Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૩૧ :
ધ્યાનનો દંભ કરે ને ધ્યાનવંત સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા પ્રત્યે પ્રેમ–વાત્સલ્ય–ભક્તિ ન આવે તો ધ્યાનની
અનુરક્તિ તેને નથી. અરે, દેવ–ગુરુ–ધર્માત્માના અમે દાસાનુદાસ છીએ–એમ જેને વિનય–બહુમાન નથી
તેની વૃત્તિ ધર્મમાં નથી, તેની વૃત્તિ બહાર બીજે ક્યાંક ફરે છે એમ સમજવું. જે દેવ–ગુરુની ભક્તિ
સહિત છે અને સંયમી–સાધર્મીઓ પ્રત્યે અનુરક્ત છે તે જ સમ્યક્ત્વનો ઉદ્વહક છે એટલે કે
સમ્યક્ત્વની આરાધના સહિત છે, અને તે જ ધ્યાનરકત હોય છે. જેને દેવ–ગુરુ પ્રત્યે ભક્તિ કે સાધર્મી
પ્રત્યે અનુરક્તિ નથી તેને સમ્યગ્દર્શન કે ધ્યાન હોતું નથી, એનું ધ્યાન તે તો કલ્પના તરંગ છે.
ધ્યાન સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. સમ્યગ્દર્શન સહિત જ્ઞાની અંતર્મુહૂર્તમાત્રમાં જે કર્મો ખપાવશે તે
અજ્ઞાની ઉગ્ર તપ વડે પણ ખપાવી શકતો નથી. અજ્ઞાનીના ઉગ્ર તપ કરતાં પણ સમ્યગ્જ્ઞાનનું મહાન
સામર્થ્ય છે. જ્ઞાની અંતરમાં ચૈતન્ય ઉપર મીટ માંડીને એક ક્ષણમાં અનંતા કર્મોને ખપાવી નાખશે.
અજ્ઞાની ઘોર તપના કષ્ટ સહન કરીને ભણા ભવોમાં જે કર્મ ખપાવશે, તે કર્મો ચૈતન્યની આરાધના
વડે જ્ઞાની–ધર્માત્માના તપ વગર પણ ક્ષણમાત્રમાં ખપાવી નાખશે... આવું સમ્યગ્જ્ઞાનનું પરમ સામર્થ્ય
છે. માટે સમ્યગ્દર્શન–જ્ઞાન સહિત ચારિત્રની આરાધનાનો ઉપદેશ છે.
આ... રા... ધ... ના...
* રત્નત્રયની આરાધનામાં સ્વદ્રવ્યનું જ સેવન છે, પરદ્રવ્યનું સેવન નથી.
આવા રત્નત્રયને જે જીવ આરાધે છે તે આરાધક છે. અને એવા આરાધક જીવ
રત્નત્રયની આરાધનાવડે કેવળજ્ઞાન પામે છે, એ વાત જિનમાર્ગમાં પ્રસિદ્ધ છે.
રત્નત્રયની આરાધના પરના પરિહારપૂર્વક આત્માના ધ્યાનથી થાય છે.
* સમ્યગ્દર્શનથી જે શુદ્ધ છે તે શુદ્ધ છે.
સમ્યગ્દર્શનનો આરાધકજીવ અલ્પકાળે સિદ્ધિ પામે છે.
સમ્યગ્દર્શન વગરનો જીવ ઈષ્ટ સિદ્ધિને પામતો નથી.
આ રીતે મોક્ષની સિદ્ધિ માટે સમ્યગ્દર્શનની આરાધના પ્રધાન છે.
*જિનવર ભગવાને ગણધરાદિ શિષ્ય જનોને ઉપદેશમાં એમ કહ્યું છે કે હે
ભવ્ય જીવો! ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વગર કોઈ ધર્મ હોતો નથી.
જગતમાં પ્રસિદ્ધ છે કે જે વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તેની પ્રીતિ–રુચિ–ઓળખાણ કરે
છે, તેમ મોક્ષની પ્રાપ્તિ માટે પહેલાં તેની પ્રતીતિ–રુચિ–ઓળખાણ કરવી જોઈએ.
મોક્ષ કહો કે શુદ્ધઆત્મા કહો, તેની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે.
* સમ્યગ્દર્શન પ્રયત્ન માટે અંતરમાં રાત–દિન એક જ ધોલન અને મંથન
કરી કરીને અંદર સ્વરૂપનો નિર્ણય કરે; પોતાનું કાર્ય સાધવા માટે પરમ ઉત્સાહથી,
ગાઢ રંગથી દિનરાત તે માટે મંથન કરીને નિર્ણય કરે. નિર્ણયનું જોર દ્રષ્ટિને અંતર્મુખ
કરે છે.
* હે જીવ! સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રની આરાધના પણ થઈ શકે તો તો તે
ઉત્તમ જ છે, તે તો સાક્ષાત્ મોક્ષનું કારણ છે અને જો એવું ચારિત્ર આરાધવાની
તારી શક્તિ અત્યારે ન હોય તો, યથાર્થ માર્ગની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનની આરાધના
તો તું અવશ્ય કરજે.