Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૧૯ઃ
દ્રવ્ય ત્રિકાળ મંગળરૂપ છે. જે જીવ કેવળજ્ઞાન પામનાર છે તેનું દ્રવ્ય ત્રિકાળ મંગળરૂપ છે.
ભગવાનનો આત્મા ત્રિકાળ મંગળરૂપ છે; તેનું દ્રવ્ય તો ત્રિકાળ મંગળરૂપ છે,
જ્યાંથી મોક્ષ પામ્યા તે ક્ષેત્ર પણ મંગળ છે, આજે મોક્ષ પામ્યા તેથી આજનો કાળ પણ
મંગળરૂપ છે, ને ભગવાનના કેવળજ્ઞાનાદિરૂપ ભાવ તે પણ મંગળરૂપ છે,–આ રીતે
ભગવાન મહાવીર પરમાત્મા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવથી મંગળરૂપ છે. ભગવાન મોક્ષ
પામતાં અહીં ભરતક્ષેત્રમાં તીર્થંકરનો વિરહ પડયો. ભગવાનનું સ્મરણ કરીને
ભગવાનના ભક્તો કહે છે કે હે નાથ! આપે ચૈતન્યસ્વભાવમાં અંતર્મુખ થઈને
આત્માની મુક્તદશાને સાધી ને એવો જ આત્મા વાણીદ્વારા અમને દર્શાવ્યો. એવા
સ્મરણથી શ્રદ્ધા–જ્ઞાનની નિર્મળતા કરે તે મંગળકાળ છે, જ્યાં એવી નિર્મળદશા પ્રગટે તે
મંગળક્ષેત્ર છે. શ્રદ્ધા–જ્ઞાનનો જે ભાવ છે તે મંગળભાવ છે, ને તે આત્મા પોતે મંગળરૂપ
છે. ભગવાનનો મોક્ષકલ્યાણક ઉજવ્યા પછી ઇન્દ્રો અને દેવો નંદીશ્વરદ્વીપે જાય છે અને
ત્યાં આઠ દિવસ સુધી ઉત્સવ કરે છે.
આજે ભગવાનના નિર્વાણનો દિવસ છે ને આ અષ્ટપ્રાભૃતમાં પણ આજે
નિર્વાણની જ ગાથા વંચાય છે. કઈ રીતે નિર્વાણ થાય અને કેવા પુરુષને નિર્વાણ થાય તે
વાત શીલપાહુડની ગાથામાં કહે છે–
णाणेण दंसणेण य तवेण चरिएण सम्मसहिएण ।
होहदि परिणिव्वाणं जीवाणं चरित्तसुद्धाणं ।। ११।।
ઉપયોગને અંતરમાં ઊંડો વાળીને ચૈતન્યના શાંતરસને ધર્મી અનુભવે છે. જેમ
કૂવામાં ઊંડેથી પાણી ખેંચે છે, તેમ સમ્યક્ આત્મસ્વભાવરૂપ કારણપરમાત્માને ધ્યેયરૂપે
પકડીને, ઉપયોગને તેમાં ઊંડો ઊંડો ઉતારીને પૂર્ણ શુદ્ધતા થાય છે; આ રીતથી
પરિનિર્વાણ થાય છે. નિર્વાણ એ કોઈ બહારની ચીજ નથી પણ આત્માની પર્યાય પરમ
શુદ્ધ થઈ ગઈ ને વિકારથી છૂટી ગઈ તેનું નામ જ નિર્વાણ છે.
ભગવાનને મનુષ્યદેહ હતો માટે નિર્વાણ થયું કે વજ્રઋષભનારાચસંહનન હતું
માટે નિર્વાણ થયું–એમ નથી. પણ સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર અને
સમ્યક્તપથી ભગવાન મુક્તિ પામ્યા. આજે મહાવીર ભગવાન મુક્તિ પામ્યા, તેમનું આ
શાસન ચાલે છે. ભગવાન સમ્યગ્દર્શનપૂર્વક દર્શન–જ્ઞાન–ચારિત્ર અને તપથી
પરિનિર્વાણ પામ્યા અને એવો જ ઉપદેશ આપી રહ્યા છે. ભગવાન પોતાના પરમ
આનંદમાં મહાલી રહ્યા છે, અતીન્દ્રિય આનંદનો અનુભવ કરી રહ્યા છે. આવી નિર્વાણ
દશાનો આજનો મંગળ દિવસ છે ને આ નિર્વાણના ઉપાયની ગાથા પણ મંગળ છે. આ
રીતે દિવાળીમાં માંગળિક છે.