Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 58 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૪૯ :
આત્મ – આરાધનાનો
(હે જીવ! તું આત્મ–આરાધનામાં તત્પર થા.)


નિયમસાર ગા. ૧પ૮માં આચાર્યદેવ કહે છે કે: સ્વયંબુદ્ધ એવા તીર્થંકરો અથવા તો બોધિતબુદ્ધ
એવા બીજા ધર્માત્માપુરુષો, અપ્રમત્ત મુનિદશાથી માંડીને કેવળજ્ઞાન સુધીના ગુણસ્થાનોની પંક્તિમાં
આરૂઢ થયા થકા કેવળજ્ઞાન પામ્યા, તે કઈ રીતે પામ્યા? –કે આત્મ–આરાધનાના પ્રસાદથી તેઓ
કેવળજ્ઞાન પામ્યા. સ્વાત્માશ્રિત ધ્યાન વડે સ્વકાર્યને સાધવામાં પરાયણ થઈને તેઓએ આત્માની
આરાધના કરી અને એ આત્મ–આરાધનાના પ્રસાદથી જ તેઓ કેવળજ્ઞાનધારી થયા. કોઈ રાગના
પ્રસાદથી કેવળજ્ઞાન થયું–એમ નથી. સર્વે પુરાણ પુરુષો, એટલે કે પૂર્વે જે કોઈ ધર્માત્માપુરુષો મોક્ષગામી
થયા છે તે સર્વે, આત્માની નિશ્ચય આરાધના કરી તેના પ્રસાદથી જ મોક્ષગામી થયા છે. આમ અનંતા
તીર્થંકરો વગેરેનો દાખલો આપીને આચાર્યદેવ કહે છે કે મોક્ષ માટેનો આ એક જ માર્ગ છે કે સ્વાત્માના
આશ્રયે આત્માની નિશ્ચય આરાધના કરવી. જુઓ, આ મુમુક્ષુનું મોક્ષ માટેનું આવશ્યક કાર્ય નથી, તેના
પ્રસાદથી મુનિદશા કે કેવળજ્ઞાન થતું નથી.
અહીં ઉત્કૃષ્ટ વાત લેવી છે તેથી અપ્રમત્ત મુનિદશાથી માંડીને કેવળજ્ઞાનની વાત લીધી છે; તેની
નીચેની ચોથા–પાંચમા–છઠ્ઠા ગુણસ્થાનની સમ્યગ્દર્શનાદિ દશા પણ આત્મઆરાધનાના પ્રસાદથી પ્રાપ્ત
થાય છે, કાંઈ રાગના પ્રસાદથી સમ્યગ્દર્શનાદિ થતું નથી. દેવ–ગુરુની ભક્તિ–બહુમાનનો ભાવ ત્યાં હોય
છે ખરો, અને “દેવ–ગુરુના પ્રસાદથી જ અમને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થઈ” એમ પણ ધર્માત્મા
વિનયથી કહે છે. –પણ દેવ–ગુરુએ શું કહ્યું હતું? દેવ–ગુરુએ તો એમ કહ્યું હતું કે તું અંતર્મુખ થઈને
તારા આત્માની આરાધના કર; તારા સ્વાત્માના આશ્રયે જ તારા સમ્યગ્દર્શનાદિ થાય છે. – શ્રી દેવ–
ગુરુનો આવો ઉપદેશ પાત્રતાપૂર્વક પોતે ઝીલીને તે ઉપદેશ અનુસાર સ્વાત્માની આરાધના કરી ત્યારે તે
આરાધનાના પ્રસાદથી સમ્યગ્દર્શનાદિ થયું, અને ત્યારે ઉપાચારથી એમ કહ્યું કે શ્રી દેવ–ગુરુના પ્રસાદથી
જ સમ્યગ્દર્શન થયું. શ્રી ગુરુએ કહ્યું તે પ્રમાણે પોતે આરાધના કરી ત્યારે શ્રી ગુરુનો પ્રસાદ મળ્‌યો એમ
કહેવાયું. પણ જે જીવ પોતે અંતર્મુખ થઈને આત્મઆરાધના ન કરે ને રાગથી લાભ માનીને તેના જ
અવલંબનમાં અટકી રહે તેને તો રાગના પ્રસાદથી સંસારભ્રમણ થાય છે, તેને શ્રી ગુરુનો પ્રસાદ મળ્‌યો–
એમ ઉપચારથી પણ કહેવાતું નથી.
અહીં તો ક્યું આવશ્યક કાર્ય કરવાથી મોક્ષ થાય તેની વાત છે. નિશ્ચયસ્વભાવનો આશ્રય કરીને
આત્માની આરાધના કરવી તે જ પરમ આવશ્યક છે; તે આત્મઆરાધનાના પ્રસાદથી જ સમ્યગ્દર્શન
થાય છે, તે આત્મઆરાધનાના પ્રસાદથી જ પંચમ–ગુણસ્થાન પ્રગટે છે, તે આત્મઆરાધનાના પ્રસાદથી
મુનિદશા થાય છે, તે આત્માઆરાધનાના પ્રસાદથી જ શ્રેણી માંડીને કેવળજ્ઞાન થાય છે; માટે તું પણ
એવી આત્મઆરાધનામાં તત્પર થા, એવો ઉપદેશ છે. અનંતા તીર્થંકરો અને સંતો આવી આત્મ–
આરાધના કરી કરીને તેના પ્રસાદથી જ સિદ્ધપદ પામ્યા... તેમને નમસ્કાર હો!