ભાદરવો: ૨૪૮૯ : ૨૧ :
છે. પ્રતિકૂળતા આવે ત્યાં આર્તધ્યાન ન કરે પણ સ્વભાવ તરફ ઝૂકે. ને તીવ્ર વૈરાગ્યવડે રત્નત્રયની
આરાધનાને પુષ્ટ કરે. મુનિની જેમ શ્રાવકને પણ આ ઉપદેશ લાગુ પડે છે. હે જીવ! સમ્યગ્દર્શનની
નિર્મળતા પ્રગટ કરી, સંસારને અસાર જાણી, અંતર્મુખ થઈને સારભૂત એવા ચૈતન્યની ભાવના ભાવ
વૈરાગ્યના પ્રસંગને યાદ કરીને તેની ભાવના ભાવ કે જેથી તારા રત્નત્રયની શુદ્ધતા થઈને કેવળજ્ઞાનની
પ્રાપ્તિ થાય. સાર શું અને અસાર શું એને ઓળખીને તું સારભૂત આત્માની ભાવના કર.
દીક્ષા વખતના ઉગ્ર વૈરાગ્ય પ્રસંગની વાત લઈને આચાર્યદેવ કહે છે કે અહા દીક્ષા વખતે શાંત
ચૈતન્ય દરિયામાં લીન થઈ જવાની જે ભાવના હતી, જાણે તે ચૈતન્યના આનંદમાંથી કદી બહાર જ ન
આવું, એવી વૈરાગ્યભાવના હતી. તે વખતની વિરક્તદશાની ધારા તું ટકાવી રાખજે... જે સંસારને
છોડતાં પાછું વાળીને જોયું નહિ, વૈરાગ્યથી ક્ષણમાં સંસારને છોડી દીધો, હવે આહારાદિમાં ક્યાંય રાગ
કરીશ નહીં. તેમ જેણે ચૈતન્યને સાધવો છે તેણે આખા સંસારને અસાર જાણી પરમ વૈરાગ્ય ભાવનાથી
સારભૂત ચૈતન્યરત્નની ભાવના વડે સમ્યગ્દર્શનાદિ શુદ્ધતા પ્રગટ કરવી.
ભવ, ભોગ અને તન ત્રણેથી અત્યંત ઉદાસ થઈ અંતરમાં ચૈતન્ય તરફ વળ. મુનિઓની પૂજામાં
આવે છે કે:–
भव भोग तन वैराग्यधार, निहार शिव तप तपत है।
तिहुं जगतनाथ अराध साधु सु पूजनीक गुण जपत है।।
જીવનમાં ઉત્કૃષ્ટ વૈરાગ્યના જે પ્રસંગો હોય, જ્યારે વૈરાગ્યની સીતાર ઝણઝણી ઊઠી હોય. એવા
પ્રસંગની વૈરાગ્ય ધારાને બરાબર જાળવી રાખજે. ફરીફરી તેની ભાવના કરજે. કોઈ મહાન પ્રતિકૂળતા,
અપજશ, વગેરે ઉપદ્રવ પ્રસંગે જાગેલી તારી ઉગ્ર વૈરાગ્ય ભાવનાને અનુકૂળતા વખતે પણ જાળવી
રાખજે. અનુકૂળતામાં વૈરાગ્યને ભૂલી જઈશ નહીં.
ધર્માત્મા પ્રતિકૂળતાથી ઘેરાઈ જતા નથી, પરિણામ બગડવા દેતા નથી, પણ તેવા પ્રસંગે ઉલટી
વૈરાગ્યની ધારા ઉપડે છે. પ્રતિકૂળતામાં આર્તધ્યાન ન કરે, પણ ઊલટું પુરુષાર્થની પ્રબળતા કરીને
વૈરાગ્ય વધારે છે. જેમ જેમ ધર્મીને વેદનાની તીવ્રતા તેમ તેમ તેને વીર્યની વિશેષ સ્ફુરણા જાગે છે.
આવા વૈરાગ્યની તીવ્ર ભાવના વડે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ઉત્તમતા પ્રગટે છે, ને અલ્પકાળમાં
કેવળજ્ઞાન થાય છે.
એવો પ્રસંગ આવી પડ્યો હોય કે જેમાં જીવન મરણનો પણ સંદેહ હોય–એવા પ્રસંગે ધર્માત્માને
વૈરાગ્ય અને આરાધનાનું જોર વધી જાય છે. એવા વૈરાગ્યની ધારાને નિરંતર ટકાવી રાખીને
રત્નત્રયધર્મની શુદ્ધતા પ્રગટ કરજે. આવો ભાવશુદ્ધિનો ઉપદેશ છે. ભાવશુદ્ધિ વગર બાહ્યમાં ત્યાગી
થાય તો પણ બાહ્ય વિષયોમાં લુબ્ધતા તો પડી જ છે. ચૈતન્ય તરફના ચેતના તો છે નહિ એટલે
આહારમાં–ભયમાં–મૈથુનમાં કે પરિગ્રહમાં ક્યાંક ને ક્યાંક પરવિષયમાં પરિણામને રોકે છે. આત્મવશતા
તો છે નહિ, એટલે ઈન્દ્રિય વિષયોને જ વશ વર્તે છે; આવા ભાવે અનાદિકાળથી જીવ સંસારવનમાં
ભ્રમણ કરે છે, માટે અરે જીવ! હવે તો તું તે ભાવ છોડ. જગતનો ભય છોડીને ચૈતન્યને સાધવા માટે
સાવધાન થા. અતીન્દ્રિય ચૈતન્યની સન્મુખતાવડે તીવ્ર વૈરાગ્યભાવના પ્રગટ કરી મૈથુનસંજ્ઞાને કે
પરદ્રવ્યના મમત્વરૂપ પરિગ્રહસંજ્ઞાને તું છેદી નાખ. જે ભાવે ભવવનમાં તું ભમ્યો તે ભાવનું સેવન હવે
છોડ ને ચૈતન્યના સેવનવડે ભાવશુદ્ધિ પ્રગટ કર જગતના માન–પૂજાની દરકાર છોડીને તું તારા
આત્માના સુધારા માટે નીકળ્યો છો ને! તો એવી ભાવશુદ્ધિ પ્રગટ કર કે જેથી તારું ભવભ્રમણ ટળે...
ને મુક્તિ થાય એવો ઉપદેશ છે.