વગેરે છે, પણ વિકાર કે કર્મનું મારા સ્વભાવમાં અસ્તિત્વ નથી.–આ રીતે મહાન
આત્મસત્તાને લક્ષમાં લઇને તેમાં એકાગ્રતાવડે શુદ્ધિની વૃદ્ધિ થાય, વિકાર ટળતો જાય ને
કર્મો નિર્જરતા જાય–તેનું નામ નિર્જરા છે.
એવા આત્મામાં વાસ કર્યો; તેણે ખરૂં વાસ્તું કર્યું. ભગવાન આત્મા એવો છે કે સ્વસંવેદન
પ્રત્યક્ષથી આખો લક્ષમાં આવે છે. એના લક્ષ વગર પરનો–રાગનો મહિમા મટે નહિ.
જ્ઞાની ધર્માત્માને સ્વભાવનો જ આદર છે, રાગનો આદર નથી એટલે તે નિર્જરા ખાતે જ
છે; સ્વભાવના આનંદસ્વાદ આગળ પરભાવો ગળી જાય છે–ઝરી જાય છે. અહા, જ્ઞાનીએ
અંતરમાં ચૈતન્ય સાથે રમત માંડી, તે રમતમાં તેને બીજી પરભાવની રમતું રુચતી નથી.
પૂર્ણાનંદી આત્મા તેને રુચે છે ને પરભાવની વૃત્તિ તે તેને ખૂંચે છે. અહા, સમ્યગ્દર્શનના
ધ્યેયમાં આખો ભગવાન ભેટયો!! મિથ્યાદર્શનમાં વિકારને ને સંયોગને ભેટતો, ને
સમ્યક્ત્વ થતાં પૂર્ણ આનંદના સાગરનો ભેટો થયો. જુઓ તો ખરા સમકિતનો મહિમા!!
જ્યાં ભગવાનના ભેટા થયા ત્યાં હવે મલિનભાવો કેમ ગોઠે? અનંતકાળે જે હાથમાં
નહોતો આવ્યો એવો ચૈતન્ય જ્યાં નજરમાં આવ્યો ત્યાં આખી દ્રષ્ટિ ફરી ગઇ. હું શરીરના
સંયોગમાં ન આવું, વિકારમાં હું ન આવું, હું તો મારા અનંત જ્ઞાનાદિ સ્વભાવમાં જ છું,–
આવી શુદ્ધ સંપદા ઉપરની દ્રષ્ટિને લઇને જ્ઞાનીને તે સંપદા ખીલતી જાય છે. સમવસરણમાં
ચકલાં ને વાઘ સમ્યગ્દ્રષ્ટિ હોય તેને પણ આવી દ્રષ્ટિથી શુદ્ધતા વધતી જાય છે ને
ચૈતન્યસંપદા ખીલતી જાય છે. અલ્પ રાગાદિ છે તેના ભોગવટાની મુખ્યતા નથી,
શુદ્ધતાની જ મુખ્યતા છે. બહારમાં અગ્નિની ભઠ્ઠીના ઢગલા વચ્ચે પડેલો નરકનો
સમ્યગ્દ્રષ્ટિ જીવ અંતરમાં ચૈતન્ય શાંત શીતળ રસને વેદી રહ્યો છે. તેને અશુદ્ધતા ને કર્મો
નિર્જરતા જ જાય છે. ચૈતન્ય ઉપર દ્રષ્ટિ પડી છે તેને પ્રતાપે આ નિર્જરા થાય છે.–આવી
દ્રષ્ટિ પ્રગટ કરીને ચૈતન્યમાં વાસ કરવો તે ખરું વાસ્તુ છે.