Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૧૯ :
તીવ્ર વૈરાગ્ય
અને ઉત્તમ ક્ષમા
(ભાવપ્રભુત ગા. ૧૦૬ થી ૧૧૦ના
પ્રવચનમાંથી તીવ્ર વૈરાગ્યભાવના અને
ઉત્તમ ક્ષમાભાવનાનો સુંદર ઉપદેશ)

અહીં ભાવશુદ્ધિ માટે સરળ પરિણામનો ઉપદેશ છે. પોતાના દોષને, ગુણથી અધિક એવા
ધર્માત્મા ગુરુ પાસે સરળતાથી, માનમરતબો મુકીને નિવેદન કરે, જે કાંઈ દોષ થયો હોય તે મન–
વચન–કાયાની સરળતાથી પ્રગટ કરી દ્યે. પોતાની મહત્તા છોડીને, બાળક જેવો સરળ થઈને પોતાના
દોષની નિંદા કરવી તે ભાવશુદ્ધિનું કારણ છે. નિષ્કપટપણે ગુરુ પાસે કહેવાથી દોષ ટળી જાય છે.
દુર્જનના વચનરૂપી ચપટી એટલે નિષ્ઠુર–કડવા આકરા વચન કહે છતાં પણ સજ્જન ધર્માત્મા
મુનિ તે સહન કરીને ક્ષમા રાખે છે. સ્વભાવની શાંતિને સાધનારા મુનિઓ દેહ–વચનની મમતાથી
રહિત છે, અબંધય–અકષાય પરિણામથી તે સહન કરે છે. સામાના વચનની પકડ નથી, તે પોતાને
માન–અપમાન કે દેહનું મમત્વ નથી. અરે, મારું અપમાન થયું–એવું શલ્ય પણ નથી રાખતા. ને પોતાને
કંઈ વચનની મમતા નથી કે આણે મને આમ કહ્યું માટે હું તેને કંઈક કહું, જેથી બીજીવાર કાંઈ કહે નહીં.
અંદરમાં ચૈતન્યના ઉપશમભાવને સાધવામાં મશગુલ મુનિઓ જગતના વચનના કલેશમાં પડતા નથી,
એમને એવી નવરાશ જ ક્યાં છે કે એવામાં પડે. વચનનો ઉપદ્રવ આવે કે દેહ ઉપર ઉપદ્રવ આવે તોપણ
મુનિઓ શાંતિથી ચલિત થતા નથી, ક્ષમા છોડીને ક્રોધિત થતા નથી. દેહમાં કે વચનમાં મમત્વ નથી તે
શુદ્ધ પરિણામથી સહન કરી શકે છે. અરે, અંદર જેને કષાયની આગ સળગે છે તે ઘરમાં રહે કે વનમાં
જાય પણ તેને તો વનમાં પણ લા લાગી છે. જે અંદર ચૈતન્યની શાંતિમાં વર્તે છે તેને સર્વત્ર શાંતિ જ
છે, બહારનો ઉપદ્રવ આવે કે દેવ આવીને ઉપસર્ગ કરે તોપણ તેને શાંતિ જ છે.
જગતમાં રાજપાટ કાંઈ શરણ નથી. ભયમાં શરણ એક ચૈતન્ય નિર્ભયરામ જ છે, તેના શરણે
કોઈ પણ પ્રતિકૂળતાને મુનિઓ શાંતિથી સહન કરે છે. દુર્વચન સાંભળતા ક્રોધ કરે તો તે મહાન શેનો?
જે મુનિવરો ક્ષમાવડે ક્રોધને જીતે છે તેઓ જ મહાન છે. હજારો યોદ્ધાને જીતનારા યોદ્ધા કરતાં ક્રોધને
જીતનારા મુનિઓ મહાન છે. અરે મુનિ! દુષ્ટ જીવના વચનોને તું તારા પાપના નાશનું કારણ બનાવ.
ક્ષમાવંત મુનિવરોની પ્રશંસા દેવો ને મનુષ્યો કરે છે. મુનિઓ કેવા છે?
भव–भोग–तन वैराग्यधार, निहार शिवतप तपत है...
અહા, ભવથી ઉદાસ, શરીરથી ઉદાસ, સંસારભોગોથી ઉદાસ... એવા વૈરાગ્યવંત મુનિવરો
મોક્ષને અર્થે ચૈતન્યને આરાધે છે... એવા મુનિઓ જગતમાં પૂજ્ય થાય છે.