Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 61

background image
માનનીય પ્રમુખશ્રી પાઠવે છે–
શુ ભે ચ્છા અ ને આ શી ર્વા દ
ભાદરવા સુદ એકમના રોજ આઠ કુમારિકા બહેનોએ સોનગઢમાં બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરી; એ પ્રસંગે માનનીય પ્રમુખ શ્રી નવનીતલાલભાઈ સી. ઝવેરી મુંબઈથી
આવેલા, પણ એકમની સવારમાં અગત્યના કારણસર તેમને એકાએક મુંબઈ જવું પડ્યું; તેથી
તેઓશ્રી તરફથી બ્ર. બહેનો પ્રત્યે વાત્સલ્યપૂર્વક શુભેચ્છા અને આશીર્વાદનો સન્દેશ અહીં
આપવામાં આવ્યો છે:–
ધર્મવત્સલા બહેનો! આજે તમે જીવનના એક નુતનપંથે પ્રયાણ કરી રહ્યા છો–એ
આનંદનો પ્રસંગ છે, આત્મહિતના જે ઉત્તમધ્યેયપૂર્વક તમે આ મંગલમાર્ગે પ્રયાણ કરી રહ્યા છો
તેમાં અનુમોદનાપૂર્વક હું શુભેચ્છા અને આશીર્વાદ પાઠવું છું કે તમારા જીવનધ્યેયમાં તમે
જલ્દી સફળ થાઓ! બહેનો! જે જીવનધ્યેયથી તમે આજે આ બ્રહ્મચર્યદીક્ષા અંગીકાર કરી છે
તે ધ્યેયની સફળતા માટે તમે સતત પ્રયત્ન કરજો. ગુરુદેવના જ્ઞાનવૈરાગ્ય પોષક ઉપદેશને
અને સંતોના જ્ઞાનવૈરાગ્યમય જીવનને સદા હૃદયમાં આદર્શરૂપે રાખજો. ભગવતી બ્રાહ્મી–
સુંદરીના કે રાજીમતી–ચંદનાના આદર્શજીવનનું સ્મરણ કરાવે એવા જ આદર્શમૂર્તિઓ પૂ.
બેનશ્રી–બેન તમારા જીવન આદર્શરૂપે સાક્ષાત્ બિરાજી રહ્યા છે, તેઓશ્રીની મંગળછાયામાં
તમે તમારો આત્મવિકાસ સાધો ને જિનશાસનને દીપાવો... એવી અંતરની શુભેચ્છાપૂર્વક
તેમને ધન્યવાદ પાઠવું છું
બ્રહ્મચર્ય અંક (ત્રીજો)
‘આત્મધર્મ’ નો આ અંક પહેલાં તો ‘દસલક્ષણી–પર્યુષણ અંક’ તરીકે પ્રગટ કરવાની
તૈયારી હતી; પરંતુ પછી આઠ કુમારિકા બહેનોની બ્રહ્મચર્યપ્રતિજ્ઞાના પ્રસંગના હર્ષોપલક્ષમાં
આ અંક ‘બ્રહ્મચર્ય અંક’ તરીકે પ્રસિદ્ધ કરવાનું નક્કી થયું; આ રીતે આ ત્રીજો–બ્રહ્મચર્ય અંક
પ્રસિદ્ધ કરતાં અમને આનંદ થાય છે. પહેલો બ્રહ્મચર્યઅંક છ બહેનોની બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પ્રસંગે
સં. ૨૦૦પમાં પ્રસિદ્ધ થયો હતો; સં. ૨૦૧૨માં ૧૪ બહેનોની બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પ્રસંગે બીજો
બ્રહ્મચર્યઅંક પ્રસિદ્ધ થયો હતો ને આજે આ ત્રીજો બ્રહ્મચર્યઅંક પ્રસિદ્ધ થાય છે. ફરીફરીને પણ
ગુરુદેવની મંગલછાયામાં આવા સુઅવસર પ્રાપ્ત થાઓ. આ અંકને માટે મહાવીરસ્ટુડિઓના
ભાઈશ્રી કાન્તિલાલભાઈએ ફોટાઓ ઝડપથી તૈયાર કરી આપ્યા છે, ફૂલછાબ કાર્યાલયે બ્લોકો
તુરત જ કરી આપ્યા છે અને આનંદ પ્રેસના અનુભાઈ તથા હસુભાઈએ ઝડપથી છાપકામ
કરી આપ્યું છે, આ સૌના સહકાર બદલ તેમના આભારી છીએ. “આત્મધર્મ”