Atmadharma magazine - Ank 240
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 25

background image
: ૮ : આત્મધર્મ: ૨૪૦
અહો, આ મનુષ્યભવ પામીને આ જ કરવા જેવું છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે સમ્યક્
આચરણ તે જ મોક્ષનું કારણ છે, માટે તે જ કર્તવ્ય છે, એનાથી વિરુદ્ધ આચરણ કર્તવ્ય નથી. ચૈતન્યનું
જેમાં પ્રકાશન હોય એવો ચૈતન્યભાવ તે જ ચૈતન્યનું આચરણ છે, રાગમાં ચૈતન્યનું પ્રકાશન નથી, તે
રાગ ખરેખર ચૈતન્યનું આચરણ નથી. જ્ઞાની પોતાના ચૈતન્યભાવને રાગથી જુદો જ અનુભવે છે.
અહા, સંતોએ પોતાના અનુભવને આગમમાં ઊતાર્યો છે. અલ્પકાળમાં કેવળજ્ઞાન લેનારા સંતોએ
કેવળી જેવા કામ કર્યા છે. અંદરની દ્રષ્ટિ અને અનુભવની તો ઘણી જ નિર્મળતા, અને તે ઉપરાંત એ
અનુભવને શાસ્ત્રમાં ઉતરાવાની અગાધ ક્ષયોપશમ શક્તિ! એકદમ સ્પષ્ટ વસ્તુસ્થિતિ સ્વાનુભવથી,
યુક્તિથી ને આગમથી બતાવી દીધી છે.
આચાર્યદેવ કહે છે કે અંદરના સ્વસંવેદનમાં જે ચૈતન્યપણે અત્યંત ચકચકાટ પ્રકાશી રહ્યો
છે તે જ જીવ છે. ચૈતન્યલક્ષણવડે તે જીવ રાગથી ને દેહથી ભિન્નપણે અત્યંત સ્પષ્ટ પ્રકાશી રહયો
છે. અહો જીવો! તમે તેનું જ અવલંબન કરીને શુદ્ધ જીવને અનુભવો. રાગના અવલંબનવડે કે
ઈંદ્રિયોના આલંબન વડે શુદ્ધ જીવ અનુભવમાં આવતો નથી, ચૈતન્યલક્ષણના અવલંબન વડે જ
શુદ્ધ જીવ અનુભવમાં આવે છે. આમ કરવાથી જ શુદ્ધ જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થાય છે.
શુદ્ધ જીવતત્ત્વને જાણ્યા વિના ભગવાન અર્હંતની ભક્તિ કરે, કે નવતત્ત્વોના ભેદને જાણે
કે શાસ્ત્રો ભણે તો તેનું ફળ પુણ્ય અને સ્વર્ગનો કલેશ છે, તેમાં આત્માની શાંતિ મળતી નથી.
ભગવાનની ભક્તિ વગેરે ભાવો સમકિતીનેય હોય, પણ તેની દ્રષ્ટિ અને રુચિ શુદ્ધ ચૈતન્યતત્ત્વ
ઉપર છે; ભક્તિનો જે રાગ થયો તે રાગમય જીવ છે–એમ જ્ઞાની માનતા નથી, પણ તે રાગથી
ભિન્ન જ્ઞાનમય જીવ છે–એમ જ્ઞાની અનુભવે છે. અંદરના વીતરાગી ચિદાનંદસ્વભાવનો ઉત્કૃષ્ટ
મહિમા ન આવે ને વચ્ચે ક્યાંય શુભરાગ વગેરેનો મહિમા આવી જાય–તો તે જીવ આત્માને
રાગમય માનનારો છે, રાગથી જુદા ચૈતન્યસ્વભાવને તે જાણતો નથી. તેને ઓળખાવે છે કે
ભાઈ! આત્મા તો ચૈતન્યલક્ષણમય છે. રાગ કાંઈ તેનું લક્ષણ નથી. ચૈતન્યલક્ષણદ્વારા આત્મા
રાગથી જુદો લક્ષિત થાય છે. માટે ચૈતન્ય અને રાગને જુદા જાણીને, ચૈતન્યનું જ અવલંબન
કરો ને રાગનું અવલંબન છોડો.
અહા, આવા સ્પષ્ટ ચૈતન્યલક્ષણવડે આત્માને સર્વે અજીવથી જુદો બતાવ્યો રાગથી પણ
જુદો બતાવ્યો, આમ સ્પષ્ટ વહેંચણી કરીને શુદ્ધઆત્મા જુદો બતાવ્યો, તેના વિલાસને જ્ઞાનીઓ
અનુભવે છે. આવું સ્પષ્ટ ભેદજ્ઞાન સમજાવવા છતાં અજ્ઞાનીઓને સ્વ–પરની એકતાબુદ્ધિરૂપ તીવ્ર
મોહ કેમ નાચે છે! જો ચૈતન્યલક્ષણ વડે જીવને ઓળખે તો એવો મોહ રહે નહિ. અજ્ઞાની મોહથી
અન્યથા માને તો પણ જીવ તો શુદ્ધજ્ઞાનમય જ છે, તે કાંઈ અન્યથા થતો નથી. માટે હે ભવ્ય
જીવો! તમે મોહને દુર કરીને, ચૈતન્યલક્ષણદ્વારા શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ કરો.