: ૪૨ : આત્મધર્મ: ૨૩૯
રમણ કરવા લાગે છે અને છેવટે તેમાં લીન થઈને–એકતાન થઈ જાય છે તેમ વિષયાંધ કામીપુરુષ
વિષયોમાં લીન થઈ જાય છે.
(૪) સાધુઓને તો પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં સમરસ–એકતાન થતાં સાક્ષાત્ અતીન્દ્રિય
આત્મિક સુખનો અનુભવ થાય છે; અને કામાંધ પુરુષ વિષયમાં લીન થઈને માત્ર મિથ્યાકલ્પનાથી
પોતાને સુખી માને છે.
એ રીતે મુમુક્ષુ ભવ્ય જીવો તો આત્માના સ્વભાવનો વિશ્વાસ, તેનો પ્રેમ, તેનો પરિચય અને તેમાં
લીનતા કરીને આત્મિકસુખનો અનુભવ કરતા થકા અલ્પકાળે મુક્તિ પામે છે. અને વિષયોમાં સુખ
માનનાર કામાંધ જીવ વિષયોમાંજ લીનતા કરીને દુઃખ ભોગવતો થકો અનંતાનંત સંસારમાં રખડે છે.
× × × ×
માટે હે ભવ્ય જીવો! શ્રીગુરુ–ઉપદેશથી આત્મસ્વરૂપનો વિશ્વાસ કરીને તેમાં જ લીનતાનો
પ્રયત્નકરો... વિષયોમાં સ્વપ્ને પણ સુખની કલ્પના ન કરો. યોગીજનો આત્મસ્વરૂપમાં લીનતાના
આનંદનો અનુભવ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
જેમ પરમાણુમાં જો એક ગુણ લૂખાશ–ચીકાશ હોય તો તે બંધાતો નથી, તેમ જે સંયમીનું મન
‘એક ગુણમાં’ જ એટલે કે સમ્યગ્દર્શનાદિ ઉત્કૃષ્ટ ગુણોમાં જ અર્થાત્ એકત્વસ્વરૂપ આત્મામાં જ લાગેલું
છે તેઓ બંધાતા નથી. પરંતુ, જેમ પરમાણુ એકગુણ છોડીને અધિકગુણ ચીકાશ લૂખાશરૂપે પરિણમે તો
તે બંધાય છે, તેમ સંયમી જીવ પણ જો પોતાના એકત્વરૂપ શુદ્ધાત્માને છોડીને બીજા વિષયોમાં પ્રવૃત્તિ
કરે તો તે બંધાય છે. આથી મુમુક્ષુઓ સ્ત્રી–શરીર આદિના સંબંધથી વિરક્ત થઈને પોતાના એકાકી
શુદ્ધાત્મસ્વરૂપમાં જ રહેવા ચાહે છે. (સર્વે પર વિષયોથી વિરક્ત થઈને પોતાના એકત્વસ્વરૂપમાં સ્થિત
રહેવું તે બ્રહ્મચર્ય છે. અને એકત્વ આત્મસ્વરૂપને છોડીને પર વિષયોમાં પરિણતિને ભમાવવી તે
અબ્રહ્મચર્ય છે.)
જેમ સાકરકોળાની ગંધમાત્રથી જ સ્વાદિષ્ટ અને શુદ્ધ લોટ પણ નીરસ અને ખરાબ થઈ જાય છે
તેમ સ્ત્રીસંપર્કના વિકલ્પમાત્રથી સંયમી પુરુષના આત્મઅનુભવનો શુદ્ધ સ્વાદ–આનંદ તથા વીતરાગતા
ક્ષણમાત્રમાં બગડી જાય છે. તેથી સંયમી પુરુષોએ આત્મઅનુભવમાં લીન રહીને સ્ત્રીઓનો સંસર્ગ
એવી રીતે દૂરથી જ છોડી દેવો જોઈએ કે તેની ગંધ પણ ન આવે. એમ કરવાથી જ તેનું મોક્ષરૂપી
પ્રયોજન સિદ્ધ થાય છે.
જો સ્ત્રીના શરીર તરફ નજર પડતાં જ અન્ય વિકલ્પ ઊઠતાં પહેલાં જ જે મુમુક્ષુ આત્માનું
તત્ત્વજ્ઞાન ઝટિતિ જાગૃત થઈ જાય છે અને અશુચિમય શરીરના વાસ્તવિક સ્વરૂપને લક્ષમાં લ્યે છે, તો
કહેવું જોઈએ કે–તે મુમુક્ષુઆત્માએ મોહના ગળા ઉપર પગ દઈ દીધો, પાટુ મારીને ચારિત્રમોહકર્મનો
તિરસ્કાર કરી દીધો, અને વિજય મેળવી લીધો.
અહીં કહ્યો છે કે જે જીવને શરીર અને આત્માના ભેદજ્ઞાનરૂપ તત્ત્વજ્ઞાન સદાય જાગૃત છેઅને
દરેક પ્રસંગે તત્ત્વજ્ઞાનથી જ કામ લઈને વસ્તુસ્વરૂપ વિચારે છે તે જીવને કદી સ્ત્રીના શરીર વગેરેમાં
સુખબુદ્ધિ થતી નથી અને તે જ યથાર્થ બ્રહ્મચર્ય પાળી શકે છે અને મોહને જીતીને પોતાના ઈષ્ટપદની
સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એટલે એમ સિદ્ધ થયું કે બ્રહ્મચર્ય વગેરેનું મૂળ કારણ તત્ત્વજ્ઞાન જ છે.