ઃ ૪ઃ આત્મધર્મઃ ૨૪૧
અશરીરી થવું હોય, કલેવરથી રહિત થવું હોય–તેણે શરીરથી અત્યંત ભિન્નતાનો
નિર્ણય કરીને તેના કર્તૃત્વની બુદ્ધિ છોડવી જોઈએ. કર્તૃત્વબુદ્ધિ છૂટયા વગર મધ્યસ્થતા
થાય નહિ, ને મધ્યસ્થતા વગર વીતરાગતા થાય નહિ. મારું સ્વરૂપ પુદ્ગલની ક્રિયાનો
આધાર નથી. મારું સ્વરૂપ તો મારા અનંત જ્ઞાનાદિનો જ આધાર છે ને શરીરાદિની
ક્રિયાનો આધાર પુદ્ગલ જ છે. મારા વગર જ તેનાં કાર્યો સ્વયં થાય છે. ભગવાનનો
આત્મા આજે શરીરરહિત અતીન્દ્રિય થયો, તેમ દરેક આત્મા અશરીરી ચિદાનંદ સ્વરૂપ
જ છે. અત્યારે પણ આત્મા એવો જ છે. આચાર્યદેવ કહે છે કે અરે જીવો! તમે આવા
આત્માને શ્રદ્ધામાં લ્યો....શરીર તો પુદ્ગલનું ઢીંગલું છે, તે તો આજે સુંદર હોય ને કાલ
સડી જાય....એમાં આત્માનો જરાય અધિકાર નથી. આત્મા ધ્યાન રાખે તો સારૂં રહે ને
આત્મા ધ્યાન ન રાખે તો બગડી જાય એવો સંબંધ જરાય નથી. અહો! આત્મા
અશરીરી; તે શરીરનો આધાર નથી. આવા આત્માને જાણતા ધર્માત્માને શરીરાદિનો
પક્ષપાત નથી. અત્યંત મધ્યસ્થતા છે. આત્મા શરીરનું સાધન નથી ને શરીર આત્માના
ધર્મનું સાધન નથી. આત્મા કર્તા કે સાધન થયા વગર જ શરીરાદિ પુદ્ગલો પોતાના
કાર્યોરૂપે સ્વયમેવ પરિણમે છે. આવી ભિન્નતાના ભાન વગર અશરીરી સિદ્ધપદની ખરી
ઓળખાય થાય નહીં. ભગવાન આત્મા અશરીરી છે, અતીન્દ્રિય છે, તેના નિર્ણય વગર
અશરીરી પદની સાધકદશા થાય નહિ. શરીર કે ઇન્દ્રિયોને મદદરૂપ માને, આત્મા તેના
કાર્યનો કર્તા–કારણ કે આધાર છે એમ માને, તો તેણે અશરીરી આત્માને જાણ્યો નથી,
ને અશરીરી સિદ્ધપદને પણ ઓળખ્યું નથી. આખી જીંદગી દેહના કાર્ય પોતાના માનીને
વીતાવી, પણ હવે સમજ્યા ત્યાંથી સવાર! એટલે જ્યાં દેહાદિથી ભિન્ન આત્માની સમ્યક્
ઓળખાણ થઈ ત્યાં ભેદજ્ઞાનરૂપી સુપ્રભાત ઊગ્યું. અરે જીવો! તમારો આત્મા આ
એકક્ષેત્રે રહેલા શરીરના કાર્યમાં પણ કારણપણે નથી, તો પછી બીજાની શી વાત!
દેહમંદિરમાં બિરાજમાન ભગવાન આત્મા અશરીરી છે, તે દેહનો પણ આધાર નથી ત્યાં
બહારના પદાર્થોની શી વાત! ક્યાંય તારું કર્તાપણું નથી. માટે તું તેનો પક્ષપાત છોડી દે.
આ વીતરાગતાનો માર્ગ છે....આ સિદ્ધપદનો પંથ છે.
જુઓ....આ વીતરાગતાનો માર્ગ! આ પરમાત્માના પંથ, ને આ સિદ્ધપદને
સાધવાના રસ્તા. મહાવીર ભગવાન આવા માર્ગે મોક્ષ પામ્યા ને આવો જ માર્ગ તેમણે
વિપુલાચલ પર દિવ્યધ્વનિ વડે બતાવ્યો હતો.
ભાઈ, તારો અદ્રશ્ય આત્મા, તે આ દ્રશ્યમાન દેહનું કારણ કેમ થાય? તારો
ચિદાનંદ આત્મા તે આ જડ પુદ્ગલનો પક્ષપાતી (કર્તા) કેમ થાય? માટે તેના
કારણપણાનો પક્ષપાત છોડીને અશરીરી ચિદાનંદ આત્મા તરફ પરિણતિને અંતરમાં વાળ.
આ દિવાળીના મંગળ દિવસોમાં આખી વાત સમજીને પરિણતિને અંતરમાં
વાળવી તે ખરી દિવાળી છે, તેમાં સમ્યગ્જ્ઞાનના ખરા દીવડા પ્રગટે છે, તે મંગળ છે.