Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૧૧ઃ
ઇન્દ્રિયોથી ને શરીરથી અત્યંત ભિન્નપણું ખરેખર ક્યારે જાણ્યું કહેવાય!–કે
ઉપયોગને ઇન્દ્રિયોથી પાછો વાળીને અતીન્દ્રિયસ્વભાવમાં લઈ જાય ત્યારે. પણ ‘હું
ઇન્દ્રિયોથી જાણનાર છું’ એમ જે માને તેણે ખરેખર આત્માને ઇન્દ્રિયોથી જુદો જાણ્યો જ
નથી. દેહાદિથી અત્યંત ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રાપ્તિ જ્યાંસુધી ન થાય
ત્યાંસુધી જીવને સુખ–શાંતિની પ્રાપ્તિ ન થાય. આત્મપ્રાપ્તિ વગર ભલે મોટો ધનવાન હો
કે નિર્ધન હો, રાજા હો કે ત્યાગી હો, તે બધાય જીવો એકલા દુઃખી જ છે.
આત્મા કેવો છે?–જ્ઞાયક છે, જાણનાર છે; ને ઇન્દ્રિયો તો જડ છે, તે જડ
ઇન્દ્રિયોવડે જ્ઞાયકતત્ત્વની પ્રાપ્તિ કેમ થાય?–ન જ થાય. જ્ઞાયક પોતે જ જાણનાર છે. તે
જાણનારો કાંઈ ઇન્દ્રિયો વડે જાણતો નથી. તેના મતિ–શ્રુતજ્ઞાન પણ
અતીન્દ્રિયસ્વભાવના આશ્રયે જ કામ કરે છે. ચૈતન્યની જાત ચૈતન્યના અવલંબને
પ્રગટે, પણ જડના અવલંબને ચૈતન્યજાત પ્રગટે નહીં.
કુંદકુંદાચાર્યદેવ આદેશ કરીને કહે છે કે ‘जाण अलिंगग्गहणं’–એટલે હે શિષ્ય!
આવા અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપી આત્માને તું જાણ!–આચાર્યદેવે આત્માને જાણવાનો
આદેશ કર્યો તે એમ બતાવે છે કે તે આદેશ ઝીલનારા પણ છે. ચૈતન્યસ્વભાવ તરફ
ઝૂકાવ કેમ કરવો, તેની પ્રાપ્તિ કરીને જન્મ–મરણનો ફેરો કેમ ટાળવો, તેની રીત
આચાર્યદેવ બતાવે છે.
ચૈતન્યને ચૂકીને એકલા પરના અવલંબને જે જ્ઞાન જાણે તે ખરેખર આત્મા
નથી, તેણે આત્મા સાથે એકતા કરી નથી. ઇન્દ્રિયો સાથેનો સંબંધ તોડીને, અંતર્મુખ
થઈને આત્મા સાથે એકતા કરીને જે જાણે એવું અતીન્દ્રિયજ્ઞાન તે જ ખરેખર
આત્મા છે.
અહા, મારો આત્મા અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ છે. આમ જે ખરેખર જાણે તેને
ઇન્દ્રિયજ્ઞાનના બહારના જાણપણાના કે શાસ્ત્રની ધારણાના અભિમાન ઊડી જાય.
ઇન્દ્રિયજ્ઞાન કે શાસ્ત્રના જાણપણામાં જ મહત્તા માનીને ત્યાં જે અટકી જાય તે
અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપી આત્માને ક્યાંથી જાણશે? તેણે તો ઇન્દ્રિયજ્ઞાનને જ આત્મા
માની લીધો છે. ચૈતન્યની ‘અગાધગતિ’ છે, એટલે પુણ્ય–પાપથી કે મન ઇન્દ્રિયોથી
પાર એવું અગાધ અતીન્દ્રિયસ્વરૂપ છે. શુભાશુભની ગતિ તો ચૈતન્યથી બહાર છે અને
તેનું ફળ ચાર ગતિ છે. અંતરના ચૈતન્યની ગતિ એનાથી ન્યારી છે. ચૈતન્યથી બહાર
નીકળીને જે કોઈ ભાવ થાય તેનાથી કદાચ પુણ્ય બંધાય, તોપણ તેનાથી જન્મમરણનો
ફેરો મળે, જન્મમરણનો ફેરો ટળે નહિ.