કુંદકુંદઆચાર્યદેવે શ્રી સીમંધર ભગવાન પાસેથી તદ્ન અશરીરી ચૈતન્યભાવ બતાવ્યો છે.
તદ્ન અશરીરી સિદ્ધપદ માટે પહેલાં તેનો નિર્ણય કરવો જોઈએ.
ભગવાન આજે અશરીરી થયા. ૨૪૮૯ વર્ષ પહેલાં થયા ને આજે ૨૪૯૦મું વર્ષ
બેઠું. પાવાપુરીથી સમશ્રેણીએ સિદ્ધપદમાં ભગવાન બિરાજે છે. જ્યાંથી દેહ છૂટે તેની
બરાબર ઉપર, સીધી શ્રેણીએ લોકાગ્રે ભગવાન બિરાજે છે. સમ્મેદશિખર ઉપરથી
અનંતા ભગવંતો મોક્ષ પામ્યા છે તેઓ ત્યાં જ ઉપર સાદિઅનંતકાળ બિરાજશે.
તેમના સ્મરણ માટે તીર્થસ્થાનો છે. અશરીરી પૂર્ણ જ્ઞાનઘન આત્મા એક સમયમાં
સ્વાભાવિક ઊર્ધ્વગતિથી લોકાગ્રે પહોંચીને અનંતકાળ સુધી ત્યાં બિરાજે છે. સંસાર
કરતાં સિદ્ધદશા અનંતગુણી છે. સંસારદશા અનંતમા ભાગે હતી–પણ તેમાં
એકસ્થાન ન હતું, ચારગતિમાં ભ્રમણ હતું. ને આ સાદિ અનંત પરમાત્મસિદ્ધપદ
પ્રગટયું....ત્યાં તેનું સ્થાન પણ અચળ થઈ ગયું. ભાવ પૂરો થયો ને સ્થાન અચળ
થયું. ક્ષેત્રથી તે ચલાયમાન નથી, તેમજ કાળથી પણ હવે કદી તેનો અંત નથી.
ભાવથી પણ પૂરું છે. અહો! આવું સિદ્ધપદ શરીર સાથે સર્વથા સંબંધ વગરનું–
અશરીરી–પૂર્ણાનંદ ભરેલું, તેને ભગવાન આજે પામ્યા.
મન–વાણીને પરદ્રવ્ય સમજુ છું–તેથી મને તેનો પક્ષપાત નથી. મારું તેમાં જરાયે
કર્તાપણું નથી. મારો તેનામાં જરાય અધિકાર નથી. જેને પોતાનું કર્તવ્ય માને તેમાં
પક્ષપાત થયા વિના રહે નહીં. પણ દેહાદિમાં મારું કર્તવ્ય છે જ નહીં, એટલે તેમાં મારું
જરાય હિતઅહિત નથી, તેથી હું તેના પ્રત્યે તદ્ન મધ્યસ્થ છું. તદ્ન અકર્તા છું. વચન
નીકળે, શરીર ચાલે તેનો આધાર હું નથી. એ અચેતનનો આધાર અચેતન છે.–આવા
ભિન્ન ચૈતન્યના ભાનપૂર્વક ભગવાને મોક્ષદશા સાધી. આવો નિર્ણય કરે તેણે
ભગવાનની ઓળખાણ કરી કહેવાય. આવો નિર્ણય કરવો તે મૂળ મંગલ મહોત્સવ છે.