કોલાહલથી તું વિરક્ત થા..... અને અંતરમાં જ્ઞાનસ્વરૂપી આત્મા દેહથી જુદો છે તેને અનુભવવા
માટે એકધારો છ મહિના પ્રયત્ન કર, અંતરંગમાં ભેદજ્ઞાનનો અભ્યાસ કર. નિશ્ચલપણે
લગનીપૂર્વક અંતરમાં અભ્યાસ કર. એમ કરવાથી તને તારામાં તને તારા અંતરમાં જ ભિન્ન
ચૈતન્યતત્ત્વ અનુભવમાં આવશે. અરે જીવ! તું નિશ્ચયપણે અભ્યાસ કર તો છ મહિનામાં જરૂર
તને આત્મપ્રાપ્તિ થાય. છ મહિના સુધી આત્માની લગનીમાં લાગ્યો રહે ને તેમાં ભંગ પડવા ન દ્યે
તો નિર્મળઅનુભૂતિ થયા વગર રહે નહીં. એક શરત છે કે બીજો કોલાહલ છોડીને પ્રયત્ન કરવો.
અરે, મારું ચૈતન્યતત્ત્વ શું છે? એમ અંતરમાં કુતૂહલ કરીને, તેની સન્મુખ થઈને અભ્યાસ કર. છ
મહિના તો વધુમાં વધુ ટાઈમ આપ્યો છે, કોઈને ટૂંકા કાળમાં પણ થઈ જાય. પરિણામમાં એવો
તીવ્ર રસ છે કે આત્માના અનુભવના અભ્યાસની ધારાને તોડતો નથી. શરીરનું–કુટુંબનું શું થશે
એવા વિકલ્પના કોલાહલને મુક એક કોર, ને ચૈતન્યસ્વભાવના મહિમાનું ઘોલન કર. અંતર્મુંખ
થવાનો પ્રયત્ન છ મહિના કર, ને બહિર્મુંખની ચિંતા છોડ. તું બહારની ચિંતા કર તોપણ તેનું જે
થવાનું તે થવાનું છે, ને તું ચિંતા ન કર તોપણ તેનું કાંઈ અટકી જવાનું નથી. માટે તું તેની ચિંતા
છોડીને એકવાર તો સતતપણે તારા આત્માના પ્રયત્નમાં લાગ.... છ મહિના તો ચૈતન્યના
ચિંતનમાં તારા ઉપયોગને જોડ. આવા ધારાવાહી પ્રયત્નથી જરૂર તને આનંદસહિત તારા
અંતરમાં આત્માનો અનુભવ થશે.
થયા વગર રહે નહીં.