આ અતિ દીર્ધ ઉત્પાતમય સંસારમાં ભગવાન જિનેશ્વરદેવનો ઉપદેશ મહાન ભાગ્યથી મળે છે,
તે ઉપદેશ તીક્ષ્ણ અસિધારા સમાન છે. મહા ભાગ્યથી જિનોપદેશ પામીને શું કરવું? કે પુરુષાર્થ કરવો...
ભગવાનનો ઉપદેશ સ્વસન્મુખ પુરુષાર્થનો છે. જેમ શૂરવીરપુરુષ તીક્ષ્ણ તલવાર વડે દુશ્મનને
ક્ષણમાત્રમાં છેદી નાખે છે, તેમ ભગવાનના ઉપદેશરૂપ તીક્ષ્ણ ધારવાળી તલવાર પામીને શૂરવીર એવો
મુમુક્ષુજીવ અંતર્મુખ પુરુષાર્થવડે મોહાદિ શત્રુને ક્ષણમાત્રમાં છેદી નાંખે છે. ભગવાનનો માર્ગ પુરુષાર્થનો
છે, તેમાં કાયરનું કામ નથી. ‘અરેરે, શું કરીએ? કર્મનું જોર છે’ – એમ કહીને ઊભો રહે એવા કાયર
જીવનું ભગવાનના માર્ગમાં કામ નથી. અરે જીવ! ભગવાનના ઉપદેશરૂપ તીક્ષ્ણ તલવાર તને મહા
ભાગ્યથી મળી, હવે સ્વાશ્રયના પુરુષાર્થવડે મોહને છેદી નાંખ... અંતર્મુખ થઈને જ્યાં શુદ્ધોપયોગરૂપ
તલવાર ઝીંકી ત્યાં મોહના કટકા થઈ જાય છે... એક ઘા ને બે કટકા! ‘મારે તેની તલવાર’ એટલે
તલવાર લટકતી હોય પણ તે વાપરનારના હાથમાં જોર જોઈએ; તેમ ભગવાનનો ઉપદેશ તો મળ્યો,
પણ તે ઉપદેશ ઝીલીને અંતરમાં સ્વાશ્રયનો પુરુષાર્થ કરવો તે મુમુક્ષુનું કામ છે, જે જીવ પુરુષાર્થ કરે છે
તેનો મોહ જરૂર છેદાય છે. ભગવાનનો ઉપદેશ સ્વસન્મુખ પુરુષાર્થનો છે, અને મોહને છેદી નાખવા
માટે તે તીક્ષ્ણ અસિધારા સમાન છે. ‘અમે સ્વસન્મુખ થઈને મોહનો નાશ કરીને સર્વજ્ઞ થયા, ને તમે
પણ સ્વસન્મુખ પ્રયત્ન વડે મોહનો નાશ કરો’ – આવો ઉપદેશ ભગવાને આપ્યો; આવા ઉપદેશરૂપી
તીક્ષ્ણ તલવાર પામીને જે જીવ અંતર્મુખઉપયોગનો અતિ ઉગ્ર પ્રયત્ન કરે છે તેને જ મોહનો છેદ થાય છે
ને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. માટે સન્તો કહે છે કે હે ભવ્ય જીવો! હે પુરુષાર્થવંત આત્માર્થી જીવો! મહા
ભાગ્યે જિનભગવંતોનો આવો તીક્ષ્ણ અસિધારા સમાન સ્વાશ્રિતમાર્ગનો ઉપદેશ પામીને હવે મોહને
છેદવા માટે અત્યંત ઉગ્રપણે અંતર્મુખ પ્રયત્ન કરો.
(પ્રવચનસાર ગા. ૮૮ ના પ્રવચનમાંથી)
‘એક ઘા... ને... બે કટકા.’ ‘મારે એની તલવાર.’