Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 42

background image
૩૪ઃ આત્મધર્મઃ ૨૪૧
યાત્રિકો હોંસે હોંસે પર્વત ચડી રહ્યા છે....જેમ પોતાનું પરમ ઇષ્ટ પરમ વહાલું
એવું સિદ્ધપદ સાધતાં સાધકને થાક નથી લાગતો, ઉલટો આનંદ વધતો જાય છે, તેમ
સિદ્ધિધામ તરફ જવા માટે પહાડ ચડતાં ચડતાં યાત્રિકોને થાક નથી લાગતો પણ ઉલટો
ઉત્સાહ વધતો જાય છે. લગભગ સાડા પાંચ વાગે થોડો થોડો પ્રકાશ થયો. હજુ પહેલી
ટૂંક આવવાને થોડી વાર હતી, ત્યાં દૂરદૂર એક ટૂંકના દર્શન થયા. એને જોતાં જ ગુરુદેવ
કહે–જુઓ, એ....ટૂંક દેખાય! ટૂંકના દર્શન થતાં યાત્રિકો હર્ષોલ્લાસમાં આવી ગયા. જેમ
ચંદ્રને દેખીને દરિયો ઉલ્લસે તેમ તીર્થધામની ટૂંકના દર્શનથી તેને ભેટવા ભક્તહૃદયમાં
હર્ષનો દરિયો ઉલ્લસવા લાગ્યો. દૂરદૂરથી દેખાતી એ સૌથી ઊંચી ‘સુવર્ણભદ્ર’ ટૂંક હતી.
પારસનાથની એ સૌથી ઊંચી ટૂંકના દર્શન થતાં સૌએ લળીલળીને આખા શિખરજી
તીર્થને ભક્તિથી વંદન કર્યા અને જયઘોષપૂર્વક પહેલી ટૂંકે પહોંચવા ઝડપથી આરોહણ કર્યું.
જેમ દર્શનસહિતના પુરુષાર્થમાં જુદું જ જોર હોય છે તેમ ટૂંકના દર્શન પછી યાત્રિકોના
આરોહણમાં જુદું જ જોર આવ્યું....ને થોડી જ વારમાં પહેલી ટૂંકે આવી પહોંચ્યા.
“ચૈતન્યસ્વભાવ સહજ છે....એનાં મૂળ ઊંડા છે....મેરુ પર્વત ડગે પણ
એ સ્વભાવ ન ડગે. સ્વભાવના મૂળ ઊંડા છે. વિભાવના મૂળ ઊંડા નથી,
એને ઉખેડવા માંગે તો તે ઉખડી શકે છે.”