Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૩૩ઃ
કમળ સંયમભાવનાથી ખીલી ઊઠે છે. તીર્થંકર–મુનિવરોના પ્રતાપે સમ્મેદશિખરજી પહાડ
તો શોભિત ને પૂજિત છે, પરંતુ તેના ઉપરનું એકેક વૃક્ષ, તેનાં પુષ્પ ને પાંદડાં પણ કેવા
સુંદર શોભી રહ્યા છે! અને અહીં વિચરનારા સંતોના હૃદયમાં ખીલેલી
રત્નત્રયપરિણતિની તો શી વાત! અહો, ગીચ વનમાં ગુપ્તપણે રત્નત્રયના અતીન્દ્રિય
આનંદનો સ્વાદ લેનારા એ સન્તો!
અહા, આ યાત્રાસંઘમાં ગુરુદેવના ભાવોની શી વાત! ગુરુદેવ અપૂર્વ ભાવે
સિદ્ધિધામને નીહાળી રહ્યા છે ને યાત્રિકોમાં કાલીઘેલી ભક્તિ અને ઉમંગ દેખીને પોતે
પણ પ્રસન્ન થાય છે; વારંવાર કહે છે કે આપણે તો પહેલીવહેલી યાત્રા છે. સિદ્ધિધામનું
અને સિદ્ધપદસાધકસંતોનું આ મિલન કોઇ અનેરું પ્રેરણાદાયી છે. જેમ સિદ્ધસ્વરૂપના
સાક્ષાત્કારથી સાધક પરમ આનંદિત થાય તેમ અહીં સિદ્ધિધામના સાક્ષાત્કારથી
સાધકોનું હૃદય પરમ આહ્લાદિત થાય છે.
જેમ જીવનની કોઇ વિરલક્ષણે થયેલું ચૈતન્યવેદન ધર્માત્માને જીવનમાં કદી
ભૂલાતું નથી ને જ્યારે જ્યારે યાદ કરે ત્યારે ત્યારે તેને પ્રમોદિત કરે છે, તેમ જીવનમાં
પ્રાપ્ત થયેલ આ મંગલયાત્રાનો વિરલ પ્રસંગ મુમુક્ષુને જીવનમાં કદી ભૂલાશે નહિ, ને
જ્યારે જ્યારે યાદ કરે ત્યારે ત્યારે તેને પ્રમોદિત કરશે.
અહીં દુનિયા દેખાતી નથી, સંસાર યાદ આવતો નથી; બસ, હૃદયમાં એક વહાલા
સિદ્ધ ભગવાન જ બિરાજે છે,–ક્યારે પ્રભુજીને ભેટીએ! ક્યારે સિદ્ધ થઇએ! સંતોની
આરાધનાના આ ધામમાં આરાધક સંતોની સાથે વિચરતાં આરાધના માટેની
ભાવનાઓ સેવાય છે. ખરેખર, આરાધના માટે જીવન વીતે એ જ ખરું જીવન છે.
જ્ઞાનીઓ સાથેની તીર્થયાત્રાની બલિહારી છે. એક તો જ્ઞાનીનો આત્મા સ્વયં
તીર્થ છે, ને વળી તેમની સાથે ભારતના સર્વોત્કૃષ્ટ તીર્થધામની યાત્રા થાય છે,–એવી આ
મંગળ તીર્થયાત્રાના આનંદની શી વાત!!
‘સમ્મેદશિખર!’ જેનાં દર્શન કરતાં અનંત સિદ્ધભગવંતોનું સ્મરણ થાય....ને
સિદ્ધપદને સાધનારા તીર્થંકરો તથા સંતોના સમૂહ સ્મૃતિસમક્ષ તરવરતો થકો આપણને
મોક્ષમાર્ગની પ્રેરણા જગાડે.....એવા આ સિદ્ધિધામની યાત્રા તે મુમુક્ષુજીવનનો એક
આનંદપ્રસંગ છે. રત્નત્રયતીર્થના પ્રવર્તક તીર્થંકરો અને તેને સાધનારા સન્તો આ
ભૂમિમાં વિચર્યા; એ તીર્થસ્વરૂપ સન્તોના પવિત્ર ચરણના પ્રતાપે આ ભૂમિનો
રજકણેરજકણ પાવનતીર્થ તરીકે જગતમાં પૂજ્ય બન્યો. આવી ભારતની આ શાશ્વત
તીર્થભૂમિની મંગલયાત્રા કરવા માટે તલસી રહેલા ભક્તોના હૃદય આજે તૃપ્ત થતા હતા.