: ૩૬ : આત્મધર્મ: ૨૩૯
સ્વતંત્ર
વસ્તુસ્વભાવની
ઘોષણા
પરમાણુ કે પરમાત્મા, અજ્ઞાની સૌ પોતપોતાના નિજભાવમાં
પોતાના સ્વભાવથી અનાદિ અનંત વર્તી રહયા છે. અરે જીવ! જગતથી
ભિન્ન તારા સ્વભાવને એકવાર લક્ષમાં તો લે. તો તારી પરિણતિ
અંતરમાં વાળતાં તને તારા પરમ અતીન્દ્રિય આનંદનું વેદન થશે. જુઓ,
આ સમ્યગ્દર્શનની રીત! ઓહો, અંતરના વસ્તુસ્વભાવને જ્યાં
સમ્યગ્દર્શન વડે પ્રતીતમાં લીધો ત્યાં અપૂર્વ ધર્મ શરૂ થયો. આજે આઠ
કુમારી બહેનો બ્રહ્મચર્ય અંગીકાર કરે છે તે પ્રસંગે આ ઉત્તમ ગાથા
આવી છે.
[ભાદરવા સુદ એકમના રોજ આઠ કુમારિકા બહેનોએ
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી તે પ્રસંગ સમયસાર ગા. ૧૦૩ ઉપર
સ્વતંત્ર વસ્તુસ્વભાવની ઘોષણા કરીને સ્વસન્મુખ થવા પ્રેરતું પૂ.
ગુરુદેવનું પ્રવચન]
આ સમયસારશાસ્ત્ર વંચાય છે, તેમાં આ ૧૦૩મી ગાથા ઘણી ઊંચી છે. આ દેહથી ભિન્ન
ચૈતન્યતત્ત્વ અંતરમાં છે, તે ચૈતન્યશક્તિમાં સર્વજ્ઞપદ ને પૂર્ણાનંદ સ્વભાવ ભર્યો છે. તેનું ભાન કરીને
સમ્યગ્દર્શન પ્રગટ કરવું–તે પ્રથમ ધર્મ છે; ને પછી તેના અનુભવમાં લીન થતાં પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ
ખીલી જાય તેનું નામ અરિહંતપદ છે. આવી ઓળખાણ સહિત ‘નમો અરિહંતાણ’ કરે તો સાચા
નમસ્કાર કહેવાય.
અનાદિથી આત્મા પોતાના સ્વરૂપને ભૂલ્યો છે. જેવા ભગવાન અર્હંત પરમાત્મા છે તેવું પોતાનું
સ્વરૂપ છે. ભગવાનની દિવ્યધ્વનિમાં એમ આવ્યું હતું કે અરે આત્માઓ! તમારો સ્વભાવ અમારા
જેવો જ છે, ને જે મોહ–રાગાદિ ભાવો છે તે આત્માના ‘અરિ’ એટલે દુશ્મન છે. સમ્યગ્દર્શન જ્ઞાન
ચારિત્ર વડે તે અરિનો નાશ કરીને આત્મા અરિહંત થાય છે, આવા અરિહંત પરમાત્મા અત્યારે
મહાવિદેહક્ષેત્રમાં બિરાજી રહ્યા છે... સમવસરણમાં ગણધરાદિ સંતોના ટોળા બિરાજે છે ને દિવ્યધ્વનિના
ધોધ છૂટે છે. તેમાંથી ઝીલીને કુંદકુંદાચાર્યદેવે આ સમયસારાદિ શાસ્ત્રો રચ્યાં છે. તેમાં કહે છે કે –આત્મા
અને પુદ્ગલ ભિન્નભિન્ન છે; બંનેના ભાવો ભિન્ન છે; કોઈના ભાવને બીજો કરી શકતો નથી. કેમકે–
જે દ્રવ્ય જે ગુણ–દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્યે સંક્રમે;
અણુસંક્રમ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? (૧૦૩)