકિંચનભાવમાં તત્પર છે એવા ઉત્તમ
આકિંચન્યધર્મના આરાધક મુનિવરોને નમસ્કાર હો.
હે ચૈતન્યરત સંતો!
અમને આકિંચન્યધર્મની આરાધના આપો.
(૧૦)
ઉત્તમ બ્રહ્મચર્યની આરાધના
જે સીતાજીના વિરહમાં પોતે પાગલ જેવા
બની ગયા હતા તે જ સીતાદ્વારા લલચાવવા છતા
ભગવાન રામચંદ્રજી વિષયભોગોમાં લલચાય નહિ
ને ઉત્તમ બ્રહ્મચર્યધર્મની આરાધનામાં લીન થઈને
સર્વજ્ઞ પરમાત્મા થયા. ધર્માત્મા જયકુમાર
દેવીઓદ્વારા પણ બ્રહ્મચર્યથી ડગ્યા નહિ. ધર્માત્મા
શેઠ સુદર્શન પ્રાણાંત જેવા પ્રસંગે પણ પોતાના
બ્રહ્મચર્યવ્રતથી ડગ્યા નહિ. રાવણ વડે અનેક પ્રકારે
લલચાવવા છતાં ભગવતી સીતા પોતાના બ્રહ્મચર્યથી
ડગ્યા નહિ.
જગતના સર્વ વિષયોથી ઉદાસીન થઈને બ્રહ્મસ્વરૂપ નિજ આત્મામાં જ જેમણે ચર્યા પ્રગટ કરી
એવા ઉત્તમ બ્રહ્મચર્યધર્મના આરાધક સંત–ધર્માત્માઓને નમસ્કાર હો.
હે નિજાનંદલીન સંતો! અમને ઉત્તમ બ્રહ્મચર્યની આરાધના આપો.