: ૨૪ : આત્મધર્મ: ૨૩૯
શ્રાવણ... માસનાં... સરવણાં
જેમ શ્રાવણ માસની મધુરવર્ષાના સરવણાં સંતપ્ત
પૃથ્વીને તૃપ્ત અને શીતલ કરીને નવીન અંકુરા જગાડે
છે... તેમ ગુરુદેવની વાણીમાં વરસેલા શ્રાવણ માસના
આ મધુર સરવણાં શ્રોતાજનોના સંતપ્તહૃદયમાં
શાંતરસનું સીંચન કરીને તેને તૃપ્તિ અને શીતળતા
પમાડે છે ને ધાર્મિકભાવનાના નવીન અંકુરા જગાડે છે.
આત્મતત્ત્વની આ ગંભીર વાત છે. આત્મતત્ત્વ શું ચીજ છે અને તેનું શું કાર્ય છે, ને ધર્માત્માનું
કેવું કાર્ય હોય–તેની સમજણની ખીલવટ આ કર્તાકર્મઅધિકારમાં આચાર્યદેવે કરી છે.
મિથ્યાત્વ છેદીને ધર્મદ્રષ્ટિ ખીલવવી હોય તેણે, પર મારાં કાર્ય ને હું તેનો કર્તા– એ દ્રષ્ટિ છોડવી,
ને જ્ઞાનાનંદસ્વભાવ હું છું–એવી દ્રષ્ટિ કરવી.
પહેલાં પરનો અને રાગનો આશ્રય માનીને દ્રષ્ટિ ત્યાં રોકાઈ ગઈ હતી–તે મહાન અધર્મ હતો,
હવે સ્વભાવની દ્રષ્ટિ કરીને, અપૂર્વપુરુષાર્થની જાગૃતિ વડે, રાગ અને પરનો આશ્રય છોડયો ને જ્ઞાન
નિજસ્વભાવમાં પરિણમ્યું–તે જ્ઞાનનું અપૂર્વ આચરણ છે; આ ધર્માત્માનું આચરણ છે.
રાજ–પાટ વગેરે છોડીને બહારનો ત્યાગ અનંતવાર કર્યો, આહાર–પાણી પણ અનંતવાર
છોડયા, પણ અંતરમાંથી મિથ્યાત્વ કેમ છૂટે તેની કળા જીવ શીખ્યો નથી. શુભરાગ કરીને એમ
માન્યું કે હું પરનો છોડનાર ને હું આ રાગનો ગ્રહનાર, –ત્યાં પોતાના સ્વભાવધર્મનો ત્યાગ થઈને
મિથ્યાત્વ થાય છે. ભાઈ, તારો ચિદાનંદસ્વભાવ રાગનોય કર્તા નથી, તોપછી પરનું ગ્રહણ–ત્યાગ
તેમાં કેમ હોય?
જેવા મહાવીર પરમાત્મા અહીં બિરાજતા હતા, તેવા સર્વજ્ઞ પરમાત્મા સીમંધર ભગવાન
અત્યારે વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકરપણે બિરાજી રહ્યા છે, દિવ્યધ્વનિ છૂટે છે, તેમાં જે ઉપદેશ આવ્યો
તે ઝીલીને અને જાતે અનુભવીને કુંદકુંદાચાર્યદેવે આ રચના કરી છે. ચૈતન્યસ્વભાવની આ ગંભીર–ઊંડી
વાત છે, તે સમજ્યા વગર આરો આવે તેમ નથી. આ સમજે તો અંતરમાં ‘અમૃત’ એટલે અતીન્દ્રિય
આનંદનો સ્વાદ આવે, ને જન્મ–મરણ ટળીને અમૃતપદ એટલે મોક્ષપદની પ્રાપ્તિ થાય. સાધકધર્માત્માની
જ્ઞાનપરિણતિની સાથે જે રાગ વર્તે છે તે કાંઈ જ્ઞાનનું કાર્ય નથી. રાગનું કર્તૃત્વ અમારું નહિ, અમે તો
જ્ઞાન છીએ–આવું ધર્મીનું પરિણમન છે.