Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૩૩ :
યોગ્ય જ છે, –કેમકે ઊંધી શ્રદ્ધરૂપ ઝેર સહિત છે. જેમ ઉત્કૃષ્ટ મણિ સહિત સર્પ છે તે લોકમાં વિઘ્ન
કરનાર જ છે, તેમ વિપરીત તત્ત્વની પ્રરૂપણા કરનારો વક્તા પણ અહિત કરનારો જ છે. ઊંધી શ્રદ્ધા
સહિતનું જાણપણું કે વ્યવહાર આચરણ–તે કિંચિત્ હિતકારી નથી. ઊંધા માર્ગનું પોષણ કરવા જેવું
મહાપાપ બીજું કોઈ નથી.
વળી વક્તા નિસ્પૃહ હોય, તેને ઉપદેશદ્વારા લૌકિક કાર્ય સાધવાની ઈચ્છા ન હોય; માનનો કામી
ન હોય, અભિનંદનપત્ર લેવાનો કામી ન હોય, તેમજ ફંડફાળા કરાવવાનો ઈચ્છુક ન હોય, લોભી
વક્તા લોભવશ થઈને યથાર્થતત્ત્વનો ઉપદેશ આપી શકે નહિ; માનનો અર્થી જીવ માન ખાતર સભાને
રીઝવવા માટે વીપરીતતત્ત્વનો ઉપદેશ આપી દ્યે; જેને શ્રોતા પાસેથી કાંઈ લેવાની આશા હોય–તે તો
શ્રોતાને આધીન થઈ જાય, ને પોતાનું માન–લોભ વગેરે પ્રયોજન સાધવા તત્ત્વથી વિપરીત પ્રરૂપણા
પણ કરી નાંખે. માટે વક્તા નિસ્પૃહ હોય. તેમજ તે તીવ્ર ક્રોધી કે માની ન હોય. જો ક્રોધી–માની હોય
તો તો લોકમાં જૈનધર્મની નિંદા થાય કે જુઓ, આ જૈનધર્મના ઉપદેશક! અને શ્રોતાઓ પણ એવા
ઉપદેશકથી ભયભીત રહ્યા કરે.
વળી વક્તા એવા હોય કે પોતાની મેળે નવા નવા પ્રશ્ન ઉપજાવી તેનું સમાધાન કરીને
શ્રોતાઓને સમજાવે, મિષ્ટવચનદ્વારા શ્રોતાનો સંદેહ દૂર કરે. વળી જે સંદેહનું સમાધાન પોતાનાથી ન
બની શકે તો સરળતાથી કહે કે મને એ વાતનું જ્ઞાન નથી માટે વિશેષજ્ઞાનીને પૂછીને હું જણાવીશ. પણ
પોતાનું અજાણપણું છુપાવવા ગમે તેમ જવાબ ન આપી દે. પોતાને ન આવડે તો કહે કે વિશેષજ્ઞાની
પાસેથી સમાધાન મેળવીને કહીશ; અથવા તો યોગ્ય અવસરે તમને વિશેષજ્ઞાની મળે તો તેને પૂછીને
સંદેહ દૂર કરશો ને મને પણ તે જણાવશો. અભિમાનપૂર્વક ગમે તેમ વિપરીત પ્રરૂપણા કરી નાંખે તો તો
શ્રોતાનું અહિત થાય ને વળી જૈનધર્મની પણ નિંદા થાય; સંદેહ પણ દૂર ન થાય. વક્તા ગમે તેવો
ઉપદેશ આપી દે ને શાસ્ત્રાનુસાર યોગ્ય સમાધાન ન કરે તો જૈનધર્મની પ્રભાવના પણ કેમ થાય? વળી
જૈનધર્મના ઉપદેશકમાં લોકનિંદ્ય કાર્યોની પ્રવૃત્તિ ન હોય; લોકોમાં જે કાર્યની નિંદા થાય, રાજ તરફથી
દંડ થાય–એવી પ્રવૃત્તિ કરે ને ધર્મનો ઉપદેશ આપવા બેસે–તો તો ધર્મની નિંદા જ થાય; ને તેના વચનને
માને પણ કોણ? લોકો હાસ્ય મશ્કરી કરે કે જુઓ આ જૈનધર્મના ઉપદેશક? માટે જૈનધર્મના
ઉપદેશકની પ્રવૃત્તિ પણ લોકમાં શોભે તેવી હોય, બધા પડખેથી સરખું હોય. વળી હીનકુળવાળો ન હોય,
અંગહીન ન હોય, સ્વરભંગવાળો ન હોય, મિષ્ટવચની અને પ્રભુતાયુક્ત હોય, ને લોકોમાં જે માન્ય
હોય, એવા ધર્માત્માઓ જ જૈનધર્મના વક્તા હોઈ શકે. જે બુદ્ધિમાન હોય, શાસ્ત્રનું રહસ્ય જાણતો હોય,
લોકની મર્યાદાનો જેને વિવેક હોય, આશા જેની અસ્ત થઈ ગઈ હોય, –લૌકિક પ્રયોજનની અપેક્ષાવાળો
ન હોય, પુણ્યવંત હોય, પરિણામમાં ઉપશમવંત હોય, પ્રશ્ન થતા પહેલાં જ તેના ઉત્તરને જાણતો હોય,
પ્રશ્નોની ઝડી વરસે તો પણ સહન કરીને તેનું સમાધાન કરી શકે એવો હોય, પ્રશ્ન આવે ત્યાં ગભરાઈ
જાય તો તે નિઃશંક પ્રતિપાદન કરી શકે નહિ; વળી પ્રભુતાયુક્ત હોય, તેમજ પોતાની કે પરની નિંદાથી
રહિત હોય, લોકમાં જેની નિંદા થતી હોય તેને વક્તાપણું શોભે નહિ, તેમજ વક્તા થઈને બીજાની નિંદા
કર્યા કરે તોપણ વક્તાપણું શોભે નહિ; જ્ઞાન–વૈરાગ્ય વિનય વગેરે અનેક ગુણોથી સંયુક્ત હોય, જેનાં
વચન મધુર અને સ્પષ્ટ હોય, – એવા ધર્માત્મા સભામાં ધર્મકથા એટલે કે અધ્યાત્મરસમય જૈનધર્મનો
ઉપદેશ કરે.